09 April, 2023 10:36 AM IST | Mumbai | Ajay Motivala
૧૯ વર્ષનો કલકત્તાનો ખેલાડી સુયશ શર્મા.
૨૦૦૮માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવા પાછળનો હેતુ એમાંથી ભારતને ઇન્ટરનૅશનલ ટીમ માટે ઉપયોગી ખેલાડીઓ અપાવવાનો હતો અને એ ઉદ્દેશ ૧૫ વર્ષમાં ઘણાખરા અંશે સાર્થક નીવડ્યો છે. ૨૦૧૧માં ઘરઆંગણે વન-ડેનો વર્લ્ડ કપ રમાયો ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં એવા ખેલાડીઓએ ટ્રોફી અપાવેલી જેઓ આઇપીએલના ઉદ્ભવ પહેલાંથી જ ભારત વતી રમી રહ્યા હતા, પરંતુ એ પછી આપણે ઘણી સિરીઝો ક્રિકેટ જગતની આ સૌથી મોટી પ્રીમિયર લીગની દેનમાં મળેલા પ્લેયર્સના સુપર પર્ફોર્મન્સથી જ જીત્યા છીએ.
યંગ ઇન્ડિયાની તલાશ
ઑક્ટોબરમાં ફરી ઓડીઆઇ વર્લ્ડ કપ આપણે ત્યાં રમાશે ત્યારે આપણી ટીમમાં એવા કેટલાક ખેલાડીઓ હશે જેઓ અગાઉની છેલ્લી અમુક આઇપીએલમાં નામ કરી ચૂક્યાં હશે અને બીજા કેટલાક આ વખતની ટુર્નામેન્ટમાં ચમકી ચૂક્યા હશે. ટૂંકમાં, યુવા ખેલાડીઓથી સજાવેલી ટીમ મેદાન પર ઊતરશે અને તેમનો સરદાર હાર્દિક પંડ્યા હોય તો નવાઈ નહીં પામતા.
બદોની અને બિશ્નોઈ ક્લિક થયા
આઇપીએલમાં ઝળકી રહેલા યુવા ભારતીયોની જ વાત કરીએ તો ૩૧ માર્ચે આઇપીએલની પહેલી મૅચમાં ચેન્નઈના ઋતુરાજ ગાયકવાડે ૯૨ રન બનાવ્યા તો ગુજરાતના શુભમન ગિલે ૬૩ રન બનાવી ગુજરાતને જિતાડવામાં મોટો ફાળો આપ્યો. ચેન્નઈના રાજ્યવર્ધન હંગરગેકરે ત્રણ વિકેટ લીધી, પરંતુ એ પર્ફોર્મન્સ પણ ચેન્નઈને જિતાડી ન શક્યો. બીજા દિવસે કલકત્તા સામે પ્રભસિમરન સિંહે બે સિક્સર અને બે ફોરના ધમાકા સાથે જોરદાર આગમન કર્યું અને પછી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લઈને પંજાબને વિજય અપાવ્યો. દિલ્હી સામે લખનઉનો આયુષ બદોની ૧૮ રનની ઉપયોગી અને પછી રવિ બિશ્નોઈ અને અવેશ ખાને બે-બે વિકેટ લઈ લખનઉને વિજયના દ્વાર સુધી પહોંચાડ્યું. અવેશ ખાને ડેવિડ વૉર્નરની પ્રાઇઝ વિકેટ લીધી હતી.
સાઈ અને સુયશ મળ્યા
હૈદરાબાદ સામે રાજસ્થાનને જિતાડવામાં યશસ્વી જયસ્વાલના ૫૪ રન અને કૅપ્ટન સંજુ સૅમસનના ૫૫ રન મહત્ત્વના બન્યા હતા. મુંબઈ સામે બૅન્ગલોરે આસાનીથી વિજય મેળવ્યો, પરંતુ મુંબઈના તિલક વર્માની અણનમ ૮૪ રનની ઇનિંગ્સને કોઈ ભૂલી નહીં શકે. ચેન્નઈ સામે લખનઉનો અવેશ ખાન ઑલરાઉન્ડર બેન સ્ટોક્સની વિકેટ લઈને અને રવિ બિશ્નોઈ ત્રણ વિકેટ સાથે પાછો ચમક્યો, પરંતુ છેવટે ચેન્નઈ જીતી ગયું. દિલ્હી સામે ગુજરાતના સાઈ સુદર્શનના ૬૨ રનના પર્ફોર્મન્સ પર તો બધા આફરીન થઈ ગયા. સાઈએ નિસ્તેજ બની ગયેલી આ સીઝનને ધમધમતી કરી દીધી. હવે જીતવાનો પંજાબનો વારો હતો અને ઓપનર પ્રભસિમરન સિંહે ૬૦ રન બનાવીને પાછલી મૅચની બધી ઇચ્છા પૂરી કરી. રાજસ્થાન સામેની આ મૅચમાં અર્શદીપ સિંહ બે વિકેટ લઈને પાછો ચમક્યો. બૅન્ગલોર સામે કલકત્તાનો શાર્દુલ ઠાકુર ૬૮ રનની કાબિલેદાદ ઇનિંગ્સ તો રમ્યો, પરંતુ રીન્કુ સિંહના ૪૬ રન તેમ જ વરુણ ચક્રવર્તીની ચાર વિકેટ અને નવા સીક્રેટ સ્પિનર સુયસ શર્માની ત્રણ વિકેટ મૅચનાં સૌથી મોટાં આકર્ષણ બન્યાં હતાં.
આઇપીએલ, બિગેસ્ટ ઍકૅડેમી
આઇપીએલની આ સીઝનને માંડ ૧૫ દિવસ પણ નથી થયા ત્યાં ૧૫ જેટલા યુવા પ્લેયર્સ હેડિંગમાં ચમકી ગયા તો આવનારા દોઢ મહિનામાં બીજા બે-ચાર ખેલાડીઓ આપણને મળી જ જશે. વિશ્વની મોટા ભાગની ક્રિકેટ ટીમમાં અનેક નવા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે અને ભારત પણ એમાં પાછળ નથી. આપણી પાસે તો આઇપીએલ નામની સૌથી મોટી ક્રિકેટ ઍકૅડેમી છે, જે દર વર્ષે નવા ટેલેન્ટેડ પ્લેયર્સ તો આપે જ છે.
ડૅશિંગ કૅપ્ટન હાર્દિક પંડ્યા
આશા રાખીએ આ વખતે આપણે હોમ ગ્રાઉન્ડ્સ પર હાર્દિક જેવા ડૅશિંગ કૅપ્ટનના સુકાનમાં વર્લ્ડ કપ રમીએ અને ટ્રોફી જીતીએ.