ઑસ્ટ્રેલિયન ઓપન જીતેલા પીટરનો પુત્ર સેબાસ્ટિયન કોર્ડા પહોંચ્યો ક્વૉર્ટર ફાઇનલમાં

23 January, 2023 12:41 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલમાં પહોંચવા માટે તેની ટક્કર રશિયાના ખેલાડી કરૅન ખાચાનોવ સામે થશે

પોલૅન્ડના ખેલાડીને હરાવ્યા બાદ સેબાસ્ટિયન કોર્ડા

અમેરિકાનો બાવીસ વર્ષનો સેબાસ્ટિયન કોર્ડા અનેક ઉતાર-ચડાવ બાદ ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. એણે ૧૦મા ક્રમાંકના હ્યુબર્ટ હર્કેજને ૩-૬, ૬-૩, ૬-૨, ૧-૬, ૭-૬થી હરાવ્યો હતો. ૧૯૯૮માં આ જ ચૅમ્પિયનશિપમાં તેના પપ્પા પીટર ચૅમ્પિયન બન્યા હતા. જીત્યા બાદ તેણે કહ્યું હતું કે મને ખુશી છે કે હું શાંત રહ્યો, જેનું પરિણામ સારું આવ્યું. કોર્ડાની મમ્મી પણ એક પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હતી. તેની બે મોટી બહેન પણ પ્રોફેશનલ ગોલ્ફ રમે છે. કોર્ડાએ અગાઉ ત્રીજા રાઉન્ડમાં ડેનિલ મેડવેડેવને હરાવ્યો હતો. હવે સેમી ફાઇનલમાં પહોંચવા માટે તેની ટક્કર કરૅન ખાચાનોવ સામે થશે. 

૨૦૦૪ બાદ પહેલી વખત ચાર અમેરિકન પુરુષ ખેલાડીઓ ચોથા રાઉન્ડમાં પહોંચ્યા છે, જેમાં બેન શેલ્ટન, જેજ વોલ્ટ, ટોમી પોલ અને કોર્ડાનો સમાવેશ થાય છે. ૨૦૦૪માં ચાર પુરુષ ખેલાડીમાં આન્દ્રે અગાસી પણ હતો જે હાલ કોર્ડાનો મેન્ટર છે. 

નંબર-વન સ્વૉનટોક હારી 

કઝાખસ્તાન રાયબકિના સામેની મૅચ દરમિયાન પોલૅન્ડની ખેલાડી ઇગા સ્વૉનટેક

પોલૅન્ડની ખેલાડી ઇગા સ્વૉનટેક ગઈ કાલે વિમ્બલ્ડન ચૅમ્પિયન કઝાખસ્તાન એલેના રાયબકિના સામે ૪-૬, ૪-૬થી ચોથા રાઉન્ડમાં હારી જતાં ભારે આશ્ચર્ય થયું હતું. પરાજય બાદ તેણે કહ્યું હતું કે હું દબાણ અનુભવતી હતી. મારે હારવું નહોતું, હું જીતવા માગતી હતી. જોકે સમગ્ર સપ્તાહ દરમ્યાન તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તમામ સેટ તે જીતી હતી. 

૧૮ વર્ષની કોકોનો પરાજય

જેલેના ઓસ્ટૅપેન્કો સામેની મૅચ દરમ્યાન અમેરિકાની ખેલાડી કોકો ગૉફ

રાયબકિનાની ટક્કર ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન બનેલી જેલેના ઓસ્ટૅપેન્કો સામે થશે, જેણે કોકો ગૉફેને ૭-૬, ૬-૩થી હરાવી હતી. લેટિવાની ૨૫ વર્ષની ખેલાડી પહેલી વખત ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. અમેરિકાની ૧૮ વર્ષની કોકોએ કહ્યું હતું કે મૅચ દરમ્યાન હું હતાશ થઈ ગઈ હતી. મારી પાસે તેની રમતનો કોઈ જવાબ નહોતો. 

sports news sports tennis news australian open