11 July, 2022 03:42 PM IST | Mumbai | Priti Khuman Thakur
ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતી આવેલો અને મેડલ સાથે મમ્મીનો ફોટો દેખાડતો મુંબઈનો ગુજરાતી યુવાન નીરવ કોળી.
કોઈ પણ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવો હોય તો અનેક વર્ષોની પ્રોફેશનલ પ્રૅક્ટિસ, અનેક પ્રકારના ક્લાસ લઈને તૈયારી કરતા તેમ જ દિવસો સુધી જિમ્નેશ્યમમાં વર્કઆઉટ કરતા ઍથ્લીટો અને ખેલાડીઓ વિશે આપણે જાણ્યું છે, પરંતુ માઝગાવમાં રહેતા ૨૩ વર્ષના યુવાન નીરવ ગિરીશ કોળીએ લોકોને અનોખો રાહ દેખાડતું કામ કરી દેખાડ્યું છે. લૉકડાઉનના સમયમાં બધા અનેક પ્રકારના માનસિક તનાવ અનુભવતા હતા ત્યારે આ યુવાને એનો સદુપયોગ કરીને વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે ઘરે જ તૈયારી શરૂ કરી દીધી હતી. આ ગુજરાતી યુવાનની લગન અને સ્વર્ગીય મમ્મીને ચંદ્રક અર્પણ કરવા તેણે પહેલી જ વખત સ્પર્ધામાં ભાગ લીધો અને તે ભારતના નામે બે ગોલ્ડ જીત્યો હતો.
નીરવ કોળી ગ્રીસમાં તાજેતરમાં યોજાયેલી ૨૯મી આઇજીએસએફ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત માટે ડબલ ગોલ્ડ જીત્યો હતો. લૉન્ગ સાઇકલ ઇવેન્ટમાં પ્રખ્યાત કૅન્ડિડેટ માસ્ટર ઑફ સ્પોર્ટ (સીએમએસ) રૅન્ક હાંસલ કરનાર તે સૌથી યુવા ભારતીય પણ બન્યો હતો.
આ સ્પર્ધા દરમ્યાન નીરવે સૌપ્રથમ દસ મિનિટની ડબલ લૉન્ગ સાઇકલમાં ભાગ લીધો, જેમાં ૨૪ કિલોના બે કેટલબેલ્સ (પ્રત્યેક એક હાથમાં ૨૪ કિલોગ્રામ) સાથે ક્લીન ઍન્ડ જર્ક નૉન-સ્ટૉપ પર્ફોર્મન્સ કરી દેખાડ્યું હતું તેમ જ તેણે ૬૬ રેપ્સ કર્યા અને ૭૦ કિલોગ્રામ બૉડીવેઇટ કૅટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરવે આ ઇવેન્ટમાં સીએમએસ રૅન્ક પણ હાંસલ કર્યો હતો અને આ રૅન્ક ભારતમાં હાંસલ કરનાર સૌથી યુવા લિફ્ટર બન્યો છે. બીજા ગોલ્ડ માટે તેણે વન આર્મ લૉન્ગ સાઇકલ હાફ મૅરથૉનમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં તેણે ૩૦ મિનિટ માટે બન્ને હાથમાં એક-એક મળી ૨૪ કિલોના બે કેટલબેલ નૉન-સ્ટૉપ ઉપાડ્યા અને ૨૪ કિલોના કેટલબેલ સાથે ૨૨૦ ક્લીન ઍન્ડ જર્ક કર્યા હતા. આ પહેલી વાર જ બન્યું છે કે એક ગુજરાતી યુવાને, ખાસ કરીને મુંબઈથી કેટલબેલ સ્પોર્ટમાં ભાગ લીધો હોય.
નીરવ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૧૮-’૧૯માં મારો અકસ્માત થતાં ડાબા હાથમાં બે મોટી સર્જરી થઈ હતી. હાથની પ્લેટ્સ કાઢ્યા પછી ફરી ફિટનેસ અને સ્પોર્ટ્સ પર ધ્યાન આપવા લાગ્યો ત્યાં તો કોવિડ આવી ગયો એથી હું ઑનલાઇન પ્રૅક્ટિસ કરતો, મારા કોચ મને ગાઇડ કરતા અને હું તેમને વિડિયો મોકલતો હતો, પરંતુ મારી આ જીતનું શ્રેય મને પ્રોત્સાહિત કરનાર મારી સ્વર્ગીય મમ્મીને આપવા માગું છું.’
કેટલબેલ સ્પોર્ટ એટલે શું?
કેટલબેલ સ્પોર્ટ રશિયામાં ઉદ્ભવ્યું હતું. એમાં ચોક્કસ સમયગાળા માટે અલગ-અલગ વજનનાં કેટલબેલ ઉપાડવામાં આવે છે. વિજેતાનો નિર્ણય બૉડીવેઇટ કૅટેગરી અને ઍથ્લીટ દ્વારા કરવામાં આવેલાં પુનરાવર્તનોની સંખ્યા દ્વારા કરવામાં આવે છે. રશિયામાં ઉદ્ભવેલી કેટલબેલ રમતમાં એક અથવા બે કેટલબેલને ૧૦ અથવા ૩૦ મિનિટ માટે એને નીચે મૂક્યા વગર ઉપાડવા પડે છે. રમતવીરોને લિંગ, ઉંમર, શરીરનું વજન અને પ્રશિક્ષણ અનુભવની કૅટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે. જે રમતવીર તેની કૅટેગરીમાં સૌથી વધુ સંખ્યામાં પુનરાવર્તન કરે છે તે વિજેતા બને છે.