Football News: ભારતીય ફુટબૉલ ટીમના હેડ કૉચે હકાલપટ્ટી પછી આપી કાનૂની કાર્યવાહી કરવાની ધમકી

20 June, 2024 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો ૨૦ વર્ષ જૂનો કયો રેકૉર્ડ તૂટ્યો?; ૯૦મી મિનિટે મેદાનમાં આવ્યો અને ૯૨મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સિસ્કોએ પોર્ટુગલને વિજયી શરૂઆત અપાવી અને વધુ સમાચાર

ઇગોર સ્ટિમૅકન

ફિફા ૨૦૨૬ વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સમાં ભારતીય ફુટબૉલ ટીમ બીજા રાઉન્ડથી આગળ ન વધી શકી, જેને કારણે હેડ કોચ ઇગોર સ્ટિમૅકને ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) દ્વારા પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. આ નિર્ણયથી નારાજ ઇગોર સ્ટિમૅકે AIFFને ચેતવણી આપી હતી કે ૧૦ દિવસની અંદર મારી બાકી રહેલી સૅલેરી ચૂકવવી દેજો, જો આમ કરવામાં નહીં આવે તો હું AIFF વિરુદ્ધ ફિફા ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરીશ. ૨૦૧૯માં તેમને હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે AIFF દ્વારા તેમના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો હતો. ૫૬ વર્ષના સ્ટિમૅક ૧૯૯૮ ફિફા વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયા ટીમનો ભાગ હતા. તેમના નેતૃત્વ હેઠળ ભારતે બે SAFF ચૅમ્પિયનશિપ, એક ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપ અને ત્રિકોણીય સિરીઝ સહિત ચાર મુખ્ય ટ્રોફી જીતી હતી.

ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો ૨૦ વર્ષ જૂનો કયો રેકૉર્ડ તૂટ્યો?

૧૯ વર્ષ અને ૧૧૪ દિવસની ઉંમરે યુરો કપની ડેબ્યુ મૅચમાં ગોલ ફટકારનાર અર્દા ગુલેર

યુરો કપમાં પહેલી વખત રમી રહેલી જ્યૉર્જિયા ટીમ સામે ૩-૧થી જીત મેળવીને ટર્કીએ વિજયી શરૂઆત કરી હતી. આ મૅચની ૬૫મી મિનિટે ટર્કીના યંગ ફુટબોલર અર્દા ગુલેરે શાનદાર ગોલ ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. ૧૯ વર્ષ અને ૧૧૪ દિવસની ઉંમરે યુરો કપની ડેબ્યુ મૅચમાં ગોલ ફટકારનાર તે યંગેસ્ટ ફુટબોલર બન્યો હતો. તેણે દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોનો ૨૦ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો જેણે ૨૦૦૪માં ૧૯ વર્ષ અને ૧૨૮ દિવસની ઉંમરે ડેબ્યુ મૅચમાં ગોલ કર્યો હતો.

૯૦મી મિનિટે મેદાનમાં આવ્યો અને ૯૨મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સિસ્કોએ પોર્ટુગલને વિજયી શરૂઆત અપાવી

સ્ટૉપેજ ટાઇમમાં સબ્સ્ટિટ્યુટ ફ્રાન્સિસ્કો કોન્સેકાઓના ગોલની મદદથી પોર્ટુગલે યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપ મૅચમાં ચેક રિપબ્લિકને ૨-૧થી હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. ૯૦મી મિનિટે મેદાન પર આવેલા કોન્સેકાઓએ ૯૨મી મિનિટે ગોલ કર્યો હતો. આ પહેલાં ચેક રિપબ્લિક માટે લુકાસ પ્રોવોડે ૬૨મી મિનિટે ગોલ કર્યો હતો. આઠ મિનિટ પછી પોર્ટુગલની ટીમે બરાબરીનો ગોલ કર્યો. લગભગ ૨૪ વર્ષ પહેલાં કોન્સેકાઓના પિતા સર્જિયોએ યુરો કપ ૨૦૦૦માં જર્મની સામે હૅટ-ટ્રિક ગોલ કરીને એને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. 

football india georgia turkey czech republic portugal sports sports news