20 January, 2023 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીપ રાંભિયા
ભારતમાં ક્રિકેટ અને ફુટબૉલ ઉપરાંત ટેનિસની માફક બૅડ્મિન્ટનની રમત પર ખૂબ લોકપ્રિય છે અને એના ટોચના ખેલાડીઓ યુવા વર્ગ માટે રોલ-મૉડલ બની રહેતા હોય છે. ભૂતકાળમાં ભારતીય બૅડ્મિન્ટનમાં ટોચના સ્થાને રહી ચૂકેલી પ્લેયર્સ સાઇના નેહવાલ, પી. વી. સિંધુ, અપર્ણા પોપટ, જ્વાલા ગુટ્ટા, અશ્વિની પોનપ્પા, તન્વી લાડ તેમ જ પુરુષ ખેલાડીઓ પ્રકાશ પદુકોણ, પુલેલા ગોપીચંદ, શ્રીકાંત કિદામ્બી, લક્ષ્ય સેન, એચ. એસ. પ્રણોય વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી ચૂક્યાં છે.
આ પણ વાંચો : સિંધુનું પાંચ મહિને કમબૅક : આજે રમશે મલેશિયન ઓપનમાં
અપર્ણા પોપટની માફક હવે વધુ એક ગુજરાતી ખેલાડી બૅડ્મિન્ટનમાં ચમકી રહ્યો છે. મુલુંડમાં રહેતો ૨૩ વર્ષનો દીપ રાંભિયા તાજેતરમાં જ ભારતના મેન્સ ડબલ્સ બૅડ્મિન્ટન રૅન્કિંગમાં નંબર-વન બન્યો છે. તે કચ્છી જૈન દેરાવાસી જ્ઞાતિનો છે અને બિઝનેસ મૅનેજમેન્ટના અભ્યાસ સાથે સંકળાયેલો છે. તેના નામે સૌથી વધુ ૫૯૬ પૉઇન્ટ છે. મહારાષ્ટ્રના જ અક્ષન શેટ્ટીના તેમ જ તામિલનાડુના રુબેન કુમાર અને હરિહરન અમ્સાકારુનનના પણ ૫૯૬ પૉઇન્ટ છે. દીપ રાંભિયા તાજેતરમાં રાય બરેલીની ટુર્નામેન્ટ જીતીને ડબલ્સમાં નંબર-વન થયો છે. વિમેન્સમાં ખુશી ગુપ્તા અને પ્રિયા દેવી ભારતમાં ડબલ્સની નંબર-વન ખેલાડીઓ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોમાં સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી તથા ચિરાગ શેટ્ટી મેન્સ ડબલ્સમાં અને જૉલી ટ્રિસા તથા ગાયત્રી પુલેલા વિમેન્સ ડબલ્સમાં મોખરે છે.