10 December, 2022 11:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી કેન (ડાબે) અને ફ્રાન્સનો સુપરસ્ટાર ખેલાડી ઍમ્બપ્પે
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ અને ટાઇટલ જીતવા માટે ફેવરિટ ગણાતી ટીમોમાં સામેલ ઇંગ્લૅન્ડ વચ્ચે આજે કતારના ફિફા વર્લ્ડ કપમાં જે ક્વૉર્ટર ફાઇનલનો મુકાબલો છે એમાં ભારે રસાકસી જોવા મળશે એની ગૅરન્ટી છે. બન્ને દેશ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ત્રણ-ત્રણ વાર બૉલને ગોલપોસ્ટમાં પધરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી છે. એ જોતાં બન્ને હરીફો આજે પણ એકમેકને મોટા માર્જિનથી હરાવવા કોઈ કસર બાકી નહીં રાખે.
ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ બન્ને દેશ ગ્રુપ-સ્ટેજમાં પોતપોતાના ગ્રુપમાં ટૉપ પર રહીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હતી અને એમાં મોટા માર્જિનથી જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. પ્રી-ક્વૉર્ટરમાં ફ્રાન્સે રૉબર્ટ લેવાન્ડૉવ્સ્કીની પોલૅન્ડની ટીમને ૩-૧થી હરાવી હતી, જ્યારે હૅરી કેનના સુકાનમાં બ્રિટિશ ટીમે આફ્રિકાની સેનેગલની ટીમને ૩-૦થી પરાજિત કરીને સ્પર્ધાની બહાર કરી દીધી હતી.
ઇંગ્લૅન્ડની ટીમ ‘થ્રી લાયન્સ’ તરીકે અને ફ્રાન્સની ટીમ ‘લેસ બ્લુઝ’ તરીકે ફેમસ છે. આજે જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પોર્ટુગલ અથવા મૉરોક્કો સામે રમશે.
31
બન્ને દેશ વચ્ચે ૧૯૨૩થી અત્યાર સુધી કુલ આટલી મૅચ રમાઈ છે, જેમાંથી ૧૭ ઇંગ્લૅન્ડ અને ૯ ફ્રાન્સ જીત્યું છે. પાંચ મુકાબલા ડ્રૉ રહ્યા છે.
કોણ કેવી રીતે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યું?
ફ્રાન્સ
ઑસ્ટ્રેલિયા સામે ૪-૧થી જીત
ડેન્માર્ક સામે ૨-૧થી જીત
ટ્યુનિશિયા સામે ૦-૧થી હાર
ઇંગ્લૅન્ડ
ઈરાન સામે ૬-૨થી જીત
અમેરિકા સામે ૦-૦થી ડ્રૉ
વેલ્સ સામે ૩-૦થી જીત