19 December, 2022 08:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી
આર્જેન્ટિના વતી ગ્રુપ સ્ટેજથી લઈને પ્રી-ક્વૉર્ટર, ક્વૉર્ટર, સેમી અને ફાઇનલ સહિતની તમામ મૅચોમાં ગોલ કરનાર ફુટબૉલ લેજન્ડ બન્યો પ્રથમ પ્લેયર. એક સમયે એકતરફી આર્જેન્ટિનાની ફેવરમાં જઈ રહેલી મૅચમાં છેલ્લી ૧૦ મિનિટ બાકી હતી ત્યારે ફ્રાન્સે પહેલો ગોલ કર્યા બાદ બીજી જ મિનિટે એમ્બપ્પેએ અફલાતૂન બીજો ગોલ પણ મારીને કરી દીધી બરોબરી. જોકે સેકન્ડ એક્સ્ટ્રા ટાઇમમાં પહેલાં મેસીએ અને ત્યાર બાદ એમ્બપ્પેએ ગોલ કરીને અત્યંત રસાકસીભરી મૅચમાં સ્કોર લેવલ કરતાં મૅચ ગઈ પેનલ્ટી શૂટઆઉટમાં. છેવટે મેસીની આર્જેન્ટિનાએ મારી દીધી બાજી.
લિયોનેલ મેસીની કૅપ્ટન્સીમાં આર્જેન્ટિનાએ ગઈ કાલે કતારના ફિફા વર્લ્ડ કપમાં બન્ને ટીમ મુખ્ય મૅચ બાદ એક્સ્ટ્રા ટાઇમને અંતે ૩-૩ની બરાબરીમાં રહ્યા બાદ ફ્રાન્સને પેનલ્ટીમાં ૪-૨થી હરાવ્યું હતું અને ત્રીજી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું હતું. અંદાજે ૩૪૫ કરોડ રૂપિયાના પ્રથમ ઇનામના હકદાર આર્જેન્ટિનાની ટીમે ફાઇનલમાં આરંભથી જ જબરદસ્ત આક્રમક અપ્રોચ સાથે રમવાનું શરૂ કર્યું હતું અને ડિફેન્સ પણ સ્ટ્રૉન્ગ રાખ્યું હતું એનો ફ્રાન્સની ટીમ પાસે પહેલા હાફમાં કોઈ જવાબ નહોતો. જોકે સેકન્ડ-હાફમાં ફ્રાન્સે કીલિયાન ઍમ્બપ્પેની આગેવાનીમાં જોરદાર કમબૅક કર્યું હતું. જોકે મેસીએ ૧૦૮મી મિનિટની રોમાંચક ક્ષણોમાં ગોલકીપરની નજીકથી પોતાની ટીમ વતી થયેલા બીજા પ્રયાસમાં અદ્ભુત ગોલ કરીને આર્જેન્ટિનાને યાદગાર લીડ અપાવી હતી. ફ્રાન્સના ખેલાડીએ ગોલપોસ્ટની અંદરથી બૉલને બહાર ધકેલ્યો હતો, પણ ટેક્નિકલી એ ગોલ આર્જેન્ટિનાને મળ્યો હતો. જોકે ઍમ્બપ્પેએ ત્રીજો ગોલ કરીને આ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૮ ગોલનો રેકૉર્ડ કર્યો હતો.
છેલ્લી મૅચમાં મેસીનો વિશ્વવિક્રમ
લિયોનેલ મેસી વિશ્વનો પહેલો ફુટબોલર છે જેણે એક જ વર્લ્ડ કપના ગ્રુપ-સ્ટેજમાં, પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં, ક્વૉર્ટર ફાઇનલમાં, સેમી ફાઇનલમાં અને ફાઇનલમાં ગોલ કર્યા છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં આ વર્લ્ડ રેકૉર્ડ છે. મેસીએ ચાર દિવસ પહેલાં જ જાહેર કરી દીધું હતું કે રવિવારની ફાઇનલ તેની છેલ્લી વર્લ્ડ કપ મૅચ બની રહેશે. તેણે એ વર્લ્ડ કપને પોતાના વિશ્વવિક્રમ સાથે યાદગાર બનાવી દીધો છે.
૨૦૦૬માં ઝિનેદીન ઝિદાનના નેતૃત્વમાં અને ૨૦૧૮માં હ્યુગો લૉરિસના નેતૃત્વમાં ફ્રાન્સની ટીમમાં જે આક્રમકતા અને ચપળતા હતી એ ગઈ કાલે ફર્સ્ટ-હાફમાં નહોતી જોવા મળી. ફ્રાન્સના ખેલાડીઓ મોટા ભાગે આર્જેન્ટિનાના આક્રમણને ખાળવામાં જ વ્યસ્ત રહ્યા હતા. પહેલી બાવીસ મિનિટમાં ફ્રાન્સનો ટાર્ગેટ શૉટ માંડ એક હતો, પરંતુ એણે બે પ્લેયરને પાછા મોકલીને સબસ્ટિટ્યુટને બોલાવ્યા હતા. જોકે સેકન્ડ-હાફમાં ફ્રાન્સે જબરદસ્ત ફાઇટબૅક સાથે મેસીના આર્જેન્ટિનાને વળતો જવાબ આપ્યો હતો. કીલિયાન ઍમ્બપ્પેએ ૮૦મી મિનિટમાં પેનલ્ટી કિકથી પહેલો ગોલ અને ૮૧મી મિનિટમાં બીજો ગોલ કરીને ફ્રાન્સને આર્જેન્ટિનાની ૨-૨થી બરાબરીમાં લાવી દીધું હતું. ઍમ્બપ્પેએ ૧૧૮મી મિનિટમાં ફ્રાન્સ વતી ત્રીજા ગોલની હૅટ-ટ્રિક કરી હતી.
ફર્સ્ટ-હાફ પૂરેપૂરો આર્જેન્ટિનાનો
ફર્સ્ટ-હાફમાં મેસીના નેતૃત્વમાં આર્જેન્ટિનાની ટીમ ફ્રાન્સની સરખામણીમાં વધુ આક્રમક હતી અને બૉલ-પઝેશન આર્જેન્ટિનાનાં વધુ હતાં. સાઉથ અમેરિકાની આ ટીમ સતત અટૅકમાં હતી અને એણે વારંવાર ફ્રાન્સનું ડિફેન્સ તોડ્યું હતું. બન્ને ટીમના પ્લેયર્સ વચ્ચેની શારીરિક ટક્કરમાં આર્જેન્ટિનાના પ્લેયર્સને વધુ ઈજા પહોંચી હોવા છતાં તેમણે લડત ચાલુ રાખી હતી અને પહેલા હાફમાં જ ઉપરાઉપરી બે ગોલ કરી દીધા હતા, જેને પરિણામે ફ્રાન્સની ટીમ ૪૫ મિનિટના ફર્સ્ટ-હાફના અંતે નર્વસ હતી.
લકી લિયોનેલ મેસી
મેસીએ ફર્સ્ટ-હાફની ૨૩મી મિનિટે પેનલ્ટી કિકમાં ગોલ કરીને આર્જેન્ટિનાને ૧-૦થી સરસાઈ અપાવી હતી. જોકે સેમી ફાઇનલમાં જેમ ક્રોએશિયાના ખેલાડીનું ફાઉલ ગંભીર ન હોવા છતાં રેફરીએ આર્જેન્ટિનાને પેનલ્ટી કિકની બક્ષિસ આપી હતી અને મેસીએ એમાં ગોલ કર્યો હતો એમ ગઈ કાલે બૉક્સમાં ફ્રાન્સના ડેમ્બેલના ધક્કાથી આર્જેન્ટિનાના એન્જેલ ડી મારિયા પડી જતાં રેફરીએ પેનલ્ટી કિક આપી હતી અને મેસીએ એ કિકમાં આ વર્લ્ડ કપમાં પોતાનો છઠ્ઠો ગોલ નોંધાવ્યો હતો તેમ જ આર્જેન્ટિનાને ૧-૦થી લીડ અપાવી હતી. મેસીની ટીમને ફાઉલ ગંભીર ન હોવા છતાં કિક આપવા બદલ રેફરીની સોશ્યલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી.