World Cup 2023: દિલ્હી-મુંબઈથી અમદાવાદ સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે

18 November, 2023 08:41 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

યાગરાજ, મુંબઈ, અમદાવાદમાં ભારતની જીત માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. રેલવે(Indian Railways)એ દિલ્હી અને મુંબઈથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે

ફાઇલ તસવીર. સૌજન્ય: એએફપી

ભારત-ઑસ્ટ્રેલિયા વર્લ્ડ કપ (World Cup 2023)ની ફાઈનલ રવિવારે બપોરે 2 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમાશે. આ મેચ જોવા માટે દેશ અને દુનિયાભરના ચાહકો ફ્લાઈટ અને હૉટલ બુક કરાવવામાં વ્યસ્ત છે.

અમદાવાદ અને નજીકના શહેરોમાં ફાઈવ, થ્રી સ્ટાર અને અન્ય હૉટલોમાં રૂમની માગ આકાશને આંબી રહી છે. આ ક્રેઝ એટલો જોરદાર છે કે ટોચની 5-સ્ટાર હૉટલોમાં રૂમનું ભાડું રવિવાર રાત માટે 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પ્રયાગરાજ, મુંબઈ, અમદાવાદમાં ભારતની જીત માટે પ્રાર્થનાઓ થઈ રહી છે. રેલવે(Indian Railways)એ દિલ્હી અને મુંબઈથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

100થી વધુ ચાર્ટર્ડ પ્લેન લેન્ડ કરશે

અમદાવાદ એરપોર્ટ પર શનિવાર અને રવિવારે 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થવાની ધારણા છે. અમદાવાદ એરપોર્ટમાં 30-40 ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરવાની ક્ષમતા છે. આવી સ્થિતિમાં ગાંધીનગર અને વડોદરામાં અનેક પ્લેન પાર્ક થશે. સાથે જ સુરત, રાજકોટ અને વડોદરામાં VVIP અને સેલેબ્સના ચાર્ટર્ડ પ્લેનને પણ પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે.

મેચ પહેલાનો ઍર-શૉ

મેચ પહેલા એરફોર્સનો એરશો થશે. ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ સૂર્યકિરણે શુક્રવાર અને શનિવારે તેનું રિહર્સલ કર્યું હતું. આ શો મેચ પહેલા લગભગ 10 મિનિટ સુધી ચાલશે.

5-સ્ટાર હોટલમાં રૂમનું ભાડું 3 લાખ રૂપિયા સુધી

ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીના જણાવ્યા અનુસાર દુબઈ, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ચાહકો પણ અમદાવાદ પહોંચ્યા છે. શહેરમાં થ્રી અને ફાઈવ સ્ટાર હોટલોમાં 5,000 રૂમ છે. મેચ જોવા માટે બહારગામથી 30 થી 40 હજાર લોકો આવવાની ધારણા છે, જેના કારણે 5 સ્ટાર હૉટલોમાં રૂમનું ભાડું 2.5 થી 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

રેલવેએ દિલ્હી-મુંબઈથી વિશેષ ટ્રેનો દોડાવી, ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ હાઈવોલ્ટેજ મેચ જોવા માટે હજારો લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે. ક્રિકેટ ચાહકોની સુવિધા માટે ભારતીય રેલ્વેએ શનિવારે દિલ્હીથી અમદાવાદ માટે વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. રેલવેએ શનિવારે કહ્યું કે મેચ બાદ અમદાવાદથી ટ્રેન બપોરે 2.30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. આવી જ ત્રણ ટ્રેનો મુંબઈ-અમદાવાદ વચ્ચે પણ દોડાવવામાં આવી રહી છે.

રેલવે ઉપરાંત એરલાઈન્સ કંપનીઓએ પણ અમદાવાદ માટે વધારાની ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. સામાન્ય રીતે શનિવારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે રોજની 15 થી 20 ફ્લાઈટ હોય છે. મેચને કારણે ફ્લાઈટ્સની સંખ્યા 25 થઈ ગઈ છે. પીએમ મોદી સાથે ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ હાજર રહેશે.

આ મેચમાં પીએમ નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે. ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને 8 રાજ્યોના સીએમ સહિત 100 વીવીઆઈપી પણ સ્ટેડિયમમાં પહોંચશે. જેમાં સેલિબ્રિટી અને બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત અગ્રણી બિઝનેસમેન પણ હાજર રહેશે. જેમાં મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, ગૌતમ અદાણી, જિંદાલ ગ્રુપ જેવા મોટા નામ સામેલ છે.

world cup indian railways narendra modi narendra modi stadium cricket news sports sports news