જૉકોવિચ હવે નડાલની બરાબરીમાં અને ફરી નંબર-વન

30 January, 2023 01:44 PM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો : ઑસ્ટ્રેલિયન ઓપનમાં વિક્રમજનક ૧૦ વખત ચૅમ્પિયન બન્યો છે : સિત્સિપાસને સ્ટ્રેઇટ સેટમાં હરાવ્યો

નોવાક જૉકોવિચ ગઈ કાલે મેલબર્નમાં બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતીને નડાલની બરાબરીમાં આવતાં બેહદ ખુશ હતો.અને જીત સેલિબ્રેટ કરી હતી. તસવીર એ.પી./પી.ટી.આઇ.

સર્બિયાનો ૩૫ વર્ષનો ટેનિસ સુપરસ્ટાર નોવાક જૉકોવિચ ૨૦૨૨ના જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયન ઓપન ચૅમ્પિયનશિપ વખતે ઘરે બેઠો હતો, કારણ કે કોવિડ વિરોધી વૅક્સિન વિના જ તે રમવા આવ્યો હોવાથી તેને ઑસ્ટ્રેલિયાની સરકારે દેશમાંથી કાઢી મૂક્યો હતો.

ગઈ કાલે તેણે ચૅમ્પિયનશિપના એ જ સ્થળે (મેલબર્નમાં) ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. તે ગ્રીસના ૨૪ વર્ષના સ્ટેફાનોસ સિત્સિપાસને ૬-૩, ૭-૪, ૭-૫થી હરાવીને સિંગલ્સની ટ્રોફી જીત્યો હતો.

જૉકોવિચનું આ બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે અને મેન્સ ટેનિસમાં સૌથી વધુ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્પેનના રાફેલ નડાલની બરાબરીમાં તે આવી ગયો છે. જૉકોવિચે ફરી નંબર-વનનો રૅન્ક પણ મેળવી લીધો છે અને ૧૦મી વાર ઑસ્ટ્રેલિયન ઓપન જીતીને પોતાનો જ ૯ ટાઇટલનો વિક્રમ પાર કર્યો છે. સિત્સિપાસ હજી એક પણ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ નથી જીતી શક્યો.

28

જૉકોવિચ મેલબર્નમાં સતત આટલી મૅચ ૨૦૧૮ની સાલથી અત્યાર સુધીમાં જીત્યો છે. 

જૉકોવિચ ટ્રોફી મેળવતાં પહેલાં મમ્મી ડિયાના જૉકોવિચ તેમ જ બીજા સંબંધીઓ અને મિત્રો પાસે દોડી ગયો હતો (તસવીર એ.પી./પી.ટી.આઇ.)

જૉકોવિચે ફાઇનલમાં ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ ને ૬-૩, ૭-૪, ૭-૫થી હરાવ્યો હતો. (તસવીર એ.પી./પી.ટી.આઇ.)

sports news sports tennis news australian open novak djokovic rafael nadal melbourne