મને પણ વર્લ્ડ કપ વિનર્સ જેવું સન્માન મળવું જોઈએ

08 July, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટર્સ પર થતી ધનવર્ષા જોઈને મુંબઈકર ચિરાગ શેટ્ટીએ મહારાષ્ટ્ર સરકાર સામે મૂકી ડિમાન્ડ

ચિરાગ શેટ્ટી

T20 વર્લ્ડ ચૅમ્પિયન બનનાર ભારતીય ક્રિકેટર્સ માટે હાલમાં મહારાષ્ટ્ર સરકારે ૧૧ કરોડની પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. અન્ય રમતના ખેલાડીઓએ આ ધનવર્ષાને કારણે ભેદભાવની લાગણી અનુભવી જેને કારણે મહારાષ્ટ્રના બૅડ્‌મિન્ટન સ્ટાર ચિરાગ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં અવાજ ઉઠાવ્યો હતો. ૨૭ વર્ષના આ મુંબઈકરે મહારાષ્ટ્ર સરકાર માટે કહ્યું હતું કે ‘થૉમસ કપ જીતવો એ વર્લ્ડ કપ જીતવા બરાબર છે. જો સરકાર વર્લ્ડ કપ જીતનારા ખેલાડીઓનું સન્માન કરી રહી છે તો તેમણે પણ મારા પ્રયાસોને સન્માન આપવું જોઈએ. અમે બધાએ ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરી છે. ઇન્ડોનેશિયા જેવી ટીમને હરાવીને જે ટીમે થૉમસ કપ જીત્યો હતો એ ટીમનો હું એકમાત્ર મહારાષ્ટ્રિયન ખેલાડી હતો. જોકે રાજ્ય સરકારે મારું ક્યારેય સન્માન કર્યું નથી. પ્રાઇઝ મની વિશે તો ભૂલી જ જાઓ.’

ચિરાગ શેટ્ટીની ઉપલબ્ધિ

૨૦૨૨ વર્લ્ડ ચૅમ્પિયનશિપ - બ્રૉન્ઝ મેડલ 
૨૦૨૨ થૉમસ કપ - ગોલ્ડ મેડલ 
કૉમનવેલ્થ ગેમ્સ - બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ 
એશિયન ગેમ્સ - બે ગોલ્ડ, એક સિલ્વર, ત્રણ બ્રૉન્ઝ મેડલ

badminton news maharashtra news eknath shinde sports sports news t20 world cup indian cricket team