08 October, 2023 09:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહદી હસન મિરાઝ
મેહદી હસન મિરાઝના ઑલરાઉન્ડર પ્રદર્શનને કારણે ગઈ કાલે ધર્મશાળામાં રમાયેલી વર્લ્ડ કપની શરૂઆતની મૅચમાં બંગલાદેશે અફઘાનિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું. મિરાઝે શરૂઆતમાં શાનદાર સ્પિન બોલિંગનું પ્રદર્શન કરતાં ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જેને કારણે અફઘાનિસ્તાન ૧૫૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ત્યાર બાદ તેણે ૭૩ બૉલમાં ૫૭ રન બનાવ્યા હતા, જેને કારણે ટીમે ૩૪.૪ ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને વિજય મેળવ્યો હતો. બંગલાદેશ તરફથી નઝમુલ શાન્ટોએ પણ ૮૩ બૉલમાં નૉટઆઉટ ૫૯ રન બનાવ્યા હતા. ૧૫૭ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બંગલાદેશની ટીમે ૨૭ રનમાં જ બે વિકેટ ગુમાવી હતી. જોકે મિરાઝ અને શાન્ટોએ ટીમને વિજયની નજીક પહોંચાડ્યું હતું.