ઍથ્લીટ‍્સના કૅમ્પ પબ્લિક તથા પ્રાઇવેટ કંપનીઓ ચલાવશે : અદિલ સુમારીવાલા

04 December, 2023 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ પછી ઍથ્લીટ્સ માટેના નૅશનલ કૅમ્પ આ ફેડરેશન પોતે નહીં ચલાવે, પણ ટોચના ખેલાડીઓના આ કૅમ્પ ચલાવવાનું કામ પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓને સોંપશે.

અદિલ સુમારીવાલા

ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. આવતા વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ પછી ઍથ્લીટ્સ માટેના નૅશનલ કૅમ્પ આ ફેડરેશન પોતે નહીં ચલાવે, પણ ટોચના ખેલાડીઓના આ કૅમ્પ ચલાવવાનું કામ પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓને સોંપશે. ફેડરેશનના પ્રમુખ અદિલ સુમારીવાલાએ ગઈ કાલે અમ્રિતસરમાં એજીએમના અંતિમ દિવસે કહ્યું હતું કે ‘નૅશનલ સિનિયર કૅમ્પ ઑલિમ્પિક્સ પછી બંધ કરવાનો નિર્ણય અમે સ્પોર્ટ‍્સ મિનિસ્ટ્રીને જણાવી દીધો છે, જેણે અમારા આ નિર્ણયને બિરદાવ્યો છે. એસએઆઇ એનસીઓઇ, આર્મી સ્પોર્ટ‍્સ ઇન્સ્ટિટ્યૂટ, રેલવે, ઍર ફોર્સ, નેવી, ઓએનજીસી, રિલાયન્સ, જેએસડબ્લ્યુ, તાતા તેમ જ બીજી ઘણી કંપનીઓએ મોટા પાયે નાણાકીય રોકાણ કરીને તેમ જ વિદેશી કોચ નીમીને બહુ સારી સગવડ ઊભી કરી છે. ફેડરેશન પાસે માત્ર પાંચથી દસ ટ્રેઇનિંગ સેન્ટર્સ છે, પરંતુ આ કંપનીઓ પાસે ૨૦૦ જેટલાં છે જેનો લાભ મોટા અને આશાસ્પદ ઍથ્લીટ‍્સને મળી શકશે.’

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ઍથ્લીટ‍્સ વધુ સફળતાઓ મેળવી શકે એ દિશામાં ફેડરેશનનું બહુ સારું પગલું પણ છે. ઍથ્લીટ‍્સ માટે ભણવું પણ ખૂબ અગત્યનું હોય છે. તેઓ હવે ભણવાનું ચાલુ રાખીને પોતાના ઘરની નજીકના કૅમ્પમાં તાલીમ મેળવી શકશે.
અંજુ બૉબી જ્યોર્જ

athletics sports news