13 June, 2023 12:51 PM IST | London | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા
ભારતીય ક્રિકેટ ટીમ એક દાયકા પછી પણ આઇસીસી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી એ સાથે ટીમના કેટલાક ખેલાડીઓને તેમની કચાશ બદલ વખોડવામાં આવી રહ્યા છે, પરંતુ ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામેના આ સર્વોચ્ચ ટેસ્ટ મુકાબલામાં ૧૪ અને ૪૯ રન બનાવનાર વિરાટ કોહલીને નહીં, પણ તેની ઍક્ટ્રેસ-વાઇફ અનુષ્કાને સોશ્યલ મીડિયામાં ટાર્ગેટ કરવામાં આવી રહી છે. થોડાં વર્ષો પહેલાં કોહલી જે પણ ઇનિંગ્સમાં ખરાબ રમતો અને જો એ મૅચ અનુષ્કાએ સ્ટેડિયમમાં બેસીને જોઈ હોય તો અનુષ્કાને પનોતી ગણાવીને કોહલીની નિષ્ફળતા માટે મુખ્ય કારણરૂપ ગણાવાતી હતી.
કોહલી પ્રથમ દાવમાં સ્ટાર્કના બૉલમાં ડિફેન્સિવ રમવા જતાં સેકન્ડ સ્લીપમાં સ્ટીવ સ્મિથને કૅચ આપી બેઠો હતો. સેકન્ડ ઇનિંગ્સમાં કોહલીને શૉટ મારવાની ફરજ પાડતા બોલૅન્ડના સકર બૉલમાં ફરી સેકન્ડ સ્લીપમાં સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.
થોડાં વર્ષ સુધી એ અનિચ્છનીય દોષારોપણ કરવાથી કેટલાક લોકો દૂર રહ્યા, પણ રવિવારે ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ સતત બીજી વાર હાર્યું કે તરત અમુક લોકોએ ફરી અનુષ્કાને લક્ષ્યાંક બનાવવાનું શરૂ કરી દીધું. અનુષ્કાએ ઓવલના સ્ટેડિયમમાં બેસીને આ ફાઇનલ જોઈ હતી. સોશ્યલ મીડિયામાં કેટલાકે અનુષ્કાને પનોતી ગણાવી છે તો કેટલાકે લખ્યું છે, ‘અનુષ્કા જ્યારે સ્ટેડિયમમાં હોય છે ત્યારે ભારત હારે છે.’ જૉન્સ નામના ક્રોધિત ક્રિકેટ-ફૅને લખ્યું છે ‘જે આઇસીસી ટુર્નામેન્ટમાં અનુષ્કા સ્ટેડિયમમાં હાજર હોય એમાં ભારતના વિજયની ટકાવારી ઝીરો હોય.’
જોકે કેટલાક ક્રિકેટપ્રેમીઓએ અનુષ્કાની તરફેણ કરી છે. આરસીબી ટીમના એક ચાહકે અનુષ્કાને વખોડનારાઓ માટે લખ્યું છે, ‘તાજેતરની આઇપીએલમાં કોણે સેન્ચુરી ફટકારી હતી? તમે? ઉસ ટાઇમ ભી અનુષ્કા શર્મા સ્ટેડિયમ મેં આતી થી.’