25 January, 2023 01:25 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના
આ વખતની ઑસ્ટ્રેલિયન ઓપનમાં બોપન્ના સાથેની જોડીમાં એકેય સેટ નથી હારી મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભારતની સાનિયા મિર્ઝા આવતા મહિને પૂરી થઈ રહેલી પોતાની કરીઅર અગાઉની અંતિમ ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાની સેમી ફાઇનલમાં ગઈ કાલે પહોંચી ગઈ હતી. મિક્સ્ડ-ડબલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં યેલેના ઑસ્ટાપેન્કો તથા ડેવિડ હર્નાન્ડેઝની જોડી તરફથી વૉકઓવર મળી જતાં સાનિયા અને રોહન બોપન્નાની જોડી લાસ્ટ ફોરમાં પહોંચી ગઈ હતી. સાનિયા-બોપન્નાની જોડી આ વખતની ઑસ્ટ્રેલિયન ઓપનમાં હજી સુધી એકેય સેટ નથી હારી. તમામ મુકાબલા સ્ટ્રેઇટ ગેમથી જીતી છે. સાનિયા ફેબ્રુઆરીમાં દુબઈની સ્પર્ધામાં રમીને રિટાયર થઈ જશે.
મેન્સ સિંગલ્સમાં હાચાનૉફ લાસ્ટ-ફોરમાં : વિમેન્સની સેમી ફાઈનલમાં રબાકિના-ઍઝરેન્કા આવી ગઈ સામસામે
ઑસ્ટ્રેલિયન ઓપનની સિંગલ્સમાં ગઈ કાલે અમેરિકાનો સબાસ્ટિયન કોર્ડા ૫-૭, ૩-૬, ૦-૩થી પાછળ હતો ત્યારે જમણા કાંડાની ઈજાને કારણે મૅચમાંથી નીકળી જતાં રશિયાના કરેન હાચાનૉફને આસાનીથી સેમી ફાઇનલમાં જવા મળી ગયું હતું. ઑસ્ટ્રેલિયન ઓપનમાં તે પહેલી વાર સેમીમાં પહોંચ્યો છે. મહિલા વર્ગમાં વિમ્બલ્ડન ચૅમ્પિયન કઝાખસ્તાનની એલેના રબાકિના ક્વૉર્ટર ફાઇનલમાં યેલેના ઑસ્ટાપેન્કોને ૬-૨, ૬-૪થી હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી હતી. રબાકિના સેમીમાં બે વખત આ સ્પર્ધા જીતી ચૂકેલી વિક્ટોરિયા ઍઝરેન્કા સામે રમશે. ઍઝરેન્કાએ ક્વૉર્ટરમાં થર્ડ-સીડેડ જેસિકા પેગુલાને ૬-૪, ૬-૧થી હરાવી હતી.