નરેન્દ્ર મોદીને ચેસ ઑલિમ્પિયાડના ચૅમ્પિયન્સના ઑટોગ્રાફવાળું ચેસ-બોર્ડ ગિફ્ટમાં મળ્યું

26 September, 2024 08:58 AM IST  |  delhi | Gujarati Mid-day Correspondent

ચેસ ઑલિમ્પિયાડ ચૅમ્પિયન્સ પર ઇતિહાસ રચવા બદલ થઈ ધનવર્ષા, ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશને (AICF) ગઈ કાલે દિલ્હીમાં ૪૫મી ઑલિમ્પિયાડ ગોલ્ડ જીતનાર ભારતીય ટીમ માટે ૩ કરોડ ૨૦ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી.

ભારતીય ચેસ-ખેલાડીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

હંગેરીના બુડાપેસ્ટમાં ૪૫મા ચેસ ઑલિમ્પિયાડમાં છ ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક સિદ્ધિ મેળનાર ભારતીય ચેસ-ખેલાડીઓએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં વડા પ્રધાન મોદીના નિવાસસ્થાને પહોંચેલી આ ચેસ-ટીમે તેમને ઑટોગ્રાફ કરીને ચેસ-બોર્ડ યાદગીરી તરીકે ગિફ્ટ કર્યું હતું. વાતચીત દરમ્યાન આર. પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગેસી વચ્ચેની ચેસની રમત જોઈ વડા પ્રધાન મોદી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલી દિવ્યા દેશમુખના માથા પર હાથ મૂકીને વડા પ્રધાન આશીર્વાદ આપતા પણ જોવા મળ્યા હતા. 

ઑલ ઇન્ડિયા ચેસ ફેડરેશને (AICF) ગઈ કાલે દિલ્હીમાં ૪૫મી ઑલિમ્પિયાડ ગોલ્ડ જીતનાર ભારતીય ટીમ માટે ૩ કરોડ ૨૦ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી. ભારતની પુરુષ અને મહિલા વિજેતા ટીમના ખેલાડીઓને ૨૫-૨૫ લાખ રૂપિયા, જ્યારે પુરુષ અને મહિલા ટીમના કોચ અભિજિત કુંટે અને શ્રીનાથ નારાયણનને ૧૫-૧૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ભારતીય ટીમના વડા ગ્રૅન્ડમાસ્ટર દિવ્યેન્દુ બરુઆને ૧૦ લાખ રૂપિયા અને સહાયક કોચને ૭.૫ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને આ પહેલાં 
ડી. ગુકેશ સહિતના તામિલનાડુના વિજેતા ચેસ-પ્લેયર્સને પચીસ-પચીસ લાખ રૂપિયાનો ચેક એનાયત કર્યો હતો. 

narendra modi delhi world chess championship hungary chess sports sports news