13 February, 2024 07:46 AM IST | Indonesia | Gujarati Mid-day Correspondent
ફૂટબોલ ખેલાડી
ઇન્ડોનેશિયામાં એક ફુટબૉલ મૅચ દરમ્યાન ખેલાડી પર આકાશમાંથી વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના શનિવારે બની હોવાનું માનવામાં આવે છે, જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઇન્ડોનેશિયામાં વેસ્ટ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં શનિવારે ખરાબ હવામાન વચ્ચે બેનડુંગ એફસી અને શબેંગ એફબીઆઇ વચ્ચે ફ્રેન્ડલી મૅચ રમાઈ રહી હતી એ દરમ્યાન વચ્ચે મેદાનમાં ઊભા રહેલા એક ખેલાડી પર અચાનક વીજળી પડી હતી. ખેલાડી પર વીજળી પડતાં જ તે બેભાન થઈ ગયો હતો. આસપાસના ખેલાડીઓ બચવા માટે દૂર ભાગી રહ્યા હતા, પરંતુ થોડા સમય પછી સાથી-ખેલાડીઓ તેની પાસે ગયા અને તેને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ફુટબૉલ ખેલાડીને જ્યારે સારવાર માટે હૉસ્પિટલ મોકલવામાં આવી રહ્યો હતો ત્યારે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો, પણ તેને હૉસ્પિટલ પહોંચ્યા બાદ ડૉક્ટર મૃત જાહેર કર્યો હતો.
છેલ્લા ૧૨ મહિનામાં વીજળી પડવાની આ બીજી ઘટના બની
છેલ્લા ૧૨ મહિનામાં આ બીજી ઘટના બની હતી. ૨૦૨૩માં સોરાટિન અન્ડર-13 કપ દરમ્યાન જાવામાં એક ફુટબૉલર પર વીજળી પડી હતી ત્યારે તે ખેલાડીને ડૉક્ટર ૨૦ મિનિટમ સારવાર આપ્યા બાદ તેને હોશમાં લાવવામાં સફળ રહ્યા હતા.