અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ : નેધરલૅન્ડ‍્સનો કૅપ્ટન

19 October, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૉટ ઍડવર્ડ‍્સ કહે છે કે ‘અમે સાઉથ આફ્રિકા સામે ફ્લુકમાં નથી જીત્યા’

મંગળવારે હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી નેધરલૅન્ડ‍્સનો વિકેટકીપર-કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્‍સ (તસવીર : એ.એફ.પી.)

વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ સાઉથ આફ્રિકાને મંગળવારે ધરમશાલામાં ૩૮ રનથી હરાવીને આ વખતની ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જનાર નેધરલૅન્ડ‍્સના મૅચ-વિનિંગ વિકેટકીપર-કૅપ્ટન સ્કૉટ એડવર્ડ‍્સે (૭૮ અણનમ, ૬૯ બૉલ, એક સિક્સર, દસ ફોર)તેની ટીમ મંગળવારે ફ્લુકમાં નહોતી જીતી એવા અર્થમાં કહ્યું હતું કે ‘અમે જો અમારી બેસ્ટ ક્ષમતાથી રમીએ તો કોઈ પણ મોટી ટીમને હરાવી શકીએ. અમે દરેક મૅચમાં પ્લાન સાથે મેદાન પર ઊતરીએ છીએ અને જીતવા માટેની કોઈ કસર નથી છોડતા.’

નેધરલૅન્ડ‍્સની ટીમ વર્લ્ડ કપના ઇતિહાસમાં છેલ્લાં ૧૬ વર્ષમાં પહેલી વાર જીત્યું છે. અગાઉ નેધરલૅન્ડ‍્સ ૨૦૦૩ના વિશ્વકપમાં નામિબિયા સામે અને ૨૦૦૭માં સ્કૉટલૅન્ડ સામે જીત્યું હતું.
નેધરલૅન્ડ‍્સે ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને હરાવીને સ્પર્ધાની બહાર કર્યું હતું. જોકે વન-ડેના વર્લ્ડ કપમાં નેધરલૅન્ડ‍્સે પહેલી વાર ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્રની ટીમને હરાવી છે. કૅપ્ટન અેડવર્ડ‍્સે અણનમ ૭૮ રન બનાવવા ઉપરાંત ત્રણ કૅચ પણ પકડ્યા હતા. અેમાંનો અેક કૅચ ક્વિન્ટન ડિકૉક (૨૦ રન), બીજો ગેરાલ્ડ કોઅેટ‍્ઝી (૨૨)નો અને ત્રીજો કેશવ મહારાજ (૪૦)નો હતો.

‘માત્ર એન્જૉય કરવા નથી આવ્યા’
વર્લ્ડ કપ માટે નેધરલૅન્ડ‍્સની ટીમ અગાઉથી પૂરતા પ્લાન સાથે ભારત આવી છે. એડવર્ડ‍્સે કહ્યું કે ‘અમે અહીં મોજ માણવા કે માત્ર ક્રિકેટ એન્જૉય કરવા નથી આવ્યા. અમે બેસ્ટ પર્ફોર્મ કરીને ઉપલા સ્તરે પહોંચવા આવ્યા છીએ. સાઉથ આફ્રિકાની ટીમ ખૂબ મજબૂત છે અને સેમી ફાઇનલની નજીક પહોંચી જશે. અમે વિચારતા હોઈએ છીએ કે અમારે પણ ટૉપ-ફોરમાં પહોંચવું હોય તો દરેક મૅચમાં બેસ્ટ પર્ફોર્મ કરવું પડશે.’

આર્યન દત્તના ૩ છગ્ગા સાથે ૨૩ રન
મંગળવારે વરસાદને લીધે મૅચ ૪૩-૪૩ ઓવરની કરવામાં આવી હતી. ડચ ટીમનો સ્કોર એક તબક્કે ૧૪૦/૭ હતો, પરંતુ કૅપ્ટન એડવર્ડ‍્સે બાજી સંભાળી લીધી હતી અને તેણે ૬૯ બૉલમાં અણનમ ૭૮ રન બનાવતાં તેની ટીમનો સ્કોર ૨૪૫/૮ સુધી પહોંચી ગયો હતો. આર્યન દત્તે ત્રણ સિક્સરની મદદથી ૯ બૉલમાં અણનમ ૨૩ રન બનાવ્યા હતા. ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટીમ ૪૨.૫ ઓવરમાં ૨૦૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રૉલોફ વૅન ડર મર્વે ૨૯ રન બનાવ્યા બાદ બે વિકેટ પણ લીધી હતી.

નેધરલૅન્ડ‍્સના મોટા ભાગના ખેલાડીઓ નવા નિશાળિયા છે. ભાગ્યે જ કોઈ પ્રોફેશનલ પ્લેયર છે. ૭ ખેલાડીઓ પૈસાના અભાવે ક્વૉલિફાઇંગમાં નહોતા રમ્યા. નિયમિત પગાર આપતા તેમના કોઈ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ પણ નથી. : આકાશ ચોપડા 

world cup netherlands south africa sports sports news cricket news