ફિટનેસ ફર્સ્ટ, પણ ઑલિમ્પિક્સનું ક્વૉલિફિકેશન સૌથી ટફ : પ્રણોય

09 November, 2023 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનો સ્ટાર બૅડ‍્મિન્ટન પ્લેયર એચ. એસ. પ્રણોય પીઠની ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે, પરંતુ તેને માટે ફિટનેસનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે

બાંદરા-ઈસ્ટના બીકેસીમાં ગઈ કાલે પત્રકારો સમક્ષ બૅડ‍્મિન્ટન ખેલાડી એચ. એસ. પ્રણોય. ઐશ્વર્યા દેવધર

ભારતનો સ્ટાર બૅડ‍્મિન્ટન પ્લેયર એચ. એસ. પ્રણોય પીઠની ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે, પરંતુ તેને માટે ફિટનેસનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે. ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફિકેશન મેળવવા તે તત્પર તો છે, પણ ફરી રમવા આવવાની ઉતાવળ નથી કરવા માગતો.

આગામી ૨૮ એપ્રિલ સુધી ભારત વિશ્વ ક્રમાંકોમાં ટોચના ૧૬ નંબરમાં સ્થાન ધરાવનાર પોતાના બે ખેલાડીઓને ઑલિમ્પિક્સ માટે મોકલી શકશે. પ્રણોય વિશ્વમાં આઠમા ક્રમે છે, જ્યારે લક્ષ્ય સેન ૧૭મા અને કિદામ્બી શ્રીકાંત ૨૦મા નંબરે છે.

પ્રણોયે ગઈ કાલે મુંબઈમાં ફેડરલ બૅન્ક સાથેના સહયોગની જાહેરાત કરતી વખતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય થવું અત્યારે મારું સૌથી મોટું લક્ષ્ય છે. ક્વૉલિફિકેશનની મુદત પૂરી થતાં પહેલાં હજી ૧૦-૧૨ ટુર્નામેન્ટ રમાવાની બાકી છે એટલે હું પહેલાં તો ફિટનેસ પૂરી મેળવીશ અને પછી રૅન્ક જાળવી રાખવા માટેના પૂરતા પ્રયત્ન કરીશ.’

પ્રણોય એશિયન ગેમ્સમાં મેડલ જીતનારો ૧૯૮૨ પછીનો પ્રથમ ભારતીય છે. તે ચીનની આ સ્પર્ધામાં બ્રૉન્ઝ જીત્યો હતો.

badminton news sports sports news