16 October, 2024 10:08 AM IST | Maharashtra | Gujarati Mid-day Correspondent
વિદિત ગુજરાતી
મહારાષ્ટ્ર સરકારે સોમવારે ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સમાં મેડલ મેળવનારા મેડલિસ્ટોનું કૅશ પ્રાઇઝ આપીને સન્માન કર્યું હતું. આવાં કૅશ પ્રાઇઝ મેળવનારાઓમાં નાશિકના ચેસ ખેલાડી વિદિત ગુજરાતીનો પણ સમાવેશ હતો. હંગેરીના બુડાપેસ્ટમાં ૧૦થી ૨૩ સપ્ટેમ્બર વચ્ચે આયોજિત ૪૫મા ચેસ ઑલિમ્પિયાડમાં મેન્સ કૅટેગરીમાં ૧૯૩ દેશો અને વિમેન્સ કૅટેગરીમાં ૧૮૧ દેશોની ટીમે ભાગ લીધો હતો અને એમાં ભારતની મેન્સ તથા વિમેન્સ બન્ને ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ જીતનારી મેન્સ અને વિમેન્સ ટીમનાં મહારાષ્ટ્રનાં ખેલાડીઓ વિદિત ગુજરાતી અને દિવ્યા દેશમુખનું મહારાષ્ટ્ર સરકારે સન્માન કર્યું હતું અને આ બેઉ ખેલાડીઓને એક-એક કરોડ રૂપિયાના કૅશ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
સોમવારે સવારે મળેલી આ ખુશી ઓછી હોય એમ લંડનમાં ચાલી રહેલી WR ચેસ માસ્ટર્સ ૨૦૨૪ની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સાંજે વિદિતે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વૅસેલિન ટૉપ્લોવને ૨-૦થી હરાવી દેતાં સોમવાર, ૧૪ ઑક્ટોબરનો દિવસ તેના માટે યાદગાર બની ગયો હતો.
નાશિક રહેતા વિદિત ગુજરાતીનાં મમ્મી-પપ્પા ડૉક્ટર છે અને તેમની સંઘર્ષભરી લાઇફ જોઈને તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેનાં મમ્મી-પપ્પાએ રાતે પણ દરદીને જોવા જવું પડતું હતું એથી તેણે ચેસને સ્થિર કરીઅર વિકલ્પ તરીકે પસંદ કરી હતી. વિદિતની ગેરહાજરીમાં તેનાં મમ્મી-પપ્પાએ એક કરોડનો ચેક સ્વીકાર્યો હતો.