24 November, 2023 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૨૩નું વર્ષ બ્રાઝિલના પતનનું વર્ષ રહ્યું. (તસવીર : એ.એફ.પી.)
બ્રાઝિલના ફુટબૉલ માટે ૨૦૨૩નું વર્ષ સૌથી ખરાબ રહ્યું છે. એની નૅશનલ સૉકર ટીમ ક્યારેય ઉપરાઉપરી ત્રણ મૅચ નહોતી હારી અને ઘરઆંગણે ક્યારેય વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ મૅચ નહોતું હાર્યું, પરંતુ આર્જેન્ટિના સામે તાજેતરમાં એનો ૦-૧થી પરાજય થયો હતો. ત્રીજું, વેનેઝુએલા સામે ઘણાં વર્ષોથી ઘરઆંગણે બ્રાઝિલનો વિજય જ થયો હતો, પણ તાજેતરમાં એણે એની સામેની મૅચ ૧-૧થી ડ્રૉ કરાવવી પડી હતી. દક્ષિણ અમેરિકાની ૧૦માંથી ૬ ટીમને ૨૦૨૬ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળશે અને સાતમા સ્થાનની ટીમે પ્લે-ઑફમાં જીતવું પડશે. પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલું બ્રાઝિલ અત્યારે માત્ર ૭ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે અને ક્વૉલિફાય થવાનો મોકો કદાચ ગુમાવે એવો ડર નકારી ન શકાય.
રાશિદ ખાન સર્જરીને લીધે બિગ બૅશ ગુમાવશે તાજેતરના વર્લ્ડ કપમાં મોટા દેશોની ટીમને હરાવીને ધમાલ મચાવનાર અફઘાનિસ્તાનની ટીમનો સ્પિનિંગ ઑલરાઉન્ડર રાશિદ ખાન થોડા દિવસમાં પીઠમાં નાની સર્જરી કરાવશે જેને કારણે તે ૭ ડિસેમ્બરે શરૂ થનારી ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગ (બીબીએલ)માં નહીં રમી શકે. તે ૬ વર્ષથી ઍડીલેડ સ્ટ્રાઇકર્સ ટીમ વતી રમે છે. તેણે થોડા દિવસ પહેલાં ધમકી આપી હતી કે જો ઑસ્ટ્રેલિયાની ટીમ અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ રદ કરશે તો તે બિગ બૅશમાં નહીં રમે.
પ્રણોય, સાત્ત્વિક-ચિરાગ પહોંચ્યા ક્વૉર્ટરમાં ભારતનો ટોચનો બૅડ્મિન્ટન ખેલાડી અને વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ વિજેતા એચ. એસ. પ્રણોય તથા એશિયન ગેમ્સની ગોલ્ડ-મેડલિસ્ટ ડબલ્સ જોડી સાત્ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ગઈ કાલે ચાઇના માસ્ટર્સ ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતા. સિંગલ્સમાં ભારતીયોમાંથી હવે એકમાત્ર પ્રણોય બાકી રહ્યો છે અને તેણે ડેન્માર્કના મૅગ્નસ યોહાનસેનને ૨૧-૧૨, ૨૧-૧૮થી હરાવ્યો હતો. મેન્સ ડબલ્સમાં સાત્ત્વિક-ચિરાગની જોડીએ જપાનના અકિરા કોગા અને તાઇચી સાઇતોની જોડીને ૨૧-૧૫, ૨૧-૧૬થી હરાવીને લાસ્ટ-ફોરમાં પ્રવેશ કર્યો હતો.