આજે પોર્ટુગલનો પાવર ચડિયાતો કે મૉરોક્કોનું મૅજિક?

10 December, 2022 11:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ક્વૉર્ટરમાં ટાઇટલ ફેવરિટ પોર્ટુગલ પાસે રોનાલ્ડો ઉપરાંત રાતોરાત સ્ટાર બની ગયેલો રામોસ છે, તો જાયન્ટ કિલર મૉરોક્કો પાસે ગોલકીપર બોનો અને અશરફ હકીમી છે

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોતાની પહેલી વર્લ્ડ કપ ટ્રોફી દેખાઈ રહી છે કે શું?

ફિફા વર્લ્ડ કપમાં આજે ત્રીજી ક્વૉર્ટર ફાઇનલમાં એવી બે ટીમ વચ્ચે ટક્કર છે જેમાંની એક ટીમ (પોર્ટુગલ) સુપરસ્ટાર ખેલાડીને કારણે જાયન્ટ મનાય છે અને આજની મૅચ તો શું, સેમી ફાઇનલ અને ફાઇનલ જીતવા માટે પણ ફેવરિટ મનાય છે. બીજી બાજુ, એની આજની હરીફ ટીમ (મૉરોક્કો) અગાઉ ખાસ કંઈ પડકારરૂપ નહોતી, પરંતુ આ વખતના વિશ્વકપમાં જાયન્ટ કિલર તરીકે ઓળખાવા લાગી છે. કારણ એ છે કે એ ટીમ વર્લ્ડ નંબર-ટૂ બેલ્જિયમને અને ભૂતપૂર્વ ચૅમ્પિયન સ્પેનને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સ્વિટ્ઝરલૅન્ડ સામેના મુકાબલાની જેમ આજે પણ શરૂઆતથી રમવા મળશે કે નહીં એ તો પછી નક્કી થશે, પરંતુ તેની પોર્ટુગલની ટીમ અન્ય કેટલાક ડેન્જરસ ખેલાડીઓને કારણે આજે જીતવા માટે ફેવરિટ છે. પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલૅન્ડ સામેની ૬-૧ની જીતમાં રોનાલ્ડોને બદલે રમાડવામાં આવેલા નવા ખેલાડી ગૉન્કેલો રામોસનું સૌથી મોટું યોગદાન હતું. ૨૧ વર્ષના રામોસે ઉપરાઉપરી ત્રણ ગોલ કર્યા હતા. રોનાલ્ડોની ગેરહાજરીમાં કૅપ્ટન્સીની જવાબદારી સંભાળનાર ખુદ પેપેએ એક ગોલ કર્યો હતો, જ્યારે બીજો એક-એક ગોલ ગેરિરો અને રાફેલ લિઆઓએ કરીને સનસનાટી મચાવી હતી.

એક અહેવાલ મુજબ પોર્ટુગલના કડક સ્વભાવના કોચ ફર્નાન્ડો સૅન્ટોસ કદાચ આજે પણ રોનાલ્ડોને સ્ટાર્ટિંગ લાઇન-અપમાં નહીં રાખે અને જરૂર લાગશે ત્યારે મૅચ દરમ્યાનના કોઈ એક તબક્કે તેને સબસ્ટિટ્યુટ તરીકે મોકલશે.

પોર્ટુગલ અને મૉરોક્કો, બન્ને ટીમ પોતપોતાના ગ્રુપમાં ટૉપ પર રહીને નૉકઆઉટમાં પહોંચી હતી.

રૉમેઇન સેઇસના સુકાનમાં આજે રમનારી મૉરોક્કોની ટીમ ‘ઍટલસ લાયન્સ’ તરીકે જાણીતી છે. આ ટીમ ૩૬ વર્ષ પહેલાંની મૅચના પરિણામને ધ્યાનમાં રાખીને રમવાનું નહીં ચૂકે. ૧૯૮૬માં આફ્રિકન દેશ મૉરોક્કોએ પોર્ટુગલને વિશ્વકપમાં ૩-૧થી હરાવ્યું હતું. ગોલકીપર યાસિન બોનો આજે પોર્ટુગલની બાજી બગાડી શકે છે. અશરફ હકીમી તેમ જ નૌસેઇર મઝરૌની અને અશરફ દારી સહિત ઘણા પડકારરૂપ પ્લેયરો પણ આ યુરોપિયન દેશને સેમી ફાઇનલમાં જતા રોકી શકે એમ છે.

2
બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી માત્ર આટલી મૅચ રમાઈ છે અને બન્નેએ એક-એક વિજય મેળવ્યો છે. ૧૯૮૬માં મૉરોક્કો ૩-૧થી અને ૨૦૧૮માં પોર્ટુગલ ૧-૦થી જીત્યું હતું.

કોણ કેવી રીતે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું?

પોર્ટુગલ
ઘાના સામે ૩-૨થી જીત
ઉરુગ્વે સામે ૨-૦થી જીત
સાઉથ કોરિયા સામે ૧-૨થી હાર
સ્વિટ્ઝરલૅન્ડ સામે ૬-૧થી જીત

મૉરોક્કો
ક્રોએશિયા સામે ૦-૦થી ડ્રૉ
બેલ્જિયમ સામે ૨-૦થી જીત
કૅનેડા સામે ૨-૧થી જીત
સ્પેન સામે પેનલ્ટીમાં ૩-૦થી જીત

sports sports news world cup fifa world cup football portugal morocco