27 May, 2023 09:51 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ભારતે વર્તમાન આઇપીઅેલ અગાઉ માર્ચમાં ઘરઆંગણે ઑસ્ટ્રેલિયાને ટેસ્ટ-સિરીઝમાં ૨-૧થી હરાવ્યું હતું. ભારતે કાંગારૂઓને છેલ્લી ચારેય બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ૨-૧ના માર્જિનથી હરાવ્યું છે. હવે બન્ને દેશના પ્લેયર્સ લંડનમાં ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ટકરાશે. માર્ચમાં અમદાવાદમાં સિરીઝની છેલ્લી ટેસ્ટ રમાયા બાદ અશ્વિનને મૅન ઑફ ધ મૅચનો અને રવીન્દ્ર જાડેજાને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો (તસવીર : twitter.com/BCCI)
આવતી કાલે આઇપીએલની સોળમી સીઝન પૂરી થયા પછી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટના વર્લ્ડ કપની ૭ જૂને લંડનના ઓવલમાં શરૂ થનારી ફાઇનલની જ ચર્ચા થશે. આઇસીસીની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) તરીકે જાણીતી આ સ્પર્ધાનો નિર્ણાયક મુકાબલો રોહિત શર્માના સુકાનમાં રમનારી ટીમ ઇન્ડિયા અને પૅટ કમિન્સની કૅપ્ટન્સીમાં રમનાર ઑસ્ટ્રેલિયન ટીમ વચ્ચે થશે અને એમાં વિજયી થનારી ટીમ (ટેસ્ટની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ)ને ટ્રોફી સાથે ૧૬ લાખ ડૉલર (અંદાજે ૧૩.૨૨ કરોડ રૂપિયા)નું સૌથી મોટું ઇનામ મળશે. ફાઇનલમાં હારી જનારી રનર-અપ ટીમને ટ્રોફી સાથે ૮ લાખ ડૉલર (૬.૬૧ કરોડ રૂપિયા) મળશે. ૨૦૧૯-’૨૧ની સૌથી પહેલી ડબ્લ્યુટીસીની ફાઇનલ વખતે પણ આટલાં જ ઇનામ આપવામાં આવ્યાં હતાં. એમાં કેન વિલિયમસનના સુકાનમાં ન્યુ ઝીલૅન્ડ ચૅમ્પિયન બન્યું હતું અને વિરાટ કોહલીના નેતૃત્વમાં રમેલી ભારતીય ટીમ રનર-અપ રહી હતી.
૭-૧૧ જૂન દરમ્યાન રમાનારી આ ફાઇનલ માટે ૧૨ જૂન રિઝર્વ-ડે રાખવામાં આવ્યો છે. ચૅમ્પિયન બનનારી ટીમને ટ્રોફીની સાથે ચમકતી ગદા પણ આપવામાં આવશે.
આઇસીસી તરફથી કુલ મળીને ૩૮ લાખ ડૉલર (૩૧.૩૯ કરોડ રૂપિયા)નાં ઇનામો આપવામાં આવશે અને એમાં તમામ ૯ દેશની ટીમને એની ડબ્લ્યુટીસીમાંના પૉઇન્ટ્સ-ટેબલમાંની સ્થિતિ મુજબ ભાગ અપાશે. ભારત અને ઑસ્ટ્રેલિયા પ્રથમ તથા બીજા નંબરે હોવાથી ફાઇનલ રમશે, જ્યારે સાઉથ આફ્રિકા ત્રીજા નંબરની ટીમ છે જેને ૪.૫૦ લાખ ડૉલર (૩.૭૨ કરોડ રૂપિયા) મળશે. બાકીના સ્થાને જે ટીમો છે એની વિગત આ મુજબ છે : ઇંગ્લૅન્ડ (ચોથા નંબરે), શ્રીલંકા (પાંચમા નંબરે), ન્યુ ઝીલૅન્ડ (છઠ્ઠા નંબરે), પાકિસ્તાન (સાતમા નંબરે), વેસ્ટ ઇન્ડીઝ (આઠમા નંબરે) અને બંગલાદેશ (નવમા નંબરે).