યુવી ક્રિકેટ પર ફોકસ કરે એ માટે યોગરાજ સિંહે કારમાંથી ફેંકી દીધાં હતાં ગોલ્ડ મેડલ અને સ્કેટ

29 September, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના પપ્પા હાલમાં ધોની અને કપિલ દેવ વિરુદ્ધ આપેલાં નિવેદનોને કારણે ચર્ચામાં છે.

યુવરાજ સિંહ તેના પપ્પા યોગરાજ સિંહ સાથે

એક ક્રિકેટ પૉડકાસ્ટમાં ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહે પપ્પા યોગરાજ સિંહ સાથેનો બાળપણનો દર્દનાક કિસ્સો શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘બાળપણમાં હું રોલર સ્કેટિંગનો શોખીન હતો. હું આ રમતમાં અન્ડર-14 રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો, પરંતુ મારા પપ્પાએ મને એ રમત છોડી દેવા જણાવ્યું હતું. તેમણે મારાં સ્કેટ અને ગોલ્ડ મેડલ કારમાંથી બહાર ફેંકીને મારું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર ક્રેન્દ્રિત કરવા કહ્યું હતું.’

૪૨ વર્ષના યુવીએ આગળ કહ્યું હતું કે ‘હું ગરમીમાં રમવા માગતો નહોતો, પણ મારા પપ્પા ખૂબ જ મક્કમ હતા. તેઓ ભારત માટે લાંબા સમય સુધી ક્રિકેટ ન રમી શક્યા એથી મારા દ્વારા તેમનું સ્વપ્ન જીવવા માગતા હતા. એ આઠ વર્ષ મારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યાં હતાં એથી જ હું ૧૮ વર્ષની ઉંમરે ભારત માટે રમી શક્યો હતો. તેમણે મને એ પરિસ્થિતિઓ માટે તૈયાર કર્યો હતો.’ 
યુવરાજ સિંહે વર્ષ ૨૦૦૦માં ભારતીય ટીમ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેના પપ્પા હાલમાં ધોની અને કપિલ દેવ વિરુદ્ધ આપેલાં નિવેદનોને કારણે ચર્ચામાં છે.

yuvraj singh sports news sports cricket news indian cricket team