24 May, 2023 11:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી
સામાન્ય રીતે કોઈ ટુર્નામેન્ટ રમાઈ જાય ત્યાર બાદ માત્ર પ્રતીકાત્મક રીતે એની બેસ્ટ ઇલેવન જાહેર કરવામાં આવતી હોય છે. આ ટીમમાં એ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પર્ફોર્મ કરનાર ૧૧ ખેલાડીઓનાં નામ સમાવવામાં આવે છે. જોકે ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રીએ આગામી ૭થી ૧૧ જૂન દરમ્યાન લંડનના ઓવલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ રમાય એ પહેલાં જ સંયુક્ત ટેસ્ટ ઇલેવન જાહેર કરી છે, જેમાં આ ફાઇનલમાં બેસ્ટ પર્ફોર્મ કરી શકે એવા (તેમના અનુમાન મુજબના) ૧૧ ખેલાડીનાં નામ સામેલ કરાયાં છે.
કોણ કેમ ઇલેવનમાં?
શાસ્ત્રીના મતે આ મુકાબલામાં ભારત અને ઑસ્ટ્રેલિયા બન્નેના ૧૧-૧૧ વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ રમવાના હોવાથી એ કુલ બાવીસ ખેલાડીઓમાંથી ૧૧ પ્લેયર્સની કમ્બાઇન્ડ ઇલેવન બનાવવાનું કામ બહુ કઠિન હતું. જોકે શાસ્ત્રીએ એ માટે મગજને ખૂબ પરિશ્રમ કરાવ્યો અને ઇલેવનમાં ૪ ભારતીય અને ૭ ઑસ્ટ્રેલિયનને સમાવ્યા. શાસ્ત્રીનું એવું પણ માનવું છે કે ‘આ સંયુક્ત ટીમના કૅપ્ટનપદે અને બેમાંના એક ઓપનર તરીકે રોહિત શર્મા જ હોવો જોઈએ. જો ઑસ્ટ્રેલિયાની ટીમના સુકાની તરીકે પૅટ કમિન્સના સ્થાને સ્ટીવ સ્મિથ હોત તો વાત જુદી હોત. જોકે કૅપ્ટન તરીકે કમિન્સ કરતાં રોહિત ઘણો અનુભવી છે. ૩, ૪, ૫ નંબરના બૅટર તરીકે મારી દૃષ્ટિએ માર્નસ લબુશેન, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ બેસ્ટ છે. રવીન્દ્ર જાડેજા અત્યારે વિશ્વના બેસ્ટ ઑલરાઉન્ડર્સમાં ગણાય એટલે મેં છઠ્ઠા નંબરે તેને મૂક્યો છે. વિકેટકીપર તરીકે ભારતના કે. એસ. ભરત કરતાં ઍલેક્સ કૅરી ચડિયાતો કહેવાય. મેં બહુ વિચાર કર્યા પછી આર. અશ્વિનને બદલે નૅથન લાયનને આ ટીમમાં સમાવવાનું નક્કી કર્યું હતું. ઑસ્ટ્રેલિયાની બહાર (ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં) અશ્વિન કરતાં લાયનનો રેકૉર્ડ સારો છે. મોહમ્મદ શમીનો પર્ફોર્મન્સ દિવસે-દિવસે સારો થતો જાય છે એટલે કમિન્સ અને મિચલ સ્ટાર્ક સાથે મેં તેને આ ઇલેવનમાં સમાવ્યો છે.
પુજારાની બાદબાકી શૉકિંગ
શાસ્ત્રીએ ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા જે તાજેતરમાં ઇંગ્લૅન્ડની કાઉન્ટીમાં ઘણું સારું રમ્યો હતો તેને આ કમ્બાઇન્ડ ઇલેવનમાં ન સમાવીને પુજારાના ચાહકોને આંચકો આપ્યો છે.
રોહિત શર્મા (કૅપ્ટન), ઍલેક્સ કૅરી (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, રવીન્દ્ર જાડેજા, પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, મોહમ્મદ શમી અને નૅથન લાયન.
ગમેએટલી પ્રૅક્ટિસ કરો, પણ વૉર્મ-અપ મૅચ જેવું બીજું કંઈ નથી. ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં એકેય વૉર્મ-અપ મૅચ ન રાખવાનો નિર્ણય લઈને ઑસ્ટ્રેલિયાએ પોતાની ટીમ માટે જોખમ વહોરી લીધું છે. - એલન બોર્ડર