૪.૨ ઓવરમાં ૩૭/૦, ૧૨.૪ ઓવરમાં ૫૭/૧૦

04 December, 2024 10:12 AM IST  |  Harare | Gujarati Mid-day Correspondent

૨૦ રનમાં ૧૦ વિકેટ ગુમાવીને, ૫૭ રનનો પોતાનો લોએસ્ટ T20 સ્કોર બનાવીને ૧૦ વિકેટે હાર્યું ઝિમ્બાબ્વે, પાકિસ્તાને સિરીઝ પર કબજો કર્યો

સુફિયાન મુકીમ

ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે બીજી T20 મૅચમાં ૧૦ વિકેટે જીત મેળવીને પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝ પર કબજો કર્યો છે. યજમાન ટીમ ઝિમ્બાબ્વે ૧૨.૪ ઓવરમાં ૫૭ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૫૮ રનના ટાર્ગેટને પાકિસ્તાની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૫.૩ ઓવરમાં ૬૧ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો. પાકિસ્તાને પહેલી મૅચમાં ૫૭ રને જીત મેળવી હતી. આવતી કાલે બન્ને ટીમ વચ્ચે અંતિમ T20 મૅચ રમાશે.

૪.૨ ઓવર સુધી ૩૭ રનના સ્કોર પર ઝિમ્બાબ્વેની ટીમે એક પણ વિકેટ ગુમાવી નહોતી, પણ ૪.૩થી ૧૨.૪ ઓવર સુધી યજમાન ટીમે એક પછી એક ૧૦ વિકેટ ગુમાવી દીધી. આમ ૫૦ બૉલમાં ઝિમ્બાબ્વેની ટીમે વધુ ૨૦ રન જ બનાવ્યા હતા. T20 ઇન્ટરનૅશનલમાં આ ઝિમ્બાબ્વેનો લોએસ્ટ સ્કોર છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામે ૮૨ રનનો પોતાનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ગઈ કાલની મૅચમાં માત્ર ૧૧૮ રન બન્યા હતા જે બન્ને ટીમ વચ્ચે આ ફૉર્મેટની મૅચમાં બનેલા સૌથી ઓછા રનનો રેકૉર્ડ છે.

T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન 
પચીસ વર્ષના લેફ્ટ આર્મ સ્પિનર સુફિયાન મુકીમે ૨.૪ ઓવરમાં ૩ રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. કરીઅરમાં પહેલી વાર એક મૅચમાં પાંચ વિકેટ લેનાર આ બોલરે T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન કરવાની સિદ્ધિ પણ મેળવી છે. આ પહેલાં પાકિસ્તાની ફાસ્ટ બોલર ઉમર ગુલે આ ફૉર્મેટમાં ૨૦૦૯માં ન્યુ ઝીલૅન્ડ સામે ત્રણ ઓવરમાં અને ૨૦૧૩માં સાઉથ આફ્રિકા સામે ૨.૨ ઓવરમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ-પ્રદર્શન નોંધાવ્યું હતું. આ બન્ને મૅચમાં તેણે ૬ રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. 

zimbabwe pakistan t20 t20 international cricket news sports news sports