28 November, 2024 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બજરંગ પુનિયા
નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (NADA)એ કુસ્તીબાજ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. આ વર્ષે તેણે ૧૦ માર્ચે રાષ્ટ્રીય ટીમ માટે પસંદગીની ટ્રાયલ દરમ્યાન ડોપ-ટેસ્ટ માટે સૅમ્પલ આપવાનો ઇનકાર કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. NADAની સાથે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)એ પણ તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પ્રતિબંધ સામે તેણે ઍન્ટિ-ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ (ADDP) સામે અપીલ કરી હતી. ૩૧ મેના રોજ પ્રતિબંધના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો અને ૨૩ જૂને બજરંગ પુનિયાને પોતાનો પક્ષ મૂકવા માટે નોટિસ આપવામાં આવી હતી. ૧૧ જુલાઈએ તેણે લેખિત રૂપમાં તેની સામેના આરોપને પડકાર આપ્યો હતો. ત્યાર બાદ ૨૦ સપ્ટેમ્બર અને ૪ ઑક્ટોબરે આ મામલે સુનાવણી થઈ અને હવે એનો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે, જે અનુસાર તેના પરનો ચાર વર્ષનો પ્રતિબંધ યથાવત્ રહેશે. તે ૨૦૨૮ની બાવીસ એપ્રિલ સુધી સ્પર્ધાત્મક કુસ્તીમાં પરત ફરી શકશે નહીં. આ સિવાય જો તે વિદેશમાં કોચિંગ-જૉબ માટે અરજી કરવા માગે છે તો તે એ પણ કરી શકશે નહીં.
શું કહ્યું બજરંગ પુનિયાએ?
સપ્ટેમ્બર ૨૦૨૪માં ૩૦ વર્ષનો બજરંગ પુનિયા પોતાની સાથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે કૉન્ગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘મેં NADAને સૅમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી. જ્યારે તેઓ મારા ઘરે ડોપ-ટેસ્ટ માટે આવ્યા હતા ત્યારે તેઓ ડિસેમ્બર ૨૦૨૩ની એક્સપાયર થયેલી કિટ લાવ્યા હતા. મને એમ પણ લાગે છે કે મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં અમારા વિરોધને કારણે તેઓ બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે તમામ એજન્સીઓ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સરકારનો હેતુ અમને તોડીને તેમની સામે ઝુકાવવાનો છે. જો હું BJPમાં જોડાઈશ તો મને લાગે છે કે તમામ પ્રતિબંધો હટી જશે.’