મહિલા ફુટબૉલર આશાલતાદેવીએ રચ્યો ઇતિહાસ

19 October, 2024 08:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની

આશાલતાદેવી

ગુરુવારે કાઠમાંડુમાં સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (SAFF) ચૅમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે મેદાનમાં ઊતરતાંની સાથે જ ભારતીય મહિલા ફુટબૉલ ટીમની કૅપ્ટન આશાલતાદેવીએ ઇતિહાસ રચ્યો હતો. આશાલતાદેવીની આ ૧૦૦મી ઇન્ટરનૅશનલ મૅચ હતી અને આવી કમાલ કરનાર તે ભારતના સુનીલ છેત્રી બાદ બીજી અને પ્રથમ મહિલા ફુટબૉલર બની છે. સુનીલ છેત્રીએ ગયા વર્ષે ૧૫૧ મૅચ રમ્યા બાદ રિટાયરમેન્ટ લઈ લીધું હતું.

આશાલતા મણિપુરની છે અને તેણે ૨૦૧૧માં ઇન્ટરનૅશનલ ફુટબૉલમાં ડેબ્યુ કર્યું હતું અને ૧૩ વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ તે ૧૦૦ ઇન્ટરનૅશનલ ફુટબૉલ મૅચનો લૅન્ડમાર્ક મેળવીને ઇતિહાસ રચવામાં સફળ થઈ છે. તેણે આ ઉપલબ્ધિ વિશે જણાવ્યું હતું કે ‘આ ઐતિહાસિક ક્ષણને શબ્દોમાં વર્ણન કરવી મુશ્કેલ છે. મને મારી મહેનત પર ગર્વ છે. હું મારા સાથી-ખેલાડીઓનો આભાર માનું છું જેમની સાથે હું લાંબા સમય સુધી રમી શકી. અમારા ચાહકોને વિનંતી છે કે અમારી મૅચ જોતા રહેજો અને સોશ્યલ મીડિયામાં અમને સપોર્ટ કરતા રહેજો. તમારો સાથ-સહકાર અમારા માટે ઘણો મહત્ત્વનો છે.’

પાકિસ્તાનને ૫-૨થી હરાવ્યું

ગુરુવારે SAFF ચૅમ્પિયનશિપની પ્રથમ મૅચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૫-૨થી હરાવીને સૉલિડ શરૂઆત કરી હતી. ભારતીય ટીમની સ્ટાર અને ૧૦ નંબરની જર્સી પહેરતી બાલાદેવીએ ૩૫મી મિનિટે ગોલ ફટકારીને ૫૦ ઇન્ટરનૅશનલ ગોલનો લૅન્ડમાર્ક મેળવી લીધો હતો.  

football india sports news sports