22 November, 2023 09:12 AM IST | Bhuvneshwar | Gujarati Mid-day Correspondent
૯૦ મિનિટની રમતમાં કતારની ટીમ ભારતીયો પર હાવી થઈ ગઈ હતી
ભુવનેશ્વરમાં ગઈ કાલે ૨૦૨૬ના ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા માટેની બીજા રાઉન્ડની મૅચ રમાઈ હતી જેમાં ભારતનો કતાર સામે ૦-૩થી પરાજય થયો હતો. ખરેખર તો એશિયન ચૅમ્પિયન કતારને ભારતીય ટીમે જોરદાર લડત આપી હતી. ૯૦ મિનિટની રમતમાં કતારની ટીમ ભારતીયો પર હાવી થઈ ગઈ હતી એટલે ભારત વધુ માર્જિનથી હાર્યું હોત, પરંતુ ડિફેન્ડર્સે આપેલી જોરદાર લડતને કારણે ત્રણથી વધુ ગોલ નહોતા થઈ શક્યા.
બ્લુ ટાઇગર્સ તરીકે જાણીતી ભારતીય ટીમના કોચ ઇગોર સ્ટિમૅકે ગોલકીપર તરીકે ગુરપ્રીત સિંહ સંધુને બદલે અમરિન્દર સિંહને લીધો હતો.
સુનીલ છેત્રીના સુકાનમાં ભારતને ગઈ કાલે હારવા છતાં થર્ડ રાઉન્ડની મૅચમાં જીતીને ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં આગળ વધવાનો મોકો છે, કારણ કે ભારતે પ્રથમ રાઉન્ડમાં કુવૈતને ૧-૦થી હરાવ્યું હતું. હવે ભારતની આગામી મૅચ ૨૧ માર્ચે તાજિકિસ્તાનમાં અફઘાનિસ્તાન સામે રમાશે.