29 September, 2023 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના ક્રિકેટર્સ ભારત આવ્યા તે સમયની ફાઇલ તસવીર
આઇસીસી વર્લ્ડ કપ ૨૦૨૩ (ICC World Cup 2023)ને શરુ થવામાં હવે માત્ર અઠવાડિયું જ બાકી છે. આવતીકાલથી તો પ્રેક્ટિસ મેચ પણ શરુ થઈ જશે. ત્યારે વિદેશી ક્રિકેટ ટીમોએ ભારત (India) આવવાની શરુઆત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની કટ્ટર હરીફ ટીમ પાકિસ્તાન (Pakistan)ના ખેલાડીઓ પણ ભારત પહોંચી ગયા છે. ભારતમાં તેમનું એવું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કે તેઓ ચોંકી ગયા છે. સાત વર્ષ પછી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત આવી છે. ભારતની આગતા-સ્વાગતા જોઈને પાકિસ્તાની કૅપ્ટબ બાબર આઝમ (Babar Azam) સહિત અન્ય ખેલાડીઓના હોંશ ઉડી ગયા છે. અહીં આપવામાં આવેલા આવકારથી તેઓ ખુબ પ્રભાવિત થયા છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાત વર્ષમાં પહેલીવાર બુધવારે ભારત પહોંચી છે. બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ દુબઈ (Dubai)થી અહીં પહોંચી છે. આ ટીમ હૈદરાબાદ (Hyderabad)માં થોડો સમય વિતાવશે. પાકિસ્તાની ટીમ બુધવારે વહેલી સવારે લાહોર (Lahore)થી રવાના થઈ હતી અને રાત્રે અહીં પહોંચી હતી. ભારત પહોંચતા જ પાકિસ્તાની ખેલાડીઓનું ઉષ્ભાસભર સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતમાં આ પ્રકારનું સ્વાગત જોઈને પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ ખુશ છે. બાબરે તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોસ્ટ શૅર કરીને આ અંગે પ્રતિક્રિયા આપી છે. બાબરે લખ્યું, ‘હું અહીં હૈદરાબાદમાં આવો પ્રેમ અને સમર્થન મેળવીને અભિભૂત છું.’ તેણે ઇન્સ્ટા પર આ સ્ટોરી પોસ્ટ કરી હતી.
બાબર આઝમે સોશ્યલ મીડિયા પર કરેલી આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ની મેનેજિંગ કમિટીના વડા મોહમ્મદ ઝકા અશરફ (Muhammad Zaka Ashraf)એ ટીમના પ્રસ્થાન પહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, ‘બીસીસીઆઈએ આઈસીસીને ખાતરી આપી છે કે તમામ ટીમોને શ્રેષ્ઠ સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને તેમનું સારું ધ્યાન રાખવામાં આવશે. હું કંઈ અલગ અપેક્ષા રાખતો નથી, અમારી ટીમ માટે પણ. મને નથી લાગતું કે અમારી ટીમને ભારતમાં કોઈ મુશ્કેલી હશે.’
પાકિસ્તાન ટીમની તેમના દેશમાંથી વિદાય પહેલા કૅપ્ટન બાબર આઝમે ભારતમાં રમવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, ખાસ કરીને અમદાવાદમાં જ્યાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન એક લાખથી વધુ દર્શકોની સામે એકબીજાનો સામનો કરશે ત્યારે વધુ મજા આવશે.
આ છે પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમ
બાબર આઝમ (કૅપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, અબ્દુલ્લા શફીક, મોહમ્મદ રિઝવાન, સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, સલમાન અલી આગા, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, હરિસ રઉફ, હસન અલી, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ
નોંધનીય છે કે, વર્લ્ડ કપ ૨૦૨૩ ભારતમાં ૫ ઓક્ટોબરથી શરૂ થશે.