બિન્ની બનશે બીસીસીઆઇના બાદશાહ

12 October, 2022 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડની ચૂંટણીમાં ઓચિંતો વળાંક : ભૂતપૂર્વ ઑલરાઉન્ડર બનશે નવા પ્રમુખ : સૌરવ ગાંગુલીનો પ્રેસિડન્ટ તરીકે પર્ફોર્મન્સ સંતોષજનક ન હોવાનું માનવામાં આવે છે

રૉજર બિન્ની

સુપ્રીમ કોર્ટે થોડા દિવસ પહેલાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ સહિત તમામ હોદ્દેદારોને ત્રણ વર્ષની વધુ એક મુદત પર રહેવાની છૂટ આપી હતી, પરંતુ મંગળવાર, ૧૮ ઑક્ટોબરે મુંબઈમાં બોર્ડની વાર્ષિક સામાન્ય સભામાં વહીવટમાં મોટું પરિવર્તન જોવા મળશે. ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર, ૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયન ખેલાડી તેમ જ ત્યારની ‘કપિલ્સ ડેવિલ્સ’ ટીમના મેમ્બર રૉજર બિન્ની બીસીસીઆઇના નવા પ્રમુખ બનવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ બોર્ડના સેક્રેટરીપદે જ રહેશે અને બોર્ડમાંના એકમાત્ર કૉન્ગ્રેસી રાજીવ શુક્લા વાઇસ-પ્રેસિડન્ટના હોદ્દા પર રહેશે.

૧૯૮૩ની ૨૫ જૂને વર્લ્ડ કપની ફાઇનલમાં બિન્નીએ ક્લાઇવ લોઇડની વિકેટ લીધી હતી. તેમણે ઓપનર હેઇન્સનો કૅચ પણ પકડ્યો હતો.

બિન્ની કેમ એકલા ઉમેદવાર?

બીસીસીઆઇના પ્રમુખપદે સૌરવ ગાંગુલીનો દેખાવ સંતોષજનક ન હોવાના મુદ્દે અને તેમના આ પર્ફોર્મન્સ બાબતમાં દિલ્હીમાં તાજેતરની બોર્ડની મીટિંગમાં તેમની ટીકા થઈ હોવાનું મનાય છે. સોમવારે પ્રમુખપદ માટે એકમાત્ર રૉજર બિન્નીએ ઉમેદવારી નોંધાવી હોવાથી (નવી કોઈ ઉમેદવારી નહીં નોંધાવાય તો) બિન્ની બિનહરીફ ચૂંટાશે. જોકે બાકીના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવવા બુધવાર (આજે) છેલ્લો દિવસ છે અને ૧૫મીએ ફાઇનલ લિસ્ટ જાહેર કરાશે.

બિન્ની કેમ એક જ મુદત માટે?

બીસીસીઆઇમાં કોઈ પણ હોદ્દે ૭૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ રહી ન શકે એને કારણે ભૂતપૂર્વ બૅટર બ્રિજેશ પટેલે આઇપીએલનું ચૅરમૅનપદ છોડવું પડ્યું છે. એ જ પ્રમાણે રૉજર બિન્નીએ ત્રણ વર્ષની એક મુદત પછી (બોર્ડના પ્રમુખપદે ૨૦૨૫ સુધી રહ્યા પછી) હોદ્દો છોડવો પડશે.

બિન્નીનો ઇન્ડિયા પર્ફોર્મન્સ

૬૭ વર્ષના રૉજર બિન્ની કર્ણાટકના બૅન્ગલોરના છે. તેઓ રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલર અને રાઇટ-હૅન્ડ બૅટર હતા. ૧૯૭૯થી ૧૯૮૭ દરમ્યાન ભારત વતી ૨૭ ટેસ્ટ અને ૭૨ વન-ડે રમ્યા હતા. તેમણે ટેસ્ટમાં ૪૭ અને વન-ડેમાં ૭૭ વિકેટ લીધી હતી. તેમણે ૧૪૦૦થી વધુ ઇન્ટરનૅશનલ રન પણ બનાવ્યા હતા.

વર્લ્ડ કપમાં હાઇએસ્ટ વિકેટ

રૉજર બિન્નીએ ૧૯૮૩ના વર્લ્ડ કપમાં ૧૮ વિકેટ લીધી હતી અને એ ટુર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની વિકેટ હાઇએસ્ટ હતી. ૨૦૦૦માં ભારત મોહમ્મદ કૈફના સુકાનમાં અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યું હતું અને રૉજર બિન્ની એ ટીમના કોચ હતા. તેઓ બેંગાલ ક્રિકેટ ટીમના પણ કોચ બની ચૂક્યા છે. તેઓ બીસીસીઆઇમાં આવતાં પહેલાં કર્ણાટક એસોસિએશનનું પ્રમુખપદ છોડી દેશે.
બિન્નીની પ્રશંસામાં ઘણું કહેવાયું છે.

બિન્નીની નવા પ્રમુખ તરીકેની પસંદગી નવાઈ પમાડનારી છે. જોકે બીસીસીઆઇના એક સૂત્રએ ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું કે ‘બીસીસીઆઇના નવા પ્રમુખ માટેના દાવેદાર રૉજર બિન્ની કાબેલ ખેલાડી તો હતા જ, ઉમદા વ્યક્તિ પણ છે. જેન્ટલમેન્સ ક્રિકેટમાં ઉત્તમ પ્રકારના જેન્ટલમૅન કહેવાય એવા બિન્ની વર્લ્ડ કપ હીરો તો છે જ, ભારતીય ક્રિકેટના વહીવટમાં તેમની બહુ સારી છાપ છે. તેઓ ક્લીન ઇમેજ માટે જાણીતા છે. તેઓ ભારતીય સિલેક્શન કમિટીમાં હતા એ દરમ્યાન એક તબક્કે તેમનો પુત્ર સ્ટુઅર્ટ બિન્ની ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા દાવેદાર બન્યો હતો ત્યારે રૉજર બિન્નીએ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બીસીસીઆઇના પ્રમુખપદ માટે રૉજર બિન્ની રાઇટ ચૉઇસ છે.’

ધુમાલ નવા આઇસીસી હેડ

બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ તથા વર્તમાન સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમાલને આઇપીએલના નવા ચૅરમૅન બનાવવામાં આવી રહ્યા છે. તેઓ ૭૦ વર્ષના બ્રિજેશ પટેલનું સ્થાન લેશે.

36
રોજર બિન્ની બીસીસીઆઇના આટલામા પ્રમુખ કહેવાશે.

સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રમુખપદે રહેવું હતું : આઇપીએલના ચૅરમૅન બનવાની ઑફર ઠુકરાવી હતી

કેટલાક અહેવાલ મુજબ સૌરવ ગાંગુલીને બીસીસીઆઇના પ્રમુખપદે ત્રણ વર્ષની વધુ એક મુદત માટે રહેવું હતું, પરંતુ આ હોદ્દે તેમનો પર્ફોર્મન્સ જોતાં બોર્ડમાં નિર્ણય લેનારાઓ દ્વારા હોદ્દામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ગાંગુલીને આઇપીએલના ચૅરમૅન બનવાની ઑફર થઈ હોવાનું મનાય છે. જોકે ગાંગુલીનું એવું કહેવું હતું કે તેઓ બોર્ડના સર્વોચ્ચ હોદ્દે રહી ચૂક્યા હોવાથી હવે બીસીસીઆઇની કોઈ સબ-કમિટીના હેડ બનવા નથી માગતા. ગાંગુલીનું નામ આઇસીસીના ચૅરમૅનપદ માટે પણ બોલાઈ રહ્યું છે.

ભાજપના આશિષ શેલાર બનશે બોર્ડના ખજાનચી

રૉજર બિન્ની સાથે બોર્ડમાં બે નવા જાણીતા હોદ્દેદારો પણ આવશે. ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ના પ્રમુખપદે રહી ચૂકેલા આશિષ શેલાર બોર્ડના ખજાનચી બનશે, જ્યારે આસામ ક્રિકેટ અસોસિએશનના સેક્રેટરી દેવજિત સૈકિયા બોર્ડમાં જૉઇન્ટ સેક્રેટરી બનશે.

sports sports news sourav ganguly cricket news board of control for cricket in india