05 March, 2023 05:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હીની ટીમ પડશે બૅન્ગલોર પર ભારે
આજે મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ મંધાનાની ટક્કર દિલ્હીની શેફાલી વર્માની ટીમ સામે થશે. મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટું સ્થાન છે. બૅન્ગલોરની ટીમે ૩.૪૦ કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં લીધી છે. આ ઉપરાંત ટીમમાં એલિસ પેરી, હીધર નાઇટ, સોફી ડિવાઇન અને રિચા ઘોષ જેવી ખેલાડીઓ છે, પરંતુ સારા ભારતીય ખેલાડીઓ જોતાં ઑસ્ટ્રેલિયાની મેગ લૅનિંગની ટીમ વધુ મજબૂત દેખાય છે. આ ટીમમાં કૅપ્ટન લૅનિંગ ઉપરાંત જેસ જૉનાસેન, મૅરીઝૅન કૅપ અને એલિસ કેપ્સ જેવી વિદેશી ખેલાડીઓ છે. આ ઉપરાંત શેફાલી, જેમિમાહ રૉડ્રિગ્સ, શિખા પાંડે, પૂનમ યાદવ, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા, રાધા યાદવ આ તમામ સારા ભારતીય ખેલાડીઓ છે. અન્ડર-19 વર્લ્ડ કપની ફાસ્ટ બોલર તિતાસ સાધુ, કાશ્મીરની જાસિયા અખ્તર અને વિકેટકીપર અપર્ણા મોંડલ જેવા ખેલાડીને કારણે દિલ્હીની ટીમ વધુ મજબૂત છે. કૅપ્ટન લૅનિંગે કહ્યું હતું કે ‘મેં ખેલાડીઓ સાથે વાતચીત કરી છે તેમ જ તેમનાં મજબૂત પાસાં વિશે જાણકારી મેળવી છે. એવી આશા રાખું છું કે તેમની પાસેથી કંઈ શીખીશ અને તેમની સાથે મારો અનુભવ શૅર કરીશ.’