અફઘાનિસ્તાન-પાકિસ્તાનને ન્યુ ઝીલૅન્ડે જીતીને કર્યા આઉટ

10 November, 2023 07:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અફઘાનની ટીમે ભારત સામે સેમીમાં રમવા આજે સાઉથ આફ્રિકાને ૪૩૮ રનથી હરાવવું પડે : પાકિસ્તાને આવતી કાલે ઇંગ્લૅન્ડ સામેનો ૧૫૦નો ટાર્ગેટ ફક્ત બાવીસ બૉલમાં મેળવવો પડે જે અશક્ય છે : ટ્રેન્ટ બોલ્ટ કિવી ટીમ માટે બન્યો તારણહાર

બૅન્ગલોરમાં ગઈ કાલે શ્રીલંકાના બૅટરને એલબીડબ્લ્યુમાં આઉટ કરતો ટ્રેન્ટ બોલ્ટ. આ ફાસ્ટ બોલરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તસવીર: પી.ટી.આઇ.

ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (૧૦-૩-૩૭-૩) ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ માટે તારણહાર બન્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમને તેણે ઑલમોસ્ટ મરણતોલ ફટકો માર્યો છે. ન્યુ ઝીલૅન્ડ ૧૦ પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે, જ્યારે પાંચમા નંબરના પાકિસ્તાન અને છઠ્ઠા ક્રમના અફઘાનિસ્તાન માટે હવે આ વર્લ્ડ કપ ભૂતકાળ બની ગયો છે સમજો.

આજે અફઘાનિસ્તાને ન્યુ ઝીલૅન્ડના નેટ રનરેટ (૦.૭૪૩)ના આધારે એને ઓળંગવા ઓછામાં ઓછા ૪૩૮ રનના માર્જિનથી જીતવું પડે. પાકિસ્તાને સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો આવતી કાલે બ્રિટિશર્સ સામે ઓછામાં ઓછા ૨૮૭ રનથી જીતવું પડે અને જો ઇંગ્લૅન્ડને એ ૧૫૦ રન સુધી સીમિત રાખે તો ૧૫૧ રનનો ટાર્ગેટ ફક્ત ૩.૪ ઓવર (બાવીસ બૉલ)માં મેળવવો પડે જે અસંભવ છે.

પેસ-સ્પિનનું સહિયારું આક્રમણ

ગઈ કાલે બૅટિંગ મળ્યા પછી શ્રીલંકાની ટીમ ૪૬.૪ ઓવરમાં ૧૭૧ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. કુસાલ પરેરાના ૫૧ રન ટીમમાં હાઇએસ્ટ હતા. મૅન ઑફ ધ મૅચ ટ્રેન્ટ બોલ્ટ ઉપરાંત લૉકી ફર્ગ્યુસન (૧૦-૨-૩૫-૨), ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર (૧૦-૨-૨૨-૨) અને રાચિન રવીન્દ્ર (૭.૪-૦-૨૧-૨) સહિતના પેસ-સ્પિનના બોલિંગ-આક્રમણને કારણે શ્રીલંકન ટીમ ખરાબ શરૂઆત બાદ પૂંછડિયાઓના સંઘર્ષ છતાં ટીમને ૨૦૦ રન સુધી નહોતી પહોંચાડી શકી.

રાચિન ભારતને ભારે પડી શકે

ન્યુ ઝીલૅન્ડે ૨૩.૨ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૨ રન બનાવી લીધા હતા. ટીમમાંથી કોઈ બૅટર હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો, પણ ડેવોન કૉન્વે (૪૨ બૉલમાં ૪૫ રન), ડેરિલ મિચલ (૪૩ રન, ૩૧ બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને રાચિન રવીન્દ્ર (૪૨ રન, ૩૪ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નાં યોગદાન ઉપયોગી નીવડ્યાં હતાં. ભારતને ૧૫મીની સેમી ફાઇનલમાં ખાસ કરીને રાચિન રવીન્દ્ર ભારે પડી શકે છે, કારણ કે ગઈ કાલે તે કુલ ૫૬૫ રન સાથે તમામ બૅટર્સમાં મોખરે થઈ ગયો હતો. તેણે ડિકૉક (૫૫૦)ને પાછળ પાડી દીધો હતો. કોહલી (૫૪૩) ત્રીજા નંબરે છે. બોલર્સમાં શ્રીલંકાનો દિલશાન મદુશન્કા ૨૧ વિકેટ સાથે મોખરે છે.

શ્રીલંકાની ચૅમ્પિયન્સ ટ્રોફીની આશા નબળી પડી

૨૦૨૫માં પાકિસ્તાનમાં રમાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વર્તમાન વર્લ્ડ કપની ટોચની આઠ ટીમ ભાગ લઈ શકશે અને એ સંબંધમાં ખાસ કરીને બંગલાદેશની શ્રીલંકા તથા નેધરલૅન્ડ‍્સ વચ્ચે હરીફાઈ છે. બંગલાદેશ આઠમા નંબરે છે અને એનો રનરેટ શ્રીલંકા અને નેધરલૅન્ડ‍્સથી સારો છે. જો આવતી કાલે પુણેમાં ઑસ્ટ્રેલિયા સામે બંગલાદેશ મોટા માર્જિનથી હારશે તો એનો માર્જિન શ્રીલંકા કે નેધરલૅન્ડ‍્સથી ખરાબ થતાં ચૅમ્પિયન્સ ટ્રોફીથી વંચિત રહી શકે.

football new zealand pakistan sports sports news