ઘાયલ નડાલ આઉટ, સ્વૉનટેક સતત ૧૨મી વાર બીજા રાઉન્ડમાં

19 January, 2023 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયન ઓપનના બે ટૉપ-સીડેડમાં નિરાશા-આનંદની લાગણી

રાફેલ નડાલ

મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ અને વિમેન્સમાં સર્વોચ્ચ ક્રમ ધરાવતા ખેલાડીઓનાં ગઈ કાલે ભિન્ન પરિણામ આવ્યાં હતાં. વિશ્વવિક્રમી બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલો સ્પેનનો વર્લ્ડ 
નંબર-ટૂ રાફેલ નડાલ ઘાયલ હાલતમાં બીજા રાઉન્ડની મૅચ રમ્યો હતો અને છેવટે હારી જતાં સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. તેનો અમેરિકાના મૅકેન્ઝી મૅક્ડોનાલ્ડ સામે સ્ટ્રેઇટ સેટમાં ૪-૬, ૪-૬, ૫-૭થી પરાજય થયો હતો. તેમની મૅચ બે કલાક અને ૩૨ મિનિટ સુધી ચાલી હતી. નડાલને થાપામાં ઈજા થઈ છે.

૩૫ વર્ષના નડાલે બીજા સેટ દરમ્યાન નિષ્ણાતો પાસે સારવાર કરાવી ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે અનફિટ નડાલ આ ચૅમ્પિયનશિપમાં વધુ સમય નહીં જોવા મળે. ટ્રેઇનર પાસે ટ્રીટમેન્ટ કરાવવા તે ટેનિસ કોર્ટની બહાર ગયો ત્યારે વીઆઇપી સ્ટૅન્ડમાં બેઠેલી તેની પત્ની આંસુ લૂછતી જોવા મળી હતી. નડાલનું ૨૩મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનું સપનું હવે બાકી રહી ગયું છે. 

નંબર-વન સ્વૉનટેક ત્રીજા રાઉન્ડમાં

આ પણ વાંચો : ટેનિસ પ્લેયર સ્વૉનટેકની યુક્રેનના લોકો માટે ડ્રેસ, રૅકેટ, શૂઝની લિલામી કરશે

ઇગા સ્વૉનટેક

મહિલા ટેનિસની નંબર-વન પોલૅન્ડની ઇગા સ્વૉનટેકે ગઈ કાલે બીજા રાઉન્ડમાં કોલમ્બિયાની કૅમિલા ઑસોરિયોને ૬-૨, ૬-૩થી હરાવીને થર્ડ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. વરસાદને કારણે આ મૅચ છતવાળા ટેનિસ કોર્ટમાં રમાઈ હતી. ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનની ચૅમ્પિયન સ્વૉનટેકની આ બીજા રાઉન્ડની ૧૨મી જીત હતી. તે ૨૦૧૯ની યુએસ ઓપન બાદ કોઈ મોટી સ્પર્ધામાં થર્ડ રાઉન્ડ પહેલાં નથી હારી.

ગૉફ અને પેગુલા પણ જીતી

યંગેસ્ટ સીડેડ ૧૮ વર્ષની કોકો ગૉફે ગઈ કાલે બ્રિટનની નંબર-વન એમ્મા રાડુકાનુને ૬-૩, ૭-૪થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. આલિયાક્સેન્ડ્રા સૅસ્નોવિચને ૬-૨, ૭-૫થી હરાવીને 
થર્ડ-સીડેડ જેસિકા પેગુલા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશી હતી. પેગુલા છેલ્લી ૧૦માંથી ૯ મોટી સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.

મારા માટે આ ક્ષણો અને આ આખો દિવસ જ ખૂબ કઠિન છે. હું જરાય ખોટું નહીં બોલું. હું મનથી ખૂબ ભાંગી ગયો છું. : રાફેલ નડાલ

sports news sports tennis news australian open rafael nadal