07 February, 2024 06:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉકી ખેલાડી વરુણ કુમાર
અર્જુન અવૉર્ડ વિજેતા ભારતીય હૉકી ખેલાડી વરુણ કુમાર સામે બૅન્ગલોર પોલીસે પૉક્સો કાયદા હેઠળ કેસ દાખલ કર્યો છે. તેના પર એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે નાબાલિગ હતી ત્યારે તેનો રેપ કરવામાં આવ્યો હતો. બાવીસ વર્ષની મહિલાએ સોમવારે પોતાની ફરિયાદમાં કહ્યું કે તે ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ મારફતે વરુણના સંપર્કમાં આવી હતી. ૨૦૧૮માં તે ૧૭ વર્ષની હતી ત્યારે આ ખેલાડીએ લગ્ન કરવાનો વાયદો આપીને તેના પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ દાવો કર્યો છે કે ૨૦૧૮માં વરુણના સંપર્કમાં આવી ત્યારે તે ૧૭ વર્ષની હતી. તે મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે એ સમયે વરુણ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાં ટ્રેઇનિંગ કરી રહ્યો હતો.
પૉક્સો કાયદા હેઠળ કેસ દાખલ
૨૦૨૧માં અર્જુન અવૉર્ડથી વરુણને સન્માનીત કરાયો હતો અને હાલમાં જ તેને પોલીસમાં ડીસીપીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ‘મહિલાની ફરિયાદના આધારે અમે સોમવારે હૉકી ખેલાડી સામે યૌન ગુના હેઠળ બાળકોના સંરક્ષણ કાયદા હેઠળ ધારા ૩૭૬ (બળાત્કાર) અને ધારા ૪૨૦ હેઠળ કેસ દાખલ કર્યો છે.’
વરુણ પર ફરાર થવાનો આરોપ
ટોક્યો ઑલિમ્પિક માટે ભારતની સ્ટેન્ડબાઈ યાદીમાં સામેલ રહેલ વરુણ હાલમાં આગામી એફઆઇએચ પ્રો લીગ માટે ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ટીમ સાથે ટ્રેઇનિંગ કરી રહ્યો છે. ભારતની પહેલી મૅચ ૧૦ ફેબ્રુઆરીએ સ્પેન સામે છે. આ ઘટના વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે વરુણ હાલ ફરાર છે, પરંતુ હૉકી ઇન્ડિયાએ આ અફવાનું ખંડન કરતાં કહ્યું કે ‘વરુણ હાલ ટીમ ઇન્ડિયા સાથે ભુવનેશ્વરમાં છે.’
વરુણે લગ્નનો વાયદો આપ્યો હતો
મહિલાના જણાવ્યા અનુસાર જુલાઈ ૨૦૧૯માં વરુણ તેને બૅન્ગલોરમાં જયનગરની હોટેલમાં લઈ ગયો અને તે નાબાલિગ છે અને જાણવા છતાં તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે લગ્નનો વાયદો આપ્યો હતો.