20 December, 2022 02:14 PM IST | Doha | Gujarati Mid-day Correspondent
ટ્રોફી બતાવતા મેસીના હાથ પર કાળું કપડું હતું
રવિવારે કતારમાં ફિફા વર્લ્ડ કપની અભૂતપૂર્વ ફાઇનલનો ફર્સ્ટ-હાફ આર્જેન્ટિનાનો અને ખાસ કરીને ૩૫ વર્ષના લિયોનેલ મેસીનો હતો, જ્યારે સેકન્ડ-હાફ ફ્રાન્સનો અને વિશેષ કરીને ૨૩ વર્ષના કીલિયાન ઍમ્બપ્પેનો હતો. જોકે છેવટે મેસીએ અટ્ટહાસ્ય કર્યું અને પોતાની શાનદાર કરીઅરમાં એકમાત્ર ખૂટતી સૌથી મૂલ્યવાન ટ્રોફી જીતી લીધી હતી. આ ફાઇનલમાંના પોતાના પર્ફોર્મન્સને, આર્જેન્ટિનાને (ડિઍગો મૅરડોનાના ૧૯૮૬ના ચૅમ્પિયનપદ પછી) ૩૬ વર્ષે પોતાની કૅપ્ટન્સીમાં મળેલા વર્લ્ડ કપ ટાઇટલને તેમ જ આર્જેન્ટિનાના અને વિશ્વભરના કરોડો ચાહકોના પ્રેમને ધ્યાનમાં લઈને મેસીએ અગાઉ જાહેર કરેલા રિટાયરમેન્ટના વિચાર પર આગળ ન વધવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે.
Goal.comના એક શોમાં મેસીને એવું કહેતો ટાંકવામાં આવ્યો હતો કે ‘ના, મારે હમણાં નિવૃત્ત નથી થવું. આર્જેન્ટિનાની નૅશનલ ટીમમાંથી હું હમણાં રિટાયર નથી થઈ રહ્યો. મારે વર્લ્ડ ચૅમ્પિયન તરીકે થોડી મૅચ રમવી છે. કરીઅરમાં મેં અગાઉ કોપા અમેરિકા સહિત દરેક ટાઇટલ મેળવ્યું છે, માત્ર આ એક બહુમૂલ્ય ટ્રોફી ખૂટતી હતી અને હવે એ પણ મળી ગઈ. હું આ ટ્રોફીને આર્જેન્ટિના લઈ જઈને દરેક જણ સાથે એનું સેલિબ્રેશન કરવા માગું છું.’
ફ્રાન્સે ૬૦ વર્ષનો ઇતિહાસ ન રચ્યો
૨૩મી મિનિટની વિવાદાસ્પદ પેનલ્ટીમાં મેસીએ મૅચનો પ્રથમ ગોલ કર્યા પછી ૩૬મી મિનિટે તેના સાથી-ખેલાડી ડી મારિયાએ ગોલ કરીને આર્જેન્ટિનાને ૨-૦ની સરસાઈ અપાવી હતી. જોકે ૯૦ મિનિટની મુખ્ય મૅચ પૂરી થવાને માંડ ૧૦ મિનિટ બાકી હતી ત્યારે કીલિયાન ઍમ્બપ્પેએ ૮૦મી મિનિટે પેનલ્ટી કિકમાં અને પછી ૮૧મી મિનિટે અદ્ભુત ગોલ કરીને સ્કોર ૨-૨ની બરાબરીમાં લાવી દીધો હતો. એક્સ્ટ્રા-ટાઇમમાં (૧૦૮મી મિનિટે) મેસી ફરી ત્રાટક્યો હતો અને તેણે ગોલ કરતાં સ્કોર આર્જેન્ટિનાની ફેવરમાં ૩-૨નો થયો હતો. ૧૧૮મી મિનિટે ઍમ્બપ્પેએ હૅટ-ટ્રિક ગોલથી સ્કોર ૩-૩ની બરાબરીમાં લાવી દેતાં રોમાંચ વધી ગયો હતો. ફ્રાન્સના આ ફાઇટબૅકને કારણે મૅચ પેનલ્ટી-શૂટઆઉટમાં ગઈ હતી, જેમાં આર્જેન્ટિનાએ પોતાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝની સમજબૂઝ અને ચપળતાની મદદથી ૪-૨થી જીત મેળવી લીધી હતી. એ સાથે આર્જેન્ટિનાએ ત્રીજી વાર ફિફા વર્લ્ડ કપની ટ્રોફી મેળવી છે. ફ્રાન્સને સતત બીજો વર્લ્ડ કપ જીતવા ન મળ્યો અને એ સાથે ૬૦ વર્ષ બાદ સતત બીજા વિશ્વકપમાં ટ્રોફી જીતવાનું એનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
૫૬ વર્ષે ફાઇનલમાં હૅટ-ટ્રિક
ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈ પ્લેયરે હૅટ-ટ્રિક ગોલ કર્યો હોવાનો રવિવારે બીજો બનાવ બન્યો હતો. ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પેએ સેકન્ડ-હાફમાં જબરદસ્ત કમબૅક કરીને ૮૦, ૮૧ અને ૧૧૮મી મિનિટે ગોલ કર્યો હતો. આ પહેલાં ૧૯૬૬માં વેસ્ટ જર્મની સામેની ફાઇનલમાં ઇંગ્લૅન્ડના જ્યૉર્જ હર્સ્ટે ઉપરાઉપરી ત્રણ ગોલ કર્યા હતા. ત્યારે ઇંગ્લૅન્ડે ઘરઆંગણે વર્લ્ડ કપ જીતી લીધો હતો. વેસ્ટ જર્મની સિલ્વર અને પોર્ટુગલ બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.
ટ્રોફી બતાવતા મેસીના હાથ પર કાળું કપડું કેમ હતું?
લિયોનેલ મેસીને રવિવારે યાદગાર ફાઇનલ બાદ ટ્રોફી એનાયત કરતાં પહેલાં કતારના અમીર તમીમ બિન હમાદ અલ થાનીએ જે કાળું કપડું હાથ પર પહેરવા કહ્યું હતું એ કપડું બિશ્ત રોબ (લબાદા) હતું. આ પરંપરાગત કપડું ઊંટના વાળ અને બકરીની રુવાંટીમાંથી બનાવવામાં આવે છે અને એ ખાસ પ્રસંગે જ પહેરી શકાય છે. મોટા ભાગે રાજવી પરિવારના સભ્યો અને ધાર્મિક નેતાઓને જ આ કપડું વિશિષ્ટ પ્રસંગે પહેરવાનો અધિકાર છે. મેસી વર્તમાન ફુટબૉલ યુગનો ગ્રેટેસ્ટ ખેલાડી હોવાથી તેને રોબ પહેરવાનો અવસર અપાયો હતો.
નોંધ : ગ્રુપ-સ્ટેજમાંથી જ સ્પર્ધાની બહાર થઈ જનાર ૧૬ ટીમમાં યજમાન કતાર, ઇક્વાડોર, ઈરાન, વેલ્સ, મેક્સિકો, સાઉદી અરેબિયા, ટ્યુનિશિયા, ડેન્માર્ક, જર્મની, કોસ્ટા રિકા, બેલ્જિયમ, કૅનેડા, કૅમરૂન, સર્બિયા, ઉરુગ્વે અને ઘાનાનો સમાવેશ હતો.