01 October, 2023 11:31 AM IST | Mumbai | Ajay Motivala
વિરાટ કોહલી અને શુબમન ગિલ
ટીમ ઇન્ડિયા શેને લીધે મજબૂત? | જે ટીમ પાસે વન-ડેમાં વિશ્વવિક્રમી ત્રણ ડબલ સેન્ચુરી (૨૬૪, ૨૦૯, ૨૦૮*) ફટકારી ચૂકેલો કૅપ્ટન રોહિત શર્મા હોય, વિશ્વમાં ફ્ફિથ-બેસ્ટ રનકર્તા (૧૩,૦૮૩) તથા સેકન્ડ-બેસ્ટ સેન્ચુરિયન (૪૭) વિરાટ કોહલી હોય અને ૨૦૨૩માં હાઇએસ્ટ ૧૨૩૦ રન બનાવી ચૂકેલો શુભમન ગિલ હોય તો એ ટીમે ટૉપ-ઑર્ડરની બૅટિંગ વિશે કોઈ ચિંતા કરવા જેવું હોય જ નહીં. ટીમ પાસે સ્ટ્રૉન્ગ, ભરોસાપાત્ર અને બૅલૅન્સ્ડ ટૉપ-ઑર્ડર છે. ખાસ કરીને ગિલે તાજેતરના એશિયા કપમાં હાઇએસ્ટ ૩૦૨ રન અને ત્યાર પછી ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં હાઇએસ્ટ ૧૭૮ રન બનાવીને વર્લ્ડ કપની તમામ ૯ હરીફ ટીમોના બોલર્સને સંકેત આપી દીધો હતો કે વર્લ્ડ કપમાં પોતે શું કરી શકે એમ છે.
કમબૅકમેન શ્રેયસ ઐૈયર અને કે. એલ. રાહુલ પણ સારા ફૉર્મમાં છે એટલે મિડલ-ઑર્ડરની શરૂઆતમાં પણ ખાસ કંઈ ચિંતા નથી. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા પણ સારાં યોગદાનો આપી શકે. મોકો મળે તો ઈશાન કિશન પણ હરીફ બોલર્સને પરેશાન કરવા તૈયાર છે અને રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન અને શાર્દુલ ઠાકુર પણ બૅટિંગમાં થોડાઘણો ફાળો આપી શકે. ટૂંકમાં, રોહિત, કોહલી, રાહુલ, હાર્દિક, જાડેજા અને અશ્વિનનો વર્ષોનો અનુભવ ટીમને સમય આવ્યે અસરકારક કામ આવી શકશે.
બીજી ખાસ બાબત એ છે કે ૧૨ વર્ષે ફરી ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે એટલે ભારતીય બૅટર્સ અહીંની પિચોનો ભરપૂર ફાયદો લઈ શકશે. ઓપનિંગમાં ગિલ આક્રમક છે અને રોહિત ધીમી શરૂઆત બાદ પછીથી પરફેક્ટ સ્ટ્રૅટેજીથી મોટી ભાગીદારી કરવા સક્ષમ છે એટલે હરીફ ટીમ તેમની જોડીને તોડવા કોઈ કસર બાકી નહીં રાખે. કોહલી પણ સેટલ થવામાં થોડો સમય લે છે, પણ પછી તે જો અસલ મિજાજમાં રમવા લાગે તો ભલભલી ટીમ તેને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમતો રોકી ન શકે. તાજેતરના એશિયા કપમાં તે પાકિસ્તાન સામે ડિફેન્સિવ ટેક્નિક બાદ ૯૪ બૉલમાં ૧૨૨ રનની જે શાનદાર ઇનિંગ્સ રમ્યો એ જ તેની હાલની ક્ષમતા અને કાબેલિયત પુરવાર કરવા માટે પૂરતી છે.
ભારતનું ફાસ્ટ બોલિંગ-આક્રમણ હાલમાં ક્રિકેટજગતની તમામ ટીમોમાં બેસ્ટ ગણાય છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરમાંથી મોટા ભાગના બોલર્સ એશિયા કપમાં અને પછી ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પરચો બતાવી ચૂક્યા છે. એશિયા કપમાં એક જ મૅચ રમનાર શમીએ પછીથી ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં પાંચ વિકેટના તરખાટથી પોતાનો મિજાજ બતાવી દીધો હતો. મોહમ્મદ સિરાજ અત્યારે તેના બેસ્ટ ફૉર્મમાં છે. ચાર બૉલમાં ચાર વિકેટના તેના તાજેતરના તરખાટથી તમામ હરીફ બૅટર્સ વાકેફ હશે જ. શાર્દુલ ઠાકુર મોટી ભાગીદારીઓને તોડીને ભારતને બ્રેકથ્રૂ અપાવવા માટે જાણીતો છે. પેસ બોલિંગમાં હાર્દિક પંડ્યાનો રોલ પણ નાનોસૂનો નહીં હોય.
ભારત સ્પિન-બોલર્સને વધુ માફક આવે એવી પિચો માટે જાણીતું છે અને એમાં હાલનો સર્વશ્રેષ્ઠ ઇન્ફૉર્મ સ્પિનર કુલદીપ યાદવ શરૂઆતથી જ ભારતને જીત અપાવી શકે એમ છે. અનુભવી સ્પિનર આર. અશ્વિનનું ઓચિંતું ટીમમાં આગમન થયું છે જેનાથી ટીમ વધુ મજબૂત બની છે અને રવીન્દ્ર જાડેજા જરૂર પડે ત્યારે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ટીમ ઇન્ડિયાને જિતાડવા માટે જાણીતો છે.
ટીમ ઇન્ડિયાની નબળાઈઓ કઈ? | ભારતની ટીમ એકંદરે ખૂબ મજબૂત છે, પરંતુ ટીમ પાસે હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે કોઈ પેસ બોલિંગ-ઑલરાઉન્ડર નથી. તે મૅચ-ફિનિશર પણ ઘણી વાર બન્યો છે, પરંતુ શાર્દુલ ઠાકુર તેનો વિકલ્પ ન ગણી શકાય. બીજું, ભારત પાસે લેફ્ટ-હૅન્ડ બૅટર્સની ઊણપ છે. ઈશાન કિશનનું સ્થાન દરેક મૅચમાં રહેશે એ નક્કી નથી, કારણ કે વિકેટકીપર-બૅટર તરીકે ટીમ પાસે કે. એલ. રાહુલ છે. રવીન્દ્ર જાડેજા લેફ્ટ-હૅન્ડ બૅટર છે, પણ તે લોઅર-ઑર્ડરનો બૅટર છે. હરીફ બોલર્સને મૂંઝવણમાં મૂકી દેવા ટીમમાં બે જેટલી લેફ્ટ-રાઇટી બૅટર્સની જોડી હોવી જરૂરી છે.
ખાસ બાબત એ છે કે ભારતીયો બોલિંગ અને બૅટિંગ બન્નેમાં ડેથ ઓવર્સમાં સારું પર્ફોર્મ કરવામાં થોડા નબળા સાબિત થયા છે. ઓપનર્સે સૉલિડ સ્ટાર્ટ અપાવ્યું હોય, પરંતુ મિડલ અને લોઅર-મિડલના બૅટર્સ છેલ્લી ઓવર્સમાં બનેએટલા વધુ રન બનાવી લેવામાં થોડા નબળા છે. આ કચાશ દૂર થશે તો ભારત મોટો સ્કોર ખડકી શકશે. ભારતીય બોલર્સ ડેથ ઓવર્સમાં વિકેટો લેવા માટે જાણીતા નથી. જો આ નબળાઈ પણ દૂર થશે તો નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચવામાં ટીમને જરાય મુશ્કેલી નહીં પડે.