આજે ફ્રાન્સને અટૅક જિતાડશે કે મૉરોક્કોને ડિફેન્સ બચાવશે?

14 December, 2022 11:29 AM IST  |  Doha | Gujarati Mid-day Correspondent

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમમાં અનેક રેકૉર્ડધારક ખેલાડીઓ છે : બીજી બાજુ આફ્રિકન ટીમ બેલ્જિયમ, સ્પેન, પોર્ટુગલ જેવી નામાંકિત ટીમોને હરાવી ચૂકી છે

ફ્રાન્સનો ઍમ્બપ્પે (ડાબે) અને મૉરોક્કોનો અશરફ હાકીમી (બાજુમાં) લીગ ફુટબૉલમાં પીએસજી વતી રમે છે અને બન્ને બહુ સારા મિત્રો છે.

કતારના ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમી ફાઇનલ જીતવા માટે ૨૦૧૮નું ચૅમ્પિયન ફ્રાન્સ ફેવરિટ છે. જોકે બીજી બાજુ એવી ટીમ છે જે આફ્રિકા ખંડમાંથી સેમી ફાઇનલમાં પહોંચેલી પહેલી ટીમ તો બની જ છે, એની ગણના જાયન્ટ-કિલર તરીકે પણ થાય છે. આ ટીમ છે મૉરોક્કોની અને એણે આ વખતે ક્રોએશિયા સાથેની મૅચ ડ્રૉ કરાવ્યા પછી લાગલગાટ ચાર મૅચમાં જીત મેળવી હતી. મૉરોક્કોએ વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમને ૨-૦થી પરાજિત કર્યા બાદ કૅનેડાને ૨-૧થી હરાવ્યું હતું. ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્પેન સામે એણે પેનલ્ટી-શૂટઆઉટમાં વિજય મેળવ્યો હતો, પણ એ આંચકો સ્પેનના ખેલાડીઓ જીવનભર નહીં ભૂલે. ક્વૉર્ટર ફાઇનલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પોર્ટુગલની ટીમ જીતવા માટે ફેવરિટ હતી, પરંતુ મૉરોક્કોએ એને પણ બાકી ન રાખી અને સ્પર્ધાની બહાર કરી દીધી.

મૉરોક્કોનો ગોલકીપર યાસિન બૉનો (ડાબે) અને ફ્રાન્સનો હુગો લૉરિસ. તસવીર એ.એફ.પી.

મૉરોક્કોએ એકેય ગોલ નથી થવા દીધો

ફ્રાન્સની ટીમ ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે તો મૉરોક્કોનું ડિફેન્સ જોરદાર છે. ફ્રાન્સના ઘણા ખેલાડીઓ વિક્રમ ધરાવતા હોવા છતાં અને આ ટીમ અટૅક માટે જાણીતી હોવા છતાં આજે જીતવું એને માટે કઠિન એ માટે છે કે આફ્રિકા ખંડમાંથી ફિફા વર્લ્ડ કપની સેમીમાં પહોંચનાર પહેલા જ દેશ મૉરોક્કોની ટીમ ડિફેન્સ માટે પ્રખ્યાત છે. એની ડિફેન્ડર્સની ખાસિયત એ છે કે આ વખતની ટુર્નામેન્ટમાં મૉરોક્કો જે પાંચ મૅચ રમ્યું છે એમાં એની વિરુદ્ધ એકેય ગોલ નથી થયો. કૅનેડા સામે એનો ૨-૧થી જે વિજય થયો હતો એમાં કૅનેડાના ખેલાડીથી ગોલ નહોતો થયો, પણ ખુદ મૉરોક્કોના જ પ્લેયરથી ઑન ગોલ થયો હતો.

હાકીમીની ઍમ્બપ્પેને ચૅલેન્જ

અશરફ હાકીમી તેમ જ નૌસેઇર મઝરૌની અને અશરફ દારી સહિત ઘણા પડકારરૂપ પ્લેયરો પણ આ ફ્રાન્સને ફાઇનલમાં જતાં રોકી શકે એમ છે. કોચ યાસિન બૉનો ફ્રાન્સના ખેલાડીઓ માટે દીવાલ બનીને ઊભો રહેશે. જો તેઓ ફ્રાન્સના સુપરસ્ટાર ઍમ્બપ્પેને કાબૂમાં રાખશે તો અડધો મુકાબલો જીતી લીધો કહેવાશે. જોકે ઍમ્બપ્પેને અંકુશમાં રાખવો આસાન નથી. તેના રેકૉર્ડ જ એનો પુરાવો છે. તેણે ૨૪ વર્ષની ઉંમરમાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ્સમાં કુલ ૯ ગોલ કર્યા છે અને પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાંચ-પાંચ વર્લ્ડ કપમાં રમ્યા છતાં આટલા ગોલ નથી કરી શક્યો. ફ્રાન્સનો જ ઑલિવિયર ઝિરુ આ વખતના ગોલ્ડન બૂટ અવૉર્ડ માટે દાવેદાર છે, તો ઍમ્બપ્પે પણ કંઈ પાછળ નથી. ઇંગ્લૅન્ડ સામેની ક્વૉર્ટર ફાઇનલમાં ફ્રાન્સને જિતાડવામાં ગોલકીપર હુગો લૉરિસનું પણ મોટું યોગદાન હતું. તેણે ૧૪૩મી મૅચ રમીને પોતાના જ દેશના લિલિયન થુરમનો રેકૉર્ડ તોડ્યો છે.

ફ્રાન્સ સેમીમાં સુપર-ડુપર

ફ્રાન્સની ટીમ ‘લેસ બ્લુઝ’ અને મૉરોક્કોની ટીમ ‘આફ્રિકન લાયન્સ’ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે સેમી ફાઇનલ મુકાબલાઓમાં ફ્રાન્સની છાપ ઘણી સારી રહી છે. ઍમ્બપ્પે અને ઝિરુએ મળીને આ વખતના વર્લ્ડ કપમાં કુલ ૯ ગોલ કર્યા છે. મૉરોક્કોએ ડેમ્બેલ અને ગ્રિઝમૅનને પણ કાબૂમાં રાખવા પડશે. એ જ રીતે ફ્રાન્સે મૉરોક્કોના હકીમ ઝિયશ, બૉફલ અને નેસિરીથી ચેતવું પડશે.

11
બન્ને દેશ વચ્ચે કુલ આટલી મૅચ રમાઈ છે જેમાંથી ૭ ફ્રાન્સ અને માત્ર ૧ મૉરોક્કો જીત્યું છે. ત્રણ મુકાબલા ડ્રૉ રહ્યા છે.
બન્ને દેશ વચ્ચે કુલ આટલી મૅચ રમાઈ છે જેમાંથી ૭ ફ્રાન્સ અને માત્ર ૧ મૉરોક્કો જીત્યું છે. ત્રણ મુકાબલા ડ્રૉ રહ્યા છે.

sports sports news football doha