World Cup : આજે બે મેચ, શું થશે?

21 October, 2023 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાને આજે જાયન્ટ કિલર નેધરલૅન્ડ‍્સનો ડર : બે અપસેટની ભોગ બનેલી ટીમ વચ્ચે આજે વાનખેડેમાં જંગ

પ્રતીકાત્મક તસવીર

શ્રીલંકાને આજે જાયન્ટ કિલર નેધરલૅન્ડ‍્સનો ડર

ધરમશાલામાં સાઉથ આફ્રિકાને હરાવનાર અને પહેલી વાર ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર સામે જીત મેળવનાર નેધરલૅન્ડ‍્સની ટીમ આજે (સવારે ૧૦.૩૦ વાગ્યાથી લાઇવ) લખનઉમાં શ્રીલંકાને પણ પડકારશે. ત્રણેય મૅચ હારી ચૂકેલી શ્રીલંકાની ટીમ પૉઇન્ટ‍્સ–ટેબલમાં સાવ તળિયે છે. એનો મુખ્ય કૅપ્ટન દાસુન શનાકા ઈજાને લીધે પાછો જતો રહ્યો છે અને તેની ગેરહાજરીમાં કુસાલ મેન્ડિસને કૅપ્ટન્સી સોંપાઈ છે. જોકે નેધરલૅન્ડ‍્સની ટીમ અણધાર્યા પરિણામ આપવા માટે જાણીતી હોવાથી મેન્ડિસ ઇલેવન આજે બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ખૂબ સાવચેતીથી રમશે. શ્રીલંકાની ટીમ ત્રણેયમાંથી એકેય મૅચમાં ટીમ-વર્કનું પ્રદર્શન નથી કરી શકી. બીજી તરફ, નેધરલૅન્ડ‍્સની ટીમ કૅપ્ટન સ્કૉટ એડવર્ડ‍્સ, બાસ ડી લીડે, આર્યન દત્ત, રુલૉફ વૅન ડર મર્વ, લૉગેન વૅન બીક, વિક્રમજિત સિંહ વગેરે ખેલાડીઓને કારણે સ્ટ્રૉન્ગ છે અને કોઈ પણ ટીમને હરાવી શકવાની તાકાત ધરાવે છે.

બે અપસેટની ભોગ બનેલી ટીમ વચ્ચે આજે વાનખેડેમાં જંગ

વાનખેડે સ્ટેડિયમમાં આજે (બપોરે ૨.૦૦ વાગ્યાથી લાઇવ) પહેલી વાર ૨૦૨૩ના વર્લ્ડ કપની મૅચ રમાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થશે. બન્ને ટીમ અન્ડરડૉગ ટીમ સામે હારીને મુંબઈ આવી છે. સાઉથ આફ્રિકાની ટીમને નેધરલૅન્ડ‍્સે ધરમશાલામાં ૩૮ રનથી હરાવી હતી, જ્યારે ઇંગ્લૅન્ડને દિલ્હીમાં અફઘાનિસ્તાને આંચકો આપ્યો હતો. સૌથી મોટું ટોટલ (૪૨૮/૫) નોંધાવી ચૂકેલી સાઉથ આફ્રિકાની ટીમ સામે ઇંગ્લૅન્ડ વન-ડે વર્લ્ડ કપમાં ૪-૩થી નજીવી સરસાઈ ધરાવે છે. સાઉથ આફ્રિકાને જીતવાનો સારો મોકો છે, કારણ કે બ્રિટિશ ટીમ અત્યારે બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં નબળી છે. વાનખેડેમાં આઇપીએલ બાદ આઉટફીલ્ડ નવેસરથી તૈયાર કરવામાં આવી છે.

આજની મૅચ :

નેધરલૅન્ડ્સ v/s શ્રીલંકા, સવારે ૧૦.૩૦ વાગ્યે, લખનઉ

ઇંગ્લૅન્ડ v/s સાઉથ આફ્રિકા, બપોરે ૨.૦૦ વાગ્યે, મુંબઈ

આવતી કાલની મૅચ :

ભારત v/s ન્યુ​ ઝીલૅન્ડ, બપોરે ૨.૦૦ વાગ્યે, ધરમશાલા

world cup sports sports news cricket news sri lanka netherlands england south africa