તમે પિકલબૉલ રમતા હો તો તમારું આયુષ્ય દસેક વર્ષ વધી જાય?

25 September, 2024 12:18 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

કઈ રમત રમવાથી કેટલું આયુષ્ય વધે એની સરપ્રાઇઝિંગ થિયરી રજૂ કરી ઈલૉન મસ્કે

ઈલૉન મસ્ક

ઑટોમોબાઇલ કંપની ટેસ્લા, સ્પેસ કંપની સ્પેસX અને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ Xના માલિક ઈલૉન મસ્કે સ્પોર્ટ‍્સ અને લાંબા આયુષ્ય વિશેની આશ્ચર્યજનક થિયરી શૅર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પિકલબૉલ જેવી રૅકેટ વડે રમાતી રમત આયુષ્ય લંબાવવા માટે શ્રેષ્ઠ છે. આ જે થિયરી છે એમાંના દાવા સાયન્ટિફિક રિસર્ચના આધારે કરવામાં આવ્યા છે એવું મસ્કનું કહેવું છે.

ઈલૉન મસ્કના કહેવા મુજબ વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એ શોધી કાઢ્યું છે કે કઈ રમત તમારા આયુષ્યમાં કેટલો વધારો કરે છે. જો રોગન નામના એક ટોચના પૉડકાસ્ટર અને ઇન્ફ્લુઅન્સર સાથેના ઇન્ટરવ્યુમાં મસ્કે કહ્યું, ‘સ્વિમિંગ તમારી આવરદામાં સાડાત્રણ વર્ષનો, સાઇક્લિંગ ૩.૮ વર્ષનો, સૉકર ૪.૭ વર્ષનો, બૅડ‍્મિન્ટન ૬.૨ વર્ષનો વધારો કરે છે. પહેલા નંબરે, જે રમત તમારું આયુષ્ય સૌથી વધુ લંબાવે છે એ છે પિકલબૉલ. આ રમતથી વ્યક્તિ ૯.૭ વર્ષ વધુ જીવી શકે છે.’

સ્વિમિંગ અને સાઇક્લિંગના હેલ્થ-બેનિફિટ‍્સ તો જાણીતા છે. જોકે મસ્કે રૅકેટથી  રમાતી રમતો પર અને ખાસ તો પિકલબૉલ પર ભાર મૂક્યો છે એટલે ઑલરેડી ખૂબ પૉપ્યુલર થઈ ચૂકેલી આ રમતનો ક્રેઝ હજી વધશે. પિકલબૉલ ટેનિસ અને ટેબલ ટેનિસના મિશ્રણ જેવી ગેમ છે જે કાણાવાળા પ્લાસ્ટિકના બૉલથી રમાય છે. આ રમત ટેનિસની રમત જેવી કોર્ટ પર ટેબલ ટેનિસના રૅકેટ જેવા પૅડલથી રમાય છે. આ રમતમાં જે ચપળતા અને સજગતાની જરૂર પડે છે અને એ રમવાથી શરીરની જે કાર્ડિયોવૅસ્ક્યુલર ઍક્ટિવિટી થાય છે એના શારીરિક અને માનસિક ફાયદા ઘણા છે.

પિકલબૉલની રમત હેલ્થની દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક હોવા છતાં ડૉક્ટરો અને નિષ્ણાતોનું કહેવું છે કે મોટી ઉંમરની, ખાસ કરીને પચાસથી વધુ ઉંમરની વ્યક્તિઓએ આ રમત રમતી વખતે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે એનાથી તેમને મચકોડ કે ફ્રૅક્ચર થઈ શકે છે.

કઈ રમત કેટલું આયુષ્ય વધારે?

સ્વિમિંગ - ૩.૫ વર્ષ
સાઇક્લિંગ - ૩.૮ વર્ષ
સૉકર  - ૪.૭ વર્ષ
બૅડ‍્મિન્ટન - ૬.૨ વર્ષ
પિકલબૉલ - ૯.૭ વર્ષ

 

elon musk sports sports news health tips life masala