24 January, 2023 12:09 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાનિયા મિર્ઝા અને નોવાક જૉકોવિચ
ઑસ્ટ્રેલિયન ઓપનમાં સર્બિયાનો ૩૫ વર્ષીય નોવાક જૉકોવિચ સિંગલ્સનાં સૌથી વધુ ૯ ટાઇટલ જીત્યો છે અને તે હવે ૧૦મી ટ્રોફીની નજીક પહોંચી રહ્યો છે. ગઈ કાલે તે ડાબી સાથળમાં પટ્ટો પહેરીને રમ્યો હતો અને ઑસ્ટ્રેલિયાના ઍલેક્સ ડિમિનૉરને ૬-૨, ૬-૧, ૬-૨થી હરાવ્યો હતો. જૉકોવિચ હવે ક્વૉર્ટર ફાઇનલમાં રશિયાના ઑન્ડ્રે રુબ્લેવ સામે રમશે. જૉકોવિચ આ સ્પર્ધામાં ફોર્થ-સીડેડ છે અને હવે તેની સામે રમનાર ફિફ્થ-સીડેડ રુબ્લેવે પ્રી-ક્વૉર્ટરમાં ડેન્માર્કના ટીનેજર હૉલ્ગર રુનને હરાવી દીધો હતો.
મહિલાઓમાં વધુ સીડેડ પ્લેયર્સ આઉટ
મહિલાઓમાં વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉનટેક અને નંબર-ટુ ઑન્સ જૅબર આ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે અને બાકી રહેલી ટોચની પ્લેયર્સમાં થર્ડ-સીડેડ જેસિકા પેગુલા હાઇએસ્ટ રૅન્ક્ડ પ્લેયર છે. ફોર્થ-સીડેડ કૅરોલિન ગાર્સિયા ગઈ કાલે ૩૦ વર્ષની ઉંમરની અને વિશ્વમાં ૪૫મી રૅન્ક ધરાવતી પોલૅન્ડની મૅગ્ડા લિનેટ સામે ૩-૭, ૪-૬થી હારી ગઈ હતી, પરંતુ ફિફ્થ-સીડેડ અરીના સબાલેન્કાએ બેલિન્ડા બેન્સિકને ૭-૫, ૬-૨થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
સાનિયા-બોપન્ના જીતીને લાસ્ટ-એઇટમાં
ભારતની ટોચની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ રમી રહી છે અને એમાં તે તથા રોહન બોપન્ના ગઈ કાલે જીતી હતી. તેમણે મિક્સ્ડ-ડબલ્સમાં જપાનની મૅકોટો નિનોમિયા અને ઉરુગ્વેના ઍરિયલ બેહરને ૬-૪, ૧૧-૯થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેઓ યેલેના ઑસ્ટાપેન્કો અને ડેવિડ હર્નાન્ડેઝ સામે રમશે. સાનિયા ફેબ્રુઆરીમાં દુબઈની ચૅમ્પિયનશિપમાં રમીને કરીઅર પર પડદો પાડી દેશે.