રોનાલ્ડોની પ્રામાણિકતા : રેફરીને કહ્યું કે મને પેનલ્ટી કિક ન આપતા

29 November, 2023 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ નાસર ટીમ માટે ગોલ કરવા જઈ રહેલા રોનાલ્ડો સાથે હરીફ ખેલાડી ગોલપોસ્ટ નજીકના બૉક્સની અંદર ટકરાતાં રોનાલ્ડો નીચે પડ્યો હતો અને બૉલ પરનો કબજો ગુમાવ્યો હતો.

પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ઉપર)એ પોતાને મળેલી કિક આંગળીના સંકેતથી (ઉપર, જમણે) રદ કરાવતાં જ હરીફ પ્લેયરે હાથ મિલાવીને તેને બિરદાવ્યો હતો.

સાઉદી અરેબિયાની અલ નાસર ટીમ વતી રમતા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોમવારે ઈરાનની પર્સેપોલિસ સામેની મૅચ દરમ્યાન રેફરીએ તેને હરીફ પ્લેયર સાથેની અથડામણના બનાવ બાદ પેનલ્ટી કિક મારવાની તક આપી હતી અને એ રીતે રોનાલ્ડોને પોતાની ટીમ માટે ગોલ કરવાની સુવર્ણ તક મળી હતી, પરંતુ રોનાલ્ડોએ એ પેનલ્ટી કિક હકીકતમાં તેને મળવી જ ન જોઈએ એવી પ્રામાણિકતા બતાવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. એશિયન ચૅમ્પિયન્સ લીગની એ મૅચ છેવટે ૦-૦થી ડ્રૉ ગઈ હતી.

અલ નાસર ટીમ માટે ગોલ કરવા જઈ રહેલા રોનાલ્ડો સાથે હરીફ ખેલાડી ગોલપોસ્ટ નજીકના બૉક્સની અંદર ટકરાતાં રોનાલ્ડો નીચે પડ્યો હતો અને બૉલ પરનો કબજો ગુમાવ્યો હતો. હરીફ ખેલાડીથી બૉક્સની અંદર આ ફાઉલ થયું હોવાથી રોનાલ્ડોની ટીમને પેનલ્ટી કિક મળશે એવી જાહેરાત રેફરીએ કરી હતી. જોકે રોનાલ્ડો નીચે પડ્યા બાદ તરત ઊભો થઈને રેફરી પાસે ગયો હતો અને પોતાને આપેલી કિક રદ કરવાની વિનંતી કરી હતી. એ બાબતમાં તેણે હરીફ ટીમના ખેલાડીઓને સાથ આપ્યો હતો. રેફરીએ છેવટે કિક રદ કરતાં હરીફ ખેલાડીઓએ રોનાલ્ડોની પ્રશંસા કરીને તેની પીઠ થાબડી હતી.

cristiano ronaldo football sports news sports