05 December, 2022 11:12 AM IST | Doha | Gujarati Mid-day Correspondent
લિયોનેલ મેસી
પાંચમો અને શક્યતઃ છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસીએ શનિવારે કરીઅરની ૧૦૦૦મી મૅચમાં એક ગોલ કરીને તેમ જ લાજવાબ કૅપ્ટન્સીથી આર્જેન્ટિનાને ઑસ્ટ્રેલિયા સામે જિતાડીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. લગભગ બે દાયકાની કારકિર્દીમાં મેસીએ શનિવારે ૭૮૯મો ગોલ કર્યો હતો તેમ જ વર્લ્ડ કપમાં ૯મો ગોલ કરીને પોતાના દેશના લેજન્ડરી ફુટબોલર ડિએગો મૅરડોના અને ગિલેર્મો સ્ટેબાઇલના અત્યાર સુધીના ૮-૮ ગોલના વિક્રમને ઝાંખો પાડી દીધો હતો.
વિશ્વકપના નૉકઆઉટ રાઉન્ડમાં ૩૫ વર્ષના મેસીનો આ પહેલો જ ગોલ હતો. ઑસ્ટ્રેલિયા સુંદર પર્ફોર્મન્સ બાદ આ પરાજય સાથે સ્પર્ધાની બહાર થઈ ગયું છે. ૩૫મી મિનિટમાં મેસીએ ગોલ કરીને આર્જેન્ટિનાને ૧-૦થી સરસાઈ અપાવી હતી અને ૫૭મી મિનિટમાં જુલિયન અલ્વારેઝે પણ ગોલ કરીને સરસાઈ ૨-૦ની કરી હતી. આર્જેન્ટિનાએ આખી મૅચમાં મોટા ભાગે વર્ચસ જમાવ્યું હતું, પરંતુ સેકન્ડ-હાફમાં અને ખાસ કરીને મૅચની છેલ્લી પળોમાં ઑસ્ટ્રેલિયનો વધુ ખતરો બની ગયા હતા. ૭૭મી મિનિટમાં ગોલ-બૉક્સની બહારથી આર્જેન્ટિનાના ક્રેગ ગુડવિને મોકલેલા બૉલને ભૂલથી આર્જેન્ટિનાના જ એન્ઝો ફર્નાન્ડેઝે ગોલપોસ્ટની અંદર મોકલી દીધો હતો જેને કારણે આર્જેન્ટિનાની જીતની સરસાઈ છેલ્લે ૨-૧ની રહી હતી.
ફૅમિલી ખુશખુશાલ
શનિવારે કતારના વીઆઇપી સ્ટૅન્ડમાંથી પતિ લિયોનેલ મેસીની ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ જીતી ગઈ ત્યાર બાદ ખુશખુશાલ તેની પત્ની ઍન્ટોનેલા, તેમનો એક પુત્ર તેમ જ મેસીનાં મમ્મી સેલિયા. મેસી અને ઍન્ટોનેલાને કુલ ત્રણ પુત્રો છે. તસવીર એ.એફ.પી.
મેસીનું એક જ લક્ષ્ય... વર્લ્ડ કપની ટ્રોફી
૩૫ વર્ષનો લિયોનેલ મેસી આ પહેલાં ચાર ફિફા વર્લ્ડ કપ રમી ચૂક્યો છે, પણ ક્યારેય આર્જેન્ટિનાને ટ્રોફી નથી અપાવી શક્યો. આ વખતે તે કદાચ આખરી વાર વર્લ્ડ કપમાં રમી રહ્યો છે અને એમાં ચૅમ્પિયનપદ અપાવવાની તેને સારી તક છે. તસવીર એ.એફ.પી.
શુક્રવારે આર્જેન્ટિના ક્વૉર્ટરમાં નેધરલૅન્ડ્સ સાથે ટકરાશે
નેધરલૅન્ડ્સે શનિવારે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાને ૩-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, જેમાં એનો મુકાબલો આર્જેન્ટિના સાથે થશે. ત્રણ વખત (૧૦૭૪, ૧૯૭૮, ૨૦૧૦) રનર-અપ રહી ચૂકેલો નેધરલૅન્ડ્સ એવો દેશ છે જે ક્યારેય વિશ્વકપની ટ્રોફી નથી જીતી શકી.
શનિવારની પ્રી-ક્વૉર્ટરમાં ડેન્ઝેલ ડમફ્રાઇઝે એક ગોલ કર્યો હતો અને બે સાથીઓને ગોલ કરવામાં મદદ કરી હતી.
અમે ટ્રોફીની વધુ નજીક પહોંચી ગયા છીએ. આ એવો અવસર છે કે જેને જોવા અહીં કતારમાં આખા આર્જેન્ટિનાને ઊમટી પડવાનું મન થતું હશે, પણ એ સંભવ નથી. હા, ફિફા વર્લ્ડ કપ સાથે અમારા દેશનો જે નાતો રહ્યો છે એ અપ્રતિમ છે. : લિયોનેલ મેસી