29 August, 2024 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પી. આર. શ્રીજેશ સાથે ગોલકીપર ક્રિષ્ન બહાદુર પાઠક અને સૂરજ કરકેરા.
એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી માટે હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ૧૮ સભ્યોની ભારતીય હૉકી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ચીનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ ૮ સપ્ટેમ્બરથી શરૂ થશે. સેમી ફાઇનલ ૧૬ સપ્ટેમ્બરે અને ફાઇનલ ૧૭ સપ્ટેમ્બરે રમાશે. પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય હૉકી ટીમની આ પહેલી ટુર્નામેન્ટ હશે. બ્રૉન્ઝ મેડલ વિજેતા ટીમના ૧૦ સભ્યોને આ ટુર્નામેન્ટ માટે ટીમમાં સ્થાન મળ્યું છે.
પી. આર. શ્રીજેશની નિવૃત્તિ બાદ તેની જગ્યા કોણ લેશે એની ચર્ચા થઈ રહી હતી. આ વર્ષે અર્જુન અવૉર્ડથી સન્માનિત થનાર ૨૭ વર્ષના ક્રિષ્ન બહાદુર પાઠકને આ ટુર્નામેન્ટ માટે મુખ્ય ગોલકીપર બનાવવામાં આવ્યો છે. તે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો સ્ટૅન્ડબાય ગોલકીપર હતો. મુંબઈના ૨૮ વર્ષના સૂરજ કરકેરાને રિઝર્વ ગોલકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અનુભવી મિડફીલ્ડર વિવેક સાગર પ્રસાદને વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. રેગ્યુલર વાઇસ કૅપ્ટન હાર્દિક સિંહ, મનદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, શમશેર સિંહ અને ગુરજંત સિંહને આરામ આપવામાં આવ્યો છે.