06 October, 2023 09:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા મિશ્રાએ બુધવારે સિલ્વર મેડલ જીત્યા પછી પરિવાર માટે લખેલો પત્ર મેદાન પરથી જ કૅમેરા સામે બતાવ્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)
બુધવારે ચીનના હાન્ગજોમાં વિમેન્સ ૪ X૪૦૦ મીટર રિલે ફાઇનલમાં બીજા નંબરે આવતાં સિલ્વર મેડલ જીતેલી ભારતની ચારમાંથી એક રનર ઐશ્વર્યા મિશ્રા દહિસર (ઈસ્ટ)માં ફળ વેચતા કૈલાશ મિશ્રાની પુત્રી છે. તેઓ સ્લમ વિસ્તારમાં નાની રૂમમાં રહે છે અને એ જ વિસ્તારમાં ફળ વેચીને ગુજરાન ચલાવે છે. તેમણે આ જ વેપારની કમાણીમાંથી પુત્રીનાં સપનાં પૂરાં કરવાનો પ્રયાસ કર્યો છે.
જૌનપુર જિલ્લાના સુલતાનપુર ગામની ઐશ્વર્યા ઉપરાંત વિથ્યા, પ્રાચી અને સુભાની ટીમે આ દોડ ૩ મિનિટ ૨૭.૮૫ સેકન્ડમાં પૂરી કરી હતી. પ્રથમ નંબરે આવનાર બાહરિનની ટીમે રેસ ૩ મિનિટ ૩૦.૮૮ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઐશ્વર્યા નાનપણમાં દોડવામાં ચૅમ્પિયન હોવાથી તેના પિતાએ તેને સ્પોર્ટ્સ ઍકૅડેમીમાં તાલીમ અપાવી હતી અને ત્યાર પછી તે એક પછી એક સ્પર્ધા જીતીને એશિયન ગેમ્સ સુધી પહોંચી હતી.
ભારતની રજતચંદ્રક વિજેતા ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર પર રજતચંદ્રક વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. ઐશ્વર્યા ૧૦મીએ ભારત પાછી આવશે ત્યારે ‘પરિશ્રમ’ નામની સંસ્થા તેનું સન્માન કરશે.