મેસી અને પુટેલસે સતત બીજા વર્ષે ફિફાના બેસ્ટ ફુટબોલરના અવૉર્ડ જીતી લીધા

01 March, 2023 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેસ્ટ વિમેન્સ ફુટબોલરનો પુરસ્કાર જીતનાર સ્પેનની પુટેલસ પ્રોફેશનલ ફુટબૉલમાં બાર્સેલોના વતી રમે છે

તસવીર : એ.એફ.પી., એ.પી./પી.ટી.આઇ.

વર્લ્ડ ચૅમ્પિયન ફુટબોલર લિયોનેલ મેસી અને સ્પેનની મહિલા ફુટબૉલ ખેલાડી ઍલેકિયા પુટેલસ સતત બીજા વર્ષે ફિફાનો અનુક્રમે ‘બેસ્ટ મેન્સ પ્લેયર’ અવૉર્ડ અને ‘બેસ્ટ વિમેન્સ પ્લેયર’ અવૉર્ડ જીત્યાં છે.

તાજેતરના કતાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને ટ્રોફી અપાવનાર મેસીએ આ પુરસ્કાર ફ્રાન્સના અને પ્રોફેશનલ ફુટબૉલ ક્લબ પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)ના સાથી-ખેલાડી કીલિયાન ઍમ્બપ્પે તથા ફ્રાન્સના જ અને રિયલ મૅડ્રિડના કરીમ બેન્ઝેમાને વોટિંગમાં પાછળ રાખીને જીતી લીધો છે.

કોણે વોટ આપ્યા?
ફુટબૉલ જગતની તમામ દેશોની મુખ્ય ટીમના કૅપ્ટન અને કોચ, પસંદગીના પત્રકારો તેમ જ ફિફા સાથે રજિસ્ટર્ડ તમામ ૨૧૧ દેશ તેમ જ ઑનલાઇન પરના કેટલાક ફુટબૉલ ચાહકોનો સમાવેશ ધરાવતી વૈશ્વિક પૅનલ દ્વારા કરાયેલા વોટિંગમાં મેસી, ઍમ્બપ્પે, બેન્ઝેમાને શૉર્ટ-લિસ્ટ કરવામાં આવ્યા હતા અને છેવટે મેસી પર કળશ ઢોળવામાં આવ્યો હતો. બેસ્ટ વિમેન્સ ફુટબોલરનો પુરસ્કાર જીતનાર સ્પેનની પુટેલસ પ્રોફેશનલ ફુટબૉલમાં બાર્સેલોના વતી રમે છે.

બેસ્ટ કોચ કોણ?
બેસ્ટ મેન્સ ગોલકીપરનો પુરસ્કાર આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝને અને વિમેન્સ ગોલકીપરનો પુરસ્કાર ઇંગ્લૅન્ડની મૅરી ઇયર્પ્સને અપાયો હતો. આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા કોચ લિયોનેલ સ્કૅલોની બેસ્ટ કોચ ઘોષિત થયા હતા. બેસ્ટ વિમેન્સ કોચનો અવૉર્ડ ઇંગ્લૅન્ડની ટીમની કોચ સરિના વિગ્મૅનને અપાયો હતો.

મેસીએ પત્નીનો બર્થ-ડે મિસ કર્યો!

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી સાથે સોમવારે પૅરિસમાં ફિફાના ફંક્શનમાં તેની પત્ની ઍન્ટોનેલા પણ આવી હતી. રવિવારે ઍન્ટોનેલાનો જન્મદિન હતો, પરંતુ મેસી એ દિવસે ફ્રાન્સની લીગ-૧ સ્પર્ધામાં પીએસજીની મૅચમાં રમવાનો હોવાથી તેના બર્થ-ડેના ફંક્શનમાં હાજર નહોતો રહી શક્યો. પીએસજીએ માર્સેઇલ સામેની એ મૅચ ૩-૦થી જીતી લીધી હતી. ઍન્ટોનેલાએ જન્મદિવસ ત્રણેય પુત્રો અને બીજા ફૅમિલી મેમ્બર્સ સાથે ઊજવ્યો હતો અને પછી ઇન્સ્ટાગ્રામ પર મેસીને ‘વી મિસ્ડ યુ ડિયર’ એવો મેસેજ લખ્યો હતો. જોકે સોમવારે ઍન્ટોનેલા ફિફાના સમારંભમાં આવી હતી જેમાં મેસીને ‘બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર’ અવૉર્ડ મળ્યો હતો.  

sports sports news football lionel messi