26 December, 2022 12:36 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
મેસીએ ગોલ કર્યો એ પહેલાં જ આર્જેન્ટિનાના બે સબસ્ટિટ્યુટ દોડી આવતાં વિવાદ થયો હતો. ઍમ્બપ્પે (જમણે)ના ગોલ વખતે પણ આવું બન્યું હોવાનું રેફરી કહે છે.
કતારનો ફિફા વર્લ્ડ કપ પૂરો થયો એને અઠવાડિયાથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ એની ફાઇનલના ડ્રામાની એક ઘટના હજી વિવાદના વમળમાં છે. વાત એટલી હદ સુધી પહોંચી છે કે રવિવાર ૧૮ ડિસેમ્બરની ફાઇનલ ફરી રાખવાની માગણી કરતી પિટિશન કરવામાં આવી હોવાનું ફ્રાન્સથી મળતા અહેવાલમાં જણાવાયું હતું. આ પિટિશનની ફેવરમાં ૨,૨૦,૦૦૦ લોકોએ સહી કરી છે.
આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામેની વર્લ્ડ કપની સૌથી રોમાંચક મનાતી આ ફાઇનલમાં ૩-૩ની બરાબરી બાદ પેનલ્ટી-શૂટઆઉટમાં ૪-૨થી વિજય મેળવ્યો હતો.
રેફરી ઝીમૉન માર્સિનિયાક
આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ ૨-૨ની બરાબરી બાદ એક્સ્ટ્રા-ટાઇમમાં (૧૦૮મી મિનિટે) જે ગોલ કર્યો એમાં આર્જેન્ટિનાને એ ગોલ આપવા બદલ પોલૅન્ડના રેફરી ઝીમૉન માર્સિનિયાકની ટીકા થઈ છે. ટીકાકારોનું કહેવું છે કે મેસી એ ગોલ કરી રહ્યો હતો ત્યારે બૉલ નેટમાં ગયો એ પહેલાં જ આર્જેન્ટિનાના બે સબસ્ટિટ્યુટ મેદાનમાં દોડી આવ્યા હતા એ જોતાં રેફરીએ એ ગોલ નહોતો આપવો જોઈતો. આ ગોલની વિરુદ્ધમાં અદાલતમાં પિટિશન નોંધાવાઈ છે જેમાં રેફરીની ભૂલને ધ્યાનમાં લેતાં ફાઇનલ ફરી રાખવાની માગણી પણ કરવામાં આવી છે.
નિયમ મુજબ જો કોઈ સબસ્ટિટ્યુટ ગોલ થઈ રહ્યો હોય એ દરમ્યાન મેદાનમાં દોડી આવે તો એ ગોલ નામંજૂર કરાય છે. જોકે ફાઇનલમાં મુખ્ય રેફરી તરીકેની ફરજ બજાવનાર પોલૅન્ડના ઝીમૉને ૧૮ ડિસેમ્બરની ફાઇનલના મુદ્દે પત્રકારોને મુલાકાતમાં ટીકાકારો માટેનો જવાબ આપતી વખતે પોતાના મોબાઇલમાં એક સ્ક્રીનશૉટ બતાવતાં કહ્યું હતું કે ‘એ જ ફાઇનલમાં ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે જ્યારે ત્રણમાંનો એક ગોલ કરી રહ્યો હતો ત્યારે બૉલ નેટમાં ગયો એ પહેલાં ફ્રાન્સના બે કે ત્રણ નહીં, પણ સાત સબસ્ટિટ્યુટ્સ મેદાનમાં દોડી આવ્યા હતા એનું શું? છે કોઈની પાસે આનો જવાબ? ફ્રાન્સનું ફુટબૉલ અસોસિયેશન આના વિશે કંઈ નહીં કહે, ખરુંને?’