23 October, 2023 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં ગઈ કાલે કમર પર લગાવેલો પટ્ટો સરખો કરાવી રહેલો મોહમ્મદ રિઝવાન (તસવીર : એ.એફ.પી.)
ભારત અને ઑસ્ટ્રેલિયા સામેના પરાજયને લીધે બૅક-ટુ-બૅક હાર સહન કર્યા પછી પાકિસ્તાનનો આજે (બપોરે ૨.૦૦ વાગ્યાથી) વર્લ્ડ કપમાં ચેન્નઈની સ્પિનર-ફ્રેન્ડ્લી પિચ પર પાડોશી દેશ અફઘાનિસ્તાન સાથે મુકાબલો છે. નેધરલૅન્ડ્સ અને શ્રીલંકાને હરાવ્યા પછી જોશમાં આવી ગયેલી બાબર આઝમની ટીમ ટીમ ઇન્ડિયા અને કાંગારૂઓ સામેના પરાજયના આઘાતમાંથી હજી બહાર નહીં જ આવી હોય. આજે અફઘાનિસ્તાન સામે પણ બાબરની ટીમ હારશે તો સેમી ફાઇનલમાં પહોંચવા માટે પછીની લગભગ દરેક મૅચ પાકિસ્તાને જીતવી પડશે. બાબરે હજી અસલ ટચ બતાવ્યો નથી અને ટીમનો મોટા ભાગે મોહમ્મદ રિઝવાન (ટુર્નામેન્ટમાં કુ ૨૯૪ રન) પર જ મદાર રહ્યો છે.
જોકે ઓપનર ઇમામ-ઉલ-હક ગઈ કાલે ખૂબ ઉત્સાહી અને આશાવાદી હતો. તેણે ચેન્નઈમાં પત્રકારોને કહ્યું કે ‘અમે ચાર મૅચ રમ્યા જેમાં ૨-૨ની બરાબરીમાં છીએ. અમે અમારી ખામી વિશે સારી રીતે વાકેફ છીએ અને ખુલ્લા દિલે સ્વીકારીએ છીએ કે છેલ્લી બે મૅચમાં અમે અપેક્ષા જેવું નહોતા રમ્યા. જોકે હવે અમારે અપેક્ષા જેવું પર્ફોર્મ કરવું છે. સામાન્ય રીતે આપણે વાતો ઘણી કરતા હોઈએ, પણ મૅચના દિવસે જેવું રમીએ એ ખરું કહેવાય. સોમવારે ચેન્નઈમાં બધાને પાકિસ્તાનની ટીમ નવા અવતારમાં જોવા મળશે.’
ચેપૉકનું ગ્રાઉન્ડ સ્પિનર્સને વધુ અનુકૂળ છે, પરંતુ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના સ્પિનર્સ ધારી અસર નથી પાડી શક્યા. જોકે ઇમામે કહ્યું કે ‘અમે અફઘાનિસ્તાન સામેની મૅચ માટે પાકી તૈયારી કરી લીધી છે. થોડા સમય પહેલાં જ અમે અફઘાનિસ્તાનને સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર ૩-૦થી હરાવ્યું હતું.’
આજે ચેન્નઈમાં પાકિસ્તાનના બૅટર્સને રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહમાનથી વધુ ખતરો છે. જોકે ઇમામ કહે છે કે મને મારી ટીમના બોલર્સ પર પૂરો ભરોસો છે. ખરું કહું તો અમે કોઈ પ્રેશરમાં નથી. થોડા હતાશ છીએ, પણ ડ્રેસિંગરૂમ અને ડગઆઉટમાં બધા ખૂબ એક્સાઇટેડ છે.’
જોકે પાકિસ્તાનના બૅટર્સને અફઘાનિસ્તાનના સ્પિનર્સનો ડર હશે જ, કારણ કે ત્રણ દિવસ પહેલાં બૅન્ગલોરમાં પાકિસ્તાનના ચાર બૅટર્સ ઑસ્ટ્રેલિયન સ્પિનર ઝૅમ્પાને વિકેટ આપી બેઠા હતા.
અફઘાનિસ્તાન મજબૂત ટીમ હૈ. વો ક્લોઝ હારે હૈં આપસે. અગર આપને બહુત બડી ઍમ્બર્સમેન્ટ સે બચના હૈ તો... અફઘાનિસ્તાન મારી દૃષ્ટિએ પાકિસ્તાનની બરાબરીવાળી ટીમ છે. તેમને હળવાશથી લેશો તો ભૂલ કરશો. યાદ રાખજો કે આ મૅચ ચેન્નઈમાં છે. બૉલ ખૂબ ટર્ન થશે. સ્થિતિ અફઘાનિસ્તાનને વધુ અનુકૂળ છે. લેકિન આપ સબ દિલ સે ખેલો.’ : શોએબ અખ્તર
મારી દૃષ્ટિએ પાકિસ્તાન સાથેની કટ્ટર હરીફાઈને લીધે જ અફઘાનની ટીમ એક્સાઇટેડ છે. તાજેતરની વન-ડે સિરીઝમાં અમે કેટલીક મૅચ જરાક માટે જીતતાં રહી ગયા હતા. મને આશા છે કે બે હારને લીધે પ્રેશરમાં આવેલા પાકિસ્તાનને અમારી ટીમ આજે હરાવશે. : જોનથન ટ્રૉટ, (અફઘાનિસ્તાનનો કોચ)
5
પાકિસ્તાને અફઘાનિસ્તાનને છેલ્લી આટલી મૅચમાં હરાવ્યું છે. એકંદરે પાકિસ્તાનનો એની સામે ૭-૦નો રેશિયો છે.