ધાકડ ગર્લ

11 August, 2024 12:50 PM IST  |  Mumbai | Rashmin Shah

વિનેશના જીવનની વાત જાણ્યા પછી એ જ ઇમોશનમાં હજી વધારો થાય એની ગૅરન્ટી ૧૦૦ ટકા છે

વિનેશ ફોગાટ

વર્ષ ૨૦૨૩.

દિલ્હીનું જંતરમંતર અને ત્યાં ચાલતું મહિલા પહેલવાનોનું આંદોલન દેશભરમાં પ્રસરી ગયું હતું અને એવામાં એક ફોટોગ્રાફ ફ્લૅશ થયો. એ ફોટોગ્રાફ ન્યુઝચૅનલોની પણ હેડલાઇન બન્યો તો ન્યુઝપેપરોના પહેલા પાના પર પણ સ્થાન મેળવી ગયો અને સોશ્યલ મીડિયા પર તો એણે રીતસર દેકારો મચાવી દીધો. ફોટોગ્રાફ રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ કેન્દ્ર સરકાર સફાળી જાગી ગઈ. દેશની મહિલા પહેલવાનોના કહેવાતા જાતીય શોષણના વિરોધ દરમ્યાન લેવામાં આવેલી એ તસવીરમાં એક મહિલા રેસલર હાથમાં દેશનો તિરંગો લઈને પોક મૂકીને રડતી હતી અને પોલીસના અધિકારીઓ તેને જમીન પર ઢસડતા લઈ જતા હતા. મહિલા રેસલરની આંખોમાં રહેલાં એ આંસુએ ત્યાર પછી દિલ્હી પોલીસનાં પાટલૂન ભીનાં કરી નાખ્યાં. અનેક અધિકારીઓનાં કપડાં પરથી બેજ ઊતરી ગયા તો અનેક અધિકારીઓ સસ્પેન્ડ થયા. તે મહિલા રેસલર બીજું કોઈ નહીં પણ પૅરિસ ઑલિમ્પિક્સમાં ફાઇનલ સુધી પહોંચીને માત્ર ૧૦૦ ગ્રામ વજનને કારણે ચંદ્રકથી દૂર રહેનારી વિનેશ ફોગાટ હતી.

વિનેશ તેની મમ્મી સાથે

વિનેશને અને સંઘર્ષને જાણે કે છઠ્ઠીથી જ સંબંધ હોય એવું રહ્યું છે. જરા વિચાર કરો કે બાર મહિના પહેલાં જે રેસલર દેશની મહિલા પહેલવાનો માટે જંતરમંતર પર ઢસડાતી હતી એ જ રેસલર માટે આજે દેશ આખો આંસુ સારે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને કહેવું પડ્યું કે ‘તમે જ દેશનું ગોલ્ડ છો’ તો દુનિયાભરના ઍથ્લીટ્સ પણ આવી જ પ્રતિક્રિયા આપતાં કહે છે કે અમે સાથે હતા અને કાયમ તમારી સાથે રહીશું.

કહ્યું એમ વિનેશ ફોગાટને સંઘર્ષ સાથે સીધું જોડાણ છે અને એટલે જ પડ્યા-આખડ્યા પછી પણ તે અડીખમ ઊભી રહે છે. વિનેશનો સંઘર્ષ કોઈ હિન્દી ફિલ્મથી સહેજ પણ ઊતરતો નથી. આ જ કારણ હશે કે હવે સોશ્યલ મીડિયા પર વિનેશના ફૅન્સ ડિમાન્ડ કરવા માંડ્યા છે કે વિનેશની લાઇફ પરથી ડિરેક્ટર નીતેશ તિવારી ફિલ્મ ‘દંગલ’ની સીક્વલ બનાવે. તમારી જાણ ખાતર, ફિલ્મ ‘દંગલ’ જેની લાઇફ પર આધારિત હતી એ ગીતા અને બબીતા ફોગાટ બીજું કોઈ નહીં પણ આજની આ સુપરસ્ટાર વિનેશ ફોગાટની કઝિન છે. ગીતા-બબીતાના પપ્પા મહાવીર ફોગાટ વિનેશના તાઉ એટલે કે તેના પપ્પાના સગા મોટા ભાઈ છે. મહાવીર ફોગાટ જ વિનેશ ફોગાટના પહેલા ગુરુ હતા જેમની પાસેથી વિનેશ પહેલવાનીની પ્રારંભિક ધોબીપછાડ શીખી.

વાત પ્રારંભનાં વર્ષોની

તકલીફ વિનાનો દિવસ અને મુશ્કેલી વિનાની રાત વિનેશે જોઈ નથી એવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. હરિયાણાના ભિવાની જિલ્લાના બલાલી ગામમાં જન્મેલી વિનેશ પરિવારનું ત્રીજું બાળક. પપ્પા રાજપાલ રોડવેઝમાં ડ્રાઇવર અને મમ્મી પ્રેમલતા ગૃહિણી. ફૅમિલીમાં તાઉ એટલે કે મહાવીર ફોગાટનું ભારોભાર ઊપજે તો નાનો ભાઈ રાજપાલ પણ મહાવીરથી ભારોભાર પ્રભાવિત. વિનેશ છ વર્ષની હતી ત્યારે જ તેણે જોયું કે મોટી બહેન ગીતા અને બબીતાને લઈને તાઉ રોજ ખેતરમાં પહેલવાનીની પ્રૅક્ટિસ કરાવવા જાય છે. કુટુંબ જ નહીં, આખો સમાજ એ વાતનો વિરોધ કરતો; પણ એમાં એક નવો વિરોધ ઉમેરવાનું કામ વિનેશે કર્યું. તેણે જીદ પકડી કે તે પણ તાઉ સાથે પહેલવાની શીખવા જશે. પ્રેમલતા તો ના પાડતી રહી. આંસુ પાડતી માને ક્યાં ખબર હતી કે એક દિવસ આ જ દીકરી એવા સ્ટેજે પહોંચશે જ્યાં તેના માટે દેશ આખો આંસુ સારશે.

રાજપાલે જ પત્નીને સમજાવી-પટાવીને દીકરીને તાઉ સાથે કુસ્તી શીખવા માટે મોકલવાનું શરૂ કર્યું એ સમયે વિનેશની ઉંમર ફક્ત છ વર્ષ. રાજી થઈને રોજ વિનેશ મહાવીર ફોગાટ સાથે જવા માંડી. એક દિવસ મહાવીર ફોગાટે ત્રણેય દીકરીઓ સામે શરત મૂકી કે આવતા એક વીકમાં જે વધુ વખત સૌથી પહેલાં અખાડામાં પહોંચશે તેને તે પહેલવાનીનાં કૉસ્ચ્યુમ્સ લઈ દેશે. બસ, પત્યું. સાતેસાત દિવસ વિનેશ સૌથી પહેલાં અખાડામાં પહોંચી અને તે તાઉ પાસેથી પહેલવાનીનો ચડ્ડો સૌથી પહેલાં ગિફ્ટ મેળવી ગઈ. કારણ તો ત્યાર પછી ખબર પડ્યું કે સવારે પાંચ વાગ્યે પહોંચવા માટે વિનેશ રોજ રાતે એક વાગ્યે જ ઘરેથી આવીને અખાડામાં સૂઈ જતી હતી!

બચા લો અપની બેટી કો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સમયે વિનેશ અને તેનો પરિવાર

અંકલ મહાવીર ફોગાટ સાથે વિનેશ 

રાજપાલ અને પ્રેમલતાએ જ્યારે વિનેશને મહાવીર ફોગાટ સાથે કુસ્તીમાં મોકલવાનું શરૂ કર્યું ત્યારે બલાલીના વડીલો એકઠા થયા હતા અને તેમણે રાજપાલને સમજાવવાની કોશિશ કરી હતી કે મહાવીરની તો ડાગળી ચસકી ગઈ છે કે તે પોતાની દીકરીઓને ચડ્ડીઓ પહેરાવીને અખાડામાં ઉતારે છે, પણ તું એ મૂર્ખામી છોડી દે. વિનેશ ફોગાટે થોડા સમય પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના પિતાનો જવાબ યાદ કરતાં કહ્યું હતું કે એ સમયે તેમણે તે વડીલોને કહ્યું હતું કે હું માત્ર દેખાવે ડાહ્યો લાગું છું, બાકી છું તો મારા ભાઈ જેવો જ સનકી એટલે મને કહેવા આવવાની ભૂલ બીજી વાર નહીં કરતા.

વિનેશને ક્યારેય સમજાયું નથી કે પોતાને કુસ્તી માટે મળી હતી એ છૂટ તેના પપ્પાનો મોટા ભાઈ પ્રત્યેનો પ્રેમ હતો કે પોતાના માટેનું માન. વિનેશે કહ્યું હતું કે કારણ જે હોય એ, પણ સૌથી સારી વાત એ હતી કે તેમને વિશ્વાસ હતો કે અમે તેમનું અને અમારી ફૅમિલીનું નામ રોશન કરીશું. અબલત્ત, અફસોસની વાત એ હતી કે રાજપાલ ફોગાટ એ જોવા માટે હયાત ન રહ્યા અને બહુ નાની ઉંમરે તેમનું કમોત થયું.

કૅન્સર અને લાઇફ કૅન્સલ

અત્યારે વિનેશની ઉંમર ૨૯ વર્ષ છે અને જે સમયે તેણે પિતાની છત્રછાયા ગુમાવી એ સમયે તેની ઉંમર ફક્ત નવ વર્ષની હતી. માત્ર ૭૨ કલાકમાં વિનેશના જીવનમાં બે ઘટના એવી ઘટી જેણે વિનેશને હચમચાવી નાખી હતી. પેટમાં એકધારું દુખવાની ફરિયાદ વચ્ચે વિનેશનાં મમ્મીના જિલ્લાની સરકારી હૉસ્પિટલમાં અલગ-અલગ રિપોર્ટ કરાવવામાં આવ્યા અને એ રિપોર્ટમાં આવ્યું કે મા પ્રેમલતાને કૅન્સર છે. ઘરના સૌ હજી તો આ સમાચારને પચાવવાની ક્ષમતા કેળવતાં સમય પસાર કરતા હતા ત્યાં ત્રીજા દિવસે સમાચાર આવ્યા કે રાજપાલ ફોગાટનું મર્ડર થયું!

મહાવીર ફોગાટે તો પોતાના જીવનનું લક્ષ જ કુસ્તી અને દીકરી કરી નાખ્યું હતું એવા સમયે રાજપાલ ફોગાટે બાપદાદાના સમયની જમીનનો જે વિવાદ ચાલતો હતો એમાં રસ લેવો પડતો હતો. જમીનના આ જ વિવાદને પૂરો કરવાના નામે રાજપાલ ફોગાટને બલાલી હાઇવે પર બોલાવવામાં આવ્યા અને ત્યાં દૂરના પિતરાઈઓએ તેમની હત્યા કરી નાખી. ત્રણ જ દિવસમાં વિનેશના જીવનમાં એવા તે મોટા વજ્રાઘાત થયા જે તે ક્યારેય ભૂલી શકી નહીં. એક ઇન્ટરવ્યુમાં વિનેશ કહે છે, ‘સાચું કહું તો એ કપરા દિવસોએ જ મારા માટે પેટ્રોલનું કામ કર્યું ને મને ભગાડવામાં હેલ્પ કરી. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મને લાગે છે કે એ બે ઘટના ન ઘટી હોત તો કદાચ મારામાં આજે છે એટલી ફાયર ન હોત અને
ગીતા-બબીતાની સક્સેસ પછી કદાચ મારી રેસલિંગના ફીલ્ડમાં બ્રેક પણ લાગી ગઈ હોત; પણ ના, એવું નથી થયું કારણ કે મને આજે પણ થાય છે કે હું એ લોકોને સતત અફસોસ આપતી રહું જે અમારાથી સતત જલતા હતા.’

દુઃખ પછીના જીવનની વાત

રાજપાલ ફોગાટના મોત પછી કૅન્સરગ્રસ્ત માએ વિનેશ સહિત ત્રણ સંતાનોને મોટાં કર્યાં. એક્ઝૅક્ટ ૧૪ દિવસ પછી એટલે કે ૨પ ઑગસ્ટે પોતાનો ત્રીસમો જન્મદિવસ ઉજવનારી વિનેશ ફોગાટે ત્યાર પછી પોતાની કુસ્તીની પ્રૅક્ટિસમાં લગીરે આળસ નથી કરી. સવારે સાડાત્રણ વાગ્યે શરૂ થતી પ્રૅક્ટિસ સવારના સાત વાગ્યા સુધી ચાલતી. ત્યાર પછી ખેતરમાં તૈયાર કરવામાં આવેલા એ જ અખાડાની પાછળના ભાગમાં આવેલા ઊભા મોલની પાછળ જઈને કપડાં બદલીને
સ્કૂલ-ડ્રેસમાં આવી જવાનું અને અખાડાથી સીધું સ્કૂલમાં જવાનું. સાડાબાર વાગ્યે સ્કૂલમાંથી વિનેશ છૂટે અને ઘરે આવે. ફરીથી પાંચ વાગ્યે અખાડામાં પહોંચે. સાંજના આ સમયે મહાવીર ફોગાટ કે બીજું કોઈ હાજર ન હોય એટલે તે પોતે એકલી પ્રૅક્ટિસ કરે.

વિનેશે આવાં એકધારાં પાંચથી છ વર્ષ પસાર કર્યાં અને એ પછી તે આગળની પ્રૅક્ટિસ માટે દિલ્હી ગઈ. વિનેશ જીવનમાં ક્યારેય તૂટી નથી, હારી નથી. ઑલિમ્પિક્સના રિઝલ્ટ પછી જ્યારે તેણે પોતાનું રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે પણ તે હારી નથી, પણ હકીકતમાં તેણે નવા પ્લેયર માટે જગ્યા ખાલી કરી છે. ૩૦ વર્ષને આંબવાની તૈયારી કરી ચૂકેલી વિનેશને ખબર છે કે હવે તેની કરીઅરનો અંતિમ પડાવ આવશે. એ પડાવમાં વધુ એક વખત જંગમાં ઊતરવાને બદલે જો પોતે નવા પ્લેયરને તૈયાર કરવાની દિશામાં કામ કરે તો એ દેશ માટે લાભદાયી રહેશે એવા ભાવ સાથે જ તેણે પોતાની નિવૃત્તિ જાહેર કરી છે.

લડત તો લોહીમાં છે

૨૦૧૬ની રિયો ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટને ઘૂંટણની ગંભીર ઈજા થઈ. એ સમયે દેશભરના એક્સપર્ટ‍્સે માની લીધું હતું કે હવે વિનેશ ક્યારેય ઊભી નહીં થાય અને તે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી દેશે. ફોગાટ ફૅમિલીથી પેટબળતરા કરનારાઓએ તો છાના ખૂણે એકબીજાને જલેબી પણ ખવડાવી દીધી હતી, પણ એવું બન્યું નહીં અને સર્જરીના છઠ્ઠા કલાકે વિનેશે સત્તાવાર રીતે જાહેરાત કરી કે તે રેસલર તરીકે કમબૅક કરશે અને તેણે માત્ર પાંચ જ મહિનામાં કમબૅક પણ કર્યું એટલું જ નહીં, કૉમનવેલ્થ સહિત અનેક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ જીત્યા. કમબૅક કરવાના પોતાના આ સ્વભાવને લીધે જ રેસલર્સ વિનેશને ‘ક્વીન બી’ના હુલામણા નામે ઓળખે છે.

આ ‘ક્વીન બી’ ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે મર્યા પછી પણ ઊભા થવાની તાકાત ધરાવતી સુંદરી. વિનેશ સાથે એ અક્ષરશ: લાગુ પડે છે.

નામ કમાના પહલા શૌક હૈ...

૨૦૧૩માં દિલ્હીમાં યોજાયેલી એશિયન કુસ્તી ચૅમ્પિયનશિપથી રેસલિંગ વર્લ્ડમાં પગ મૂકનારી વિનેશ કૉમનવેલ્થ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એશિયન ગેમ્સ અને એશિયન ચૅમ્પિયનશિપમાં પંદર મેડલ જીતી છે, જેમાં છ ગોલ્ડ મેડલ છે. પ૩ કિલોગ્રામ વજનમાં વિનેશ દુનિયાની નંબર વન ખેલાડી રહી ચૂકી છે તો ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા તેને અર્જુન અવૉર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૨૨ માટે બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યર તરીકે પણ તેને ખ્યાતિ મળી હતી. વિનેશે અત્યાર સુધીમાં ત્રણ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો છે. ૨૦૧૬માં વિનેશે ૪૮ કિલોગ્રામ કૅટેગરીમાં તો ૨૦૨૦માં પ૩ કિલોગ્રામ અને આ વર્ષે એટલે કે ૨૦૨૪માં પ૦ કિલોગ્રામ કૅટેગરીમાં વિનેશ પાર્ટિસિપેટ કર્યું હતું. વિનેશ કોઈના બાપુજીથી નથી ડરતી એ જેમ ગયા વર્ષે દિલ્હીમાં પુરવાર થયું હતું એવી જ રીતે ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ પુરવાર થયું હતું. ટોક્યોમાં વિનેશ પર ઑફિશ્યલ કિટ ન પહેરવાના અને ગેરશિસ્તના આરોપ લાગ્યા હતા, જેને લીધે ભારતીય કુસ્તી સંઘે તેને સસ્પેન્ડ પણ કરી હતી.

હમારી છોરી છોરોં સે કમ હૈ કા!

જો તમે એવું માનતા હો કે ગીતા અને બબીતા પછી વિનેશ ફોગાટ સાથે મહાવીર ફોગાટની શિષ્યા અને ફોગાટ સિસ્ટર્સની હિસ્ટરી પૂરી થાય છે તો તમે ખાંડ ખાઓ છો. ગીતા, બબીતા અને વિનેશ જ નહીં; ફોગાટ પરિવારની પ્રિયંકા, રિતુ અને સંગીતા પણ રેસલર છે. આ છ ફોગાટ સિસ્ટર્સમાં પ્રિયંકા અને વિનેશ સગી બહેનો છે; જ્યારે ગીતા, બબીતા, રિતુ અને સંગીતા મહાવીર ફોગાટની દીકરીઓ છે.  આ છએ છ બહેનો રેસલર તરીકે દેશભરમાં નામના કમાઈ ચૂકી છે. ગીતા, બબીતા અને વિનેશની તો હિસ્ટરી આખી દુનિયા જાણે છે તો પ્રિયંકા ઑલરેડી એશિયન ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતી ચૂકી છે અને રિતુ પણ નૅશનલ ચૅમ્પિયનશિપ જીતીને સિલ્વર મેડલ મેળવી ચૂકી છે. ૨૬ વર્ષની સંગીતા ફોગાટ પણ ઇન્ટરનૅશનલ રેસલિંગમાં સિલ્વર મેડલ મેળવી ચૂકી છે.

સપ્તપદીમાં આઠમો ફેરો

થોડું સાહિત્યિક લાગી શકે, પણ રોહતકની મહર્ષિ દયાનંદ સરસ્વતી યુનિવર્સિટીમાં ભણેલી વિનેશ ફોગાટના જીવનની આ સત્ય ઘટના છે. રેસલર સોમવીર રાઠી સાથે ૨૦૧૮માં મૅરેજ કરનારી વિનેશે મૅરેજ દરમ્યાન સાત નહીં પણ આઠ ફેરા ફર્યા હતા, જે પૈકીનો આઠમો ફેરો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ, બેટી ખિલાઓ’ના સંકલ્પ સાથેનો હતો. આઠ ફેરાની વાતે પણ વિનેશની બહુ ટીકા થઈ હતી. ટિપિકલ શાસ્ત્રોક્ત વિધિમાં માનતા અનેક લોકોએ વિનેશના આ પગલાને સ્ટન્ટ ગણાવીને આઠમા ફેરાને વૈદિક પરંપરાનું અપમાન ગણાવ્યો હતો અને આ મૅરેજ લાઇફ નહીં ટકે એવી ભવિષ્યવાણી પણ કરી હતી. હજી તો એવું કશું બન્યું નથી અને સોમવીર રાઠી સાથે વિનેશનું લગ્નજીવન સુખરૂપ પસાર થાય છે.

sports news sports vinesh phogat paris olympics 2024 paris Olympics wrestling columnists