ખેલાડીઓને નહીં મળે પૅરિસ ઑલિમ્પિક્સમાં ACવાળો રૂમ

30 June, 2024 07:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ગ્લોબલ વૉર્મિંગ વિશ્વના મોટા ભાગના હવામાનની પૅટર્નને ખરાબ અસર કરી રહી છે

ઍર-કન્ડિશનર (AC) વગરના રૂમ

૨૬ જુલાઈથી શરૂ થનારી પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ પહેલાં એક ચોંકાવનારી અપડેટ સામે આવી છે. ૨૦૨૩માં રેકૉર્ડતોડ ગરમીનો સામનો કરનાર યુરોપ હવે વધુ ગરમી સહન કરવાની તૈયારીમાં છે ત્યારે ફ્રાન્સનાં પૅરિસનાં મેયર એની હિડાલ્ગોએ ગ્રીન ગેમ્સ માટે ખેલાડીઓને ઍર-કન્ડિશનર (AC) વગરના રૂમ આપવાની જાહેરાત કરી છે. ગ્રીન ઍથ્લીટ વિલેજને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે એમાં ભૂગર્ભ જળથી ઠંડક મળે અને સીધો સૂર્યપ્રકાશ ન પડે. પૅરિસ ૨૦૨૪ના આયોજકોએ કહ્યું છે કે ‘તેમણે રિયો ૨૦૧૬ અને લંડન ૨૦૧૨ સમર ગેમ્સની સરખામણીમાં કાર્બન ઉત્સર્જનને અડધું કરવાનું લક્ષ્ય રાખ્યું છે, કારણ કે વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે ગ્લોબલ વૉર્મિંગ વિશ્વના મોટા ભાગના હવામાનની પૅટર્નને ખરાબ અસર કરી રહી છે.

ભવિષ્યના ચૅમ્પિયન્સ સાથે લંચ કર્યું ભારતીય સ્પોર્ટ્‌સ મિનિસ્ટરે

સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ પટિયાલામાં ઑલિમ્પિક્સમાં જનારા ભારતીય ખેલાડીઓ સાથે નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્‍સ (NSNIS)ની અંદર મુલાકાત કરી હતી. તેમણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન તેમણે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ, જૅવલિન થ્રોઅર અન્નુ રાની અને શૉટપુટ પ્લેયર આભા ખટુઆ સાથે લંચ કર્યું હતું. માંડવિયાએ અહીં નૅશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ખાતે કેટલાક અન્ય ખેલાડીઓ અને કોચ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે તેમને રમતોમાંથી ‘ડ્રૉપ-આઉટ’ રેશિયો કેવી રીતે ઘટાડવો એ વિશેનાં સૂચનો પણ લીધાં હતાં.

sports sports news Olympics france paris