08 June, 2023 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન નજમ સેઠીએ પાકિસ્તાનના પ્રવાસે આવેલા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને જણાવી દીધું છે કે ‘આગામી વર્લ્ડ કપમાં અમારી ટીમને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા મોકલવામાં અમને અસલામતીનો ડર છે એટલે અમારી ટીમ અમદાવાદમાં તો નહીં જ રમે. હા, અમારી ટીમ જો ફાઇનલ જેવી નૉકઆઉટમાં પહોંચશે તો એ માટે અમે અમારી ટીમને અમદાવાદ જરૂર મોકલીશું.’
પહેલી મૅચ, ફાઇનલ અમદાવાદમાં
આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં વન-ડેની વર્લ્ડ કપની મૅચો ભારતમાં મુંબઈ અને અમદાવાદ સહિત ઘણાં શહેરોમાં રમાશે. ખાસ કરીને પાંચમી ઑકટોબરે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની પ્રથમ મૅચ તેમ જ ૧૯ નવેમ્બરની ફાઇનલ અમદાવાદમાં રમાવાની છે. પી. ટી. આઇ.એ અગાઉ એક અહેવાલમાં જણાવ્યું જ હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની ટીમની મૅચો કલકત્તા, ચેન્નઈ અને બૅન્ગલોરમાં રમવા માગે છે અને અમદાવાદમાં રમવાની એની કોઈ જ તૈયારી નથી.
ઇન્ઝીની ટીમ અમદાવાદમાં રમેલી
પીસીબીને અમદાવાદમાં પોતાની ટીમની અસલામતી લાગે છે, પરંતુ અહીં યાદ અપાવવાની કે ૨૦૦૫માં ભારતના પ્રવાસમાં ઇન્ઝમામ-ઉલ-હકની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમ અમદાવાદના મોટેરા ખાતેના મેદાન પર રમી હતી.
બાબર-રિઝવાન અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં જોડાયા
પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ અને આક્રમક ઓપનિંગ બૅટર મોહમ્મદ રિઝવાન અમેરિકામાં મૅસેચુસેટ્સના બોસ્ટનમાં જગવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં જોડાયા છે. તેમણે ૩૧ મે-૩ જૂન સુધીના બિઝનેસ ઑફ એન્ટરટેઇનમેન્ટ, મીડિયા ઍન્ડ સ્પોર્ટ્સ (બીઇએમએસ)ના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. બાબર અને રિઝવાને એક દિવસ આખા ક્લાસને સંબોધ્યો હતો. પછીથી બાબરે સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કર્યા હતા. આ પ્રોગ્રામમાં ભાગ લેનાર તેઓ પ્રથમ ક્રિકેટર છે. ભૂતપૂર્વ હેવીવેઇટ ચૅમ્પિયન ફ્રાન્સિસ ઍન્ગૅનોઉ અને ચેલ્સી ફુટબૉલ પ્લેયર સીઝર ઍઝપિલિક્યુએટાએ પણ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો.
અમને ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ કરતાં ઓછા પૈસા કેમ? : પાકિસ્તાન
એશિયા કપને લીધે વગોવાઈ ગયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસીને કહી દીધું છે કે ‘આઇસીસીની આવકમાંથી અમને મળનારા પૈસાની ટકાવારી નહીં વધારવામાં આવે તો અમે આગામી પાંચ વર્ષ માટેનો રેવન્યુને લગતો પ્રોગ્રામ નહીં સ્વીકારીએ. અમને ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ કરતાં ઓછા પૈસા કેમ આપવાનું નક્કી થઈ રહ્યું છે? એ બન્ને દેશને ભારત સામે દ્વિપક્ષી સિરીઝ રમવા મળતી હોય છે તેમ જ તેમના ખેલાડીઓને આઇપીએલમાં પણ રમવા મળતું હોય છે. એ જોતાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના બોર્ડને આઇપીએલના મૅનેજમેન્ટ પાસેથી પણ પૈસા મળતા હોય છે.’